વાંકલ: (Vankal) વાંકલના બજાર અને સ્ટેશન વિસ્તારને હાલમાં એક કપિરાજે (Monkey) બાનમાં લીધો છે. છેલ્લા ત્રણથી ચાર દિવસથી વાનરે એવો તો આતંક મચાવ્યો છે કે લોકો ઘરમાં જ પુરાઈ રહેવાનું મુનાસીબ માને છે. જો કોઈ બહાર નીકળે તો પણ વાનર ક્યાંથી આવીને હુમલો કરી દે એ નક્કી નથી હોતું. ક્યારેક વાનર બાઈક ઉપર જતાં ચાલકો તો ક્યારેક દુકાનદારો ઉપર હુમલો કરી પાછળ દોડે છે. આ પકડમપકડીના ખેલમાં તોબા થયેલા લોકોએ વનવિભાગને રજૂઆત કરી તો વનવિભાગે પણ વાનરને પકડવા ફિલ્ડિંગ ભરવી પડે છે. ત્યારે ગુરુવારે વધુ ચાર જણા ઉપર કપિરાજે હુમલો કરતાં લોકો દહેશત વચ્ચે જીવી રહ્યા છે.
માંગરોળ તાલુકાના વાંકલ ખાતે છેલ્લા થોડા દિવસથી કપિરાજનો આતંક યથાવત છે. ક્યારેક વાહનચાલકો તો ક્યારેક રસ્તે જતા રાહદારીઓને પકડી બચકાં ભરતાં આ કપિરાજના ત્રાસમાંથી છૂટકારો મેળવવા માટે લોકોએ વનવિભાગને વિનવણી કરી, વનવિભાગ પણ વાનરને પકડવા ફિલ્ડિંગ ભરે છે. પરંતુ ચબરાક કપિરાજ પાંજરે પુરાતા નથી. ત્યાં ગુરુવારે વધુ ચાર વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો. જેમાં પાનેશ્વર દૂધમંડળીના સંચાલકને પણ બચકું ભરી લીધું હતું. તો એક જણાના ઘરમાં ઘૂસી દાદર પરથી ઊતરતા પારસ મોદી ઉપર પણ કૂદકો માર્યો હતો. જ્યારે અન્ય બે જણાને પણ નિશાન બનાવ્યા હતા. ત્રણ દિવસમાં કપિરાજે દસથી વધુ લોકો ઉપર હુમલો કરતાં લોકો ડરના માર્યા હવે ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે.
આવા સંજોગોમાં જે લોકોને કામગીરી હોય એમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગુરુવારે ઘાયલ ચાર લોકોને સારવાર માટે ખસેડાયા હતા. હાલમાં વનવિભાગની ટીમ કપિરાજને પકડવા બે દિવસથી પાંજરું લઇ વાંકલ ગામમાં ફરી રહી છે. અને ગુરુવારે ગન પણ લાવ્યા હતા. પરંતુ ચાલક કપિરાજ ગન જોઈને ભાગી જાય છે. આવી જ એક ઘટનામાં વાંકલના મનસુખ કોથળાવાલાના ઘર પર બેસી વાનર આવતા-જતાં લોકોને જોઈ રહ્યો હતો. અને લાગ જોઈને બેઠેલી વનવિભાગની ટીમે ગન ફાયર કર્યુ તો ચબરાક વાનર વાંકો વળી ભાગી છૂટ્યો હતો. જ્યાં સુધી કપિરાજ નહીં પકડાય ત્યાં સુધી લોકોમાં ભય ઓછો થશે નહીં.
કપિરાજ લગ્નના મંડપમાં પણ પહોંચી ગયા, એકને બચકું ભર્યુ
વાંકલમાં હાલ લગ્નસિઝન ચાલી રહી છે. ત્યારે વાનરના રોજિંદા હુમલાની ઘટનાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. વાંકલના બાલુભાઈ ચૌધરીની દીકરીનાં બે દિવસ બાદ લગ્ન હોવાથી મંડપ બાંધવાની કામગીરી ચાલી રહી હતી. ત્યારે કપિરાજ મંડપમાં ઘૂસી ગયા હતા. અને એક વ્યક્તિને બચકું ભરી લીધું હતું. જેને તેને સારવાર માટે ખસેડાયો હતો.
સમોસા લેવા ગયેલા કારીગર ઉપર હુમલો
વાંકલ બજારમાં આવેલી લક્ષ્મી હોટલનો કારીગર ગણેશ વસાવા માલિકના ઘરે સમોસા લેવા માટે ગયો હતો. દરમિયાન સવારે 9-30 વાગ્યાના અરસામાં કપિરાજે તેમના ઉપર એકાએક કૂદકો મારી દીધો હતો. અને પગના ભાગે પકડી લેતાં ગણેશે તેને હાથ વડે હડસેલવાનો પ્રયાસ કર્યો તો હાથમાં બચકું ભરી લીધું હતું. આથી લોહીલુહાણ થતાં તેને વાંકલના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને 5થી 6 ટાંકા આવ્યા હતા.