કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ બાબતે એક મહત્વનો આદેશ જારી કર્યો છે. આ આદેશ મુજબ સરકારી કાર્યક્રમોમાં ભારતના રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ની સાથે જ હવે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’નું ગાયન-વાદન પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ અને રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ એકસાથે ગવાય છે અથવા વગાડવામાં આવે છે, તો ‘વંદે માતરમ’ પહેલા વગાડવામાં આવશે. શ્રોતાઓએ રાષ્ટ્રીય ગીત ગાતી-વગાડતી વખતે ધ્યાન કેન્દ્રિત કરીને સાવધાનની મુદ્રામાં ઊભા રહેવું પડશે.
નોંધપાત્ર વાત એ છે કે, અત્યાર સુધી ‘વંદે માતરમ’ ગાવા માટે કોઈ સત્તાવાર પ્રોટોકોલ નહોતો, જ્યારે ‘જન ગણ મન’ માં સૂર, સમય અને ગાયન અંગે સ્પષ્ટ નિયમો હતા. ગીતનું વિસ્તૃત, છ શ્લોકોનું સંસ્કરણ અત્યાર સુધી સત્તાવાર કાર્યક્રમોમાં ગવાતું નહોતું. પરંતુ હવે તે ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે છ શ્લોકોનો સમાવેશ કરતું 3 મિનીટ્સ 10 સેકન્ડ્સ લાંબુ સંસ્કરણ પસંદ કર્યું છે. ત્રિરંગો લહેરાવવાનો હોય, સરકારી કાર્યક્રમોમાં રાષ્ટ્રપતિનું આગમન, રાષ્ટ્રને તેમના ભાષણો અને સંબોધનો પહેલાં અને પછી, તેમજ રાજ્યપાલોના આગમન અને ભાષણો પહેલાં અને પછી જેવા ઉપક્રમનું આયોજન હોય ત્યારે રાષ્ટ્રીય ગીત વગાડવાનું રહેશે.