આ લખાઇ રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, જપાનની બુલેટ ટ્રેનમાંથી પ્રેરણા લઇને ભારતમાં જ ચેન્નઇ ખાતેની પેરામ્બુદૂર રેલ ફેકટરી દ્વારા મેઇક ઇન ઇન્ડિયા યોજના હેઠળ નિર્મિત ‘વંદે ભારત’ એકસપ્રેસ ટ્રેનને ગુજરાતમાં ગાંધીનગર ખાતે લીલી ઝંડી બતાવવાની વિધિમાં વ્યસ્ત હતા. ૨૦૧૯ માં શરૂ થયેલી ‘વંદે ભારત એકસપ્રેસ’ યોજના હેઠળ આ ત્રીજી ટ્રેન છે. પરંતુ વંદે ભારત યોજના તળે મુંબઇ – અમદાવાદ વચ્ચે આ પ્રથમ શરૂઆત છે.
કોરોના સંકટ, લોકડાઉન, સપ્લાય ચેઇનમાં ગરબડ વગેરે પરિબળોને ધ્યાનમાં લઇએ તો માત્ર ત્રણ વરસમાં આ પ્રકારની ટ્રેન, યંત્રો અને યંત્રણા ઘરઆંગણે વિકસાવવી તે નાની સુની સિધ્ધિ નથી. હમણા હમણા કેન્દ્ર સરકાર તરફથી વિકાસને લગતાં ઘણાં શુભ સમાચારો આવી રહ્યા છે તેનાથી લાગે છે કે ભારતની ગાડી ફરીથી પાટા પર ચડી છે. પુરપાટ વેગમાં. મુંબઇ-અમદાવાદ વચ્ચે જાપાન દ્વારા જે બુલેટ ટ્રેનની અલાયદી સગવડ બાંધવામાં આવી રહી છે તે પણ વરસ 2026 સુધીમાં કામ કરતી થઇ જશે. ઉધ્ધવ ઠાકરેની મહારકાસ આઘાડીએ વ્યકિતગત બળતરાને રાજયની તકલીફ ગણાવીને બુલેટ ટ્રેનના માર્ગમાં રોડા નાંખ્યા ન હોત તો એ બુલેટ ટ્રેન પણ 2024 સુધીમાં દોડતી થઇ જાત.
વાસ્તવમાં આપણી બુલેટ ટ્રેન અર્થાત વંદે ભારત એકસપ્રેસ સેમિ હાઇ-સ્પીડ ટ્રેન છે. તેની ઝડપની ક્ષમતા ઉત્તરોત્તર વધારવામાં આવશે. હજી તો ઝડપી ટ્રેન બાબતમાં ભારતની આ પ્રથમ પા પા પગલી છે, છતાં આવકાર્ય છે. વંદે ભારત એકસપ્રેસમાં પ્રવાસીઓને વિમાનમાં સફર કરતા હોય એવો અનુભવ થશે. ટ્રેન કોઇ બીજી ટ્રેન કે અડચણ સાથે અફળાઇ ન પડે તે માટે તેમાં ભારતમાં જ તૈયાર કરાયેલી અદ્યતન ‘કવચ’ ટેકનોલોજી બેસાડવામાં આવી છે.
વંદે ભારત એકસપ્રેસમાં ફૂલ્લી સસ્પેન્ડેડ ટ્રેકશન સિસ્ટમ છે, જેમાં 108 Km.ની ઝડપે ટ્રેન દોડતી હશે તો પણ ટેબલ પર રાખેલા ગ્લાસનું પાણી હલતું નથી. એકદમ સુખદ અને સરળ પ્રવાસ. માર્ગો પરનાં ખાડાંઓ પસાર કરી, સ્ટેશને પહોંચી ટ્રેનમાં જશો તો કોઇક નવી જ દુનિયામાં આવી ગયાનો અનુભવ થશે. ટ્રેનના દરેક કલાસમાં લાંબા થઇને બેસી શકાય તેવી સીટો છે. તમને લાગશે કે રાહુલ ગાંધીના એર કન્ડીશન્ડ, આલીશાન કન્ટેનરમાં તમે પ્રવાસ કરી રહ્યાં છો. રાહુલના કારવામાં સ્થાન મેળવવા માટે નેતા હોવું જરૂરી છે.
પરંતુ વંદે ભારતમાં થોડી રકમ ચૂકવીને એક સામાન્ય માનવી પણ વીઆઇપી હોવાનો અનુભવ કરી શકશે. ટ્રેનમાં વાઇ-ફાઇ, સીસીટીવી કેમેરા, ફાયર સેન્સરોની ખાસ સગવડ છે. ડબ્બાની બહાર પણ CCTV કેમેરા ગોઠવવામાં આવ્યા છે જેથી પ્લેટફોર્મ, સ્ટેશન પરની સ્થિતિ કે બહારનો નજારો પણ જોઇ શકાશે. ટ્રેનની રચનામાં પર્યાવરણ જાળવણીની તકેદારી લેવાઇ છે. અન્ય ટ્રેનોની સરખામણીમાં 30% ઓછી વીજળી બાળશે. તેમાં હવાને શુદ્ધ કરવાની ખાસ યંત્રણા છે. ટ્રેનના કુલ વજનમાં 38 ટનનો ઘટાડો કરીને 392 ટન કરાયું છે.
સ્ટેનલેસ સ્ટીલમાંથી બની હોવાને કારણે તે બે ફૂટ ઊંડા પાણી વચ્ચે પણ આગળ વધી શકશે. લગેજ રાખવાની યોજના વધુ સાનુકૂળ બનાવી છે. ટ્રેનમાં એવા અદ્યતન ટોઇલેટ બેસાડાયાં છે કે ફાઇવ સ્ટાર હોટેલનાં ટોઇલેટ જોઇ લો. પણ આજકાલની વધુ સુઘડ ટ્રેનોમાં ભારતીય લોકોમાંથી અમુકને ટોઇલેટ વાપરતા આવડતું નથી. રેલવેના ટોઇલેટોમાં ઘણી ટ્રેજેડીઓ – કોમેડીઓ સર્જાય છે. લોકોને સરળતાથી શિક્ષણ અને સમજણ મળે તેવી વ્યવસ્થા કરવી પડશે. અથવા અક્ષયકુમારે એક ‘સિકવલ’ બહાર પાડવી પડશે. ખેર! ટોઇલેટની આ સમસ્યા જયાં સુધી સમગ્ર દુનિયા ટોઇલેટ – લિટરેટ ન થાય અને એન્જીનીઅરો નવી નવી ટેકનોલોજીઓ ઇજાત કરતા બંધ નહીં થાય ત્યાં સુધી રહેવાની.
જાપાન પણ બુલેટ ટ્રેન બાબતમાં નવી ટેકનોલોજીઓ શોધવામાં અને નવા ટ્રેન માર્ગો શરૂ કરવામાં રમમાણ રહે છે. ત્યાં બુલેટ ટ્રેનો ‘શિંકાનસેન’ તરીકે જાણીતી છે. તેના આકાર અને શૈલીને કારણે તે ‘કામોમે’ અર્થાત સીગલ પક્ષી તરીકે પણ ઓળખાય છે. જપાનના કયુશુ ટાપુ પર હમણા જ એક બુલેટ ટ્રેન શરૂ થઇ. દેશ વિદેશના પત્રકારો તેનું ઉદ્ઘાટન જોવા અને કવર કરવા હાજર હતા. કારણ કે જપાનની આ સૌથી અદ્યતન બુલેટ ટ્રેન છે જે અગાઉની અને ચાલુ બુલેટ ટ્રેનો કરતાં અનેક રીતે ચડિયાતી છે. વિદેશના એક પત્રકાર ટ્રેનના ટોઇલેટમાં ગયાં.
દરવાજો આપોઆપ બંધ થયો. બહાર પત્રકારો અને ટીવી કેમેરામેનો એ પત્રકાર પર કેમેરા ગોઠવીને ઊભાં હતા. ટોઇલેટમાં પત્રકારનો હાથ કોઇક સેન્સરને અજાણતા જ સ્પર્શ કરી જતો હતો તેને કારણે દરવાજો ચાર વખત ખૂલ્યો અને ચાર વખત બંધ થયો. મિડિયાના લોકોમાં હાસ્ય ફેલાઇ ગયું. અમેરિકામાં જે કોઇના ઘરે જાઓ, કે હોટેલમાં જાઓ, ત્યાંના લોકોને પૂછી લેવું પડે કે તેઓની નળ અને ટોઇલેટની વ્યવસ્થા કેવી રીતે કામ કરે છે. જો ખ્યાલ ન હોય તો હળવા થવા ગયા હો અને પાણીથી ભીંજાયેલાં વાળ અને વસ્ત્રો સાથે ભારે બનીને બહાર આવો. ગરમ અને ઠંડા પાણી માટે સમજણ ન પડે. કયારેક દાઝી જવાય.
કયુશુ ટાપુ પરની આ ટ્રેન છ ડબ્બાની છે. ગરમ પાણીના ઝરા માટે જાણીતાં ટોકેઓ-ઓનસેનને નાગાસાકી શહેર સાથે જોડે છે. 66 Km.નું અંતર માત્ર 23 મિનિટમાં પુરું કરે. ટ્રેનની લાઇન અને કોચની બારીઓની રચના એવી કરવામાં આવી છે કે પ્રવાસીઓને સુંદર દૃશ્યો નજરે ચડે. પ્રવાસીઓ જાપાનમાં આકર્ષાય તે માટે 2020 માં યોજાનારી ઓલિમ્પિકસ રમતોને, કોરાના સંકટના અનુસંધાને એક વરસ દૂર ઠેલવવામાં આવી. જાપાન આ રમતોત્સવ દ્વારા જાપાનના સૌજન્ય અને યજમાન ગતિ અથવા મહેમાનગતિને એટલા આદર્શ સ્તરે રજૂ કરવાનું હતું કે દુનિયા અચંબિત રહી જાય. પણ તેવું કશું થઇ શકયું નહીં. હવે બુલેટ ટ્રેનનું આકર્ષણ રજૂ કરાયું છે. અર્થશાસ્ત્રના અબકડની જેને ગતાગમ નથી એવા અબુધ પત્રકારો લેખ લખે છે કે ભારતમાં બુલેટ ટ્રેનની શી જરૂર છે? આવી યોજનાઓથી તો ઉદ્યોગધંધા ખીલે છે. આ લખનાર છાતી ઠોકીને કહે છે કે ગુજરાતમાં બુલેટ ટ્રેન શરૂ થાય પછી જોજો કે પ્રવૃત્તિઓ અને રોજગારીમાં કેટકેટલો અભૂતપૂર્વ વેગ આવે છે!
પણ માત્ર બુલેટ ટ્રેન આવવાથી સમૂળગી સંસ્કૃતિ બદલશે નહીં. શિક્ષણ પણ આપવું પડશે અને વ્યવસ્થાઓ કરવી પડશે. રેલ લાઇનના કાંઠે ઝુપડપટ્ટીઓ અને ગંદકીનું અતિક્રમણ દૂર કરવું પડશે. જપાનની નવી બુલેટ ટ્રેન હાલમાં કલાકના 260 કિલોમિટરની ઝડપે દોડે છે. અને 300 Km.ની ઝડપ પર પહોંચી શકે છે. જો મુંબઇ-અમદાવાદ વચ્ચેની શિંકાનસેન આટલી ઝડપે દોડે તો બે કલાકની આસપાસ સાડા પાંચસો કિલોમિટરનું અંતર પૂરું કરી શકે. પરંતુ ભારતમાં બુલેટ ટ્રેનની શરૂઆતી ઝડપ આટલી નહીં હોય. વળી રસ્તામાં ઘણાં સ્ટેશનો લેશે.
આ નવી સેવાના ઉદ્ઘાટન નિમિત્તે જપાનીઓમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉદ્ઘાટનના પ્રથમ પ્રવાસી ટિકિટો ઓનલાઇન માત્ર દસ સેકન્ડમાં વેચાઇ ગઇ. બુલેટ ટ્રેનના લોગો, ચિત્રો સાથેના આઇસ્ક્રીમના કોન, કૂકીઝ, ચોકલેટ, બર્ગર, ટીશર્ટ, બીઅર, ધ્વજ વગેરે ઠેકઠેકાણે વેચાતાં હતાં. રેલ લાઇનના સ્ટેશનો પરની દુકાનોમાં તે હંમેશા મળશે. સિનેમાઘરોમાં બ્રાડ પિટની ફિલ્મ ‘બુલેટ ટ્રેન’ પણ ખાસ પ્રદર્શિત કરાઇ હતી. બુલેટ ટ્રેનો હવે જપાનની સંસ્કૃતિનો એક ભાગ બની ગઇ છે. આ ટ્રેનો મેગલેવ ટેકનોલોજી (મેગ્નેટિક લેવિટેશન) આધારિત છે, તેથી જમીનથી અરધો ફૂટ ઊંચી રહીને દોડે છે તેથી ધકકા લાગવાનો સવાલ જ નથી રહેતો.
વંદે ભારત પાટા પર દોડે છે. આ ફરક છે. જાપાન બુલેટ ટ્રેનને એટલી હદે પ્રેમ કરે છે કે તેને તદ્દન નવી જ સ્વચ્છ રાખે, આવવા જવાના સમયમાં એક સેકન્ડ વહેલી નહીં કે મોડી નહીં. લોકો બુલેટ ટ્રેનના સહારે સમય મેળવે. ભારતમાં બુલેટ ટ્રેન આવશે. પણ એ જાપાન જેવી સંસ્કૃતિ કયારે આવશે? સરકાર અને ખાસ કરીને પ્રજા વિજ્ઞાન અને ટેકનોલોજીને ધર્મ તરીકે અપનાવે તો જ નવી સંસ્કૃતિ આવશે, જે આવશે તો પણ ખૂબ સમય લાગી જશે.