આજકાલ આપણને ઘણી જગ્યાએથી અથવા વર્તમાનપત્રો કે સોશ્યલ મિડિયાના માધ્યમથી મૂલ્યઆધારિત સેવાઓ આપતી સંસ્થાઓ વિશે તેઓની કથળેલી સેવાઓ વિશે સાંભળીએ છીએ. આપણે સૌ સરકારી કે ખાનગી સંસ્થાઓ પાસેથી પેઇડ સેવાઓનો લાભ લઈએ છીએ ત્યારે સારા માઠા અનુભવો થતાં રહે છે. યાત્રા પ્રવાસે જઈએ ત્યારે હોટેલ બાબતે કે ભોજન બાબતે કે પછી વાહનોના ડ્રાઇવર બાબતે, આરોગ્યલક્ષી સેવા બાબતે હોસ્પિટલ, દવાખાનાઓમાં, હોટેલ રેસ્ટોરન્ટમાં નાસ્તા કે જમવા બાબતે ક્વોલિટી કે કોન્ટીટી બાબતે સાર-નરસા અનુભવ થતાં રહે છે. અરે, હમણાં જ એક જાણીતી ઇલેક્ટ્રિક બાઈક બનાવતી કંપનીની બાઈકો ગ્રાહકોએ લીધા પછી સર્વિસ બાબતે ગ્રાહકોને ખૂબ તકલીફો પડી. કેટલાંક ગ્રાહકોએ કંપની સામે ગુસ્સો પણ ઠાલવ્યો, દેખાવો કર્યા,બાઈકોની તોડફોડ કરી હિંસાત્મક રૂપે ન્યાય મેળવવાનો પ્રયાસ કર્યો.
ટૂંકમાં કિંમતના બદલે સેવા આપતી સંસ્થાઓ ઊણી ઊતરે છે. ઘરના પ્રસંગો જેવા કે લગ્ન, જનોઈ, વાસ્તુ વગેરેમાં પણ આપણે વાડી, મંડપ, ડેકોરેટર્સ, કેટરર્સની સેવા લઈએ છીએ ત્યારે પણ આવા સારા-માઠા અનુભવોમાંથી પસાર થવાનું બનતું હોય છે ત્યારે બીજી બાજુ ઉત્કૃષ્ટ સેવા આપવાવાળી સંસ્થાઓ પણ હોય છે. હું જે સંસ્થા (વાડી) ની વાત કરું છે તેની પબ્લિસિટી કે જાહેરાત માટે નથી વાત કરતો. આ વાડીનું નામ છે “અમીકુંજ વાડી” છે. સુરત સ્થિત આ વાડીની સેવા લેવાનો મોકો મળ્યો હતો. આ વાડીનાં સંચાલકો દ્વારા મને જે જે સેવાઓ મળી તે ઉત્તમ પ્રકારની તો હતી જ, સાથે સમયબદ્ધતા એટલી ઉત્કૃષ્ટ. કોઈ પણ ઇવેન્ટ હોય, તમારી જરૂરિયાત અનુસાર એમના સેવકો તમારી સાથે ખડે પગે તૈયાર જ હોય. ટૂંકમાં કહેવાનો સાર એટલો જ કે જે મૂલ્ય આધારિત સેવાઓ આપે છે આવી સંથાઓએ મૂલ્યને બદલે અમૂલ્ય સેવા આપતી સંસ્થાઓ પાસેથી પ્રેરણા લઈ પોતાની સેવાઓને વધુ વિશ્વસનીય બનાવવી જોઈએ.
– સુરેન્દ્રસિંહ ગણપતસિંહ દેવધરા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે