વલથાણ પાટિયા પાસે અમદાવાદ-મુંબઈ ને.હા.નં.48 પર મોટરસાઈકલ સવાર દંપતી રોડ ક્રોસ કરતાં કારચાલકે અડફેટે લેતાં પાછળ બેસેલા આધેડ મહિલાનું મોત નીપજ્યું હતું. મૂળ અમરેલીના નવા આગલીળાના વતની અને હાલ સુરતના કામરેજના વલથાણ ગામે આવેલી સર્જન સોસાયટીમાં મકાન નં.55માં વિપુલ આતુ મોર પરિવાર સાથે રહે છે. ગુરુવારના રોજ વિપુલભાઈના પિતા આતુભાઈ રામભાઈ મોર તેમજ માતા ચંપાબેન (ઉં.વ.50) હોન્ડા સાઈન મોટરસાઈકલ નં.(GJ 05 HP 4098) લઈ સુરત ખાતે રહેતા સંબંધીને મળવા માટે બપોરે ગયા હતા.
રાત્રિના આશરે 8 કલાકે વલથાણ પાટિયા પાસે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નં.48 પર મોટરસાઈકલ પર રોડ ક્રોસ કરતાં દંપતીને હોન્ડા એમેઝ ફોર વ્હીલ કાર નં.(GJ 16 BN 7739)ના ચાલકે મોટરસાઈકલ સવાર દંપતીને અડફેટે લેતાં શરીરે ગંભીર ઈજા થતાં સારવાર માટે 108માં સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન ચંપાબેનનું મોડી રાત્રિના 1.30 કલાકે મોત નીપજ્યું હતું. જે અંગે કામરેજ પોલીસમથકમાં વિપુલભાઈએ કારચાલક સામે ફરિયાદ આપી હતી.