વલસાડથી (Valsad) લગભગ ૧૨.૭ કિલોમીટરના અંતરે વસેલું શંકર તળાવ ગામ દક્ષિણ ગુજરાતનાં (Gujarat) બીજાં ગામો (Village) જેવું જ છે. શંકર તળાવ ગામ માટે મુંબઇ-દિલ્હી નેશનલ હાઇવે (National Highway) નં.૪૮ આશીર્વાદરૂપ સાબિત થયો છે. વલસાડથી ડુંગરી જતા હાઇવે પર શંકર તળાવ ગામ આવે છે. શંકર તળાવ ગામ નાનું હોવા છતાં સુવિધાઓની દૃષ્ટિએ અન્ય મોટા ગામની સરખામણીએ ઘણું આગળ છે. નેશનલ હાઇવેની લગોલગ હોવાથી અહીં ઉદ્યોગો પણ વિકસી શક્યા છે. જ્યારે ગામના લોકો માટે પણ રોજગારીની તકો ઊભી થઇ છે. વારેતહેવારે આ ગામના લોકો સંપીને દરેક તહેવાર ઊજવે છે. અહીં મોટા ભાગના લોકો રેલવેમાં નોકરી (Railway Employee) કરે છે. આ ગામથી ડુંગરી રેલવે સ્ટેશન નજીક છે. જ્યારે વલસાડ રેલવે સ્ટેશન પણ થોડા અંતરે છે. શંકર તળાવ ગામમાં હાલ યુવા મહિલા સરપંચની ટીમ કાર્યરત છે. આ પહેલાના યુવા સરપંચે પણ ગામને સગવડ આપવા માટે કોઈ કસર છોડી નથી. ગામમાં ઠેર ઠેર પેવર બ્લોક નાંખ્યા છે. ગામના તળાવને કારણે ગામની ઓળખ છે. તળાવના નામથી જ ગામનું નામ શંકર તળાવ પડ્યું છે. હવે મહિલા સરપંચની નવી ટીમ ગામમાં વધુ વિકાસ તેમજ સુવિધાઓ માટે કટિબદ્ધ છે. વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં હાઇવે નં.48 પર આવેલું શંકર તળાવ ગામનું નામ ગામના તળાવના નામ પરથી પડ્યું છે. હાઇવે પરનું 8 ફળિયા ધરાવતું આ ગામ 139 હેક્ટર વિસ્તારમાં પથરાયેલું છે. જો કે, અહીં માત્ર 160 કુટુંબ જ વસવાટ કરે છે. અહીંની કુલ વસતી 679 છે. જે પૈકી 356 પુરુષ અને 323 મહિલાનો સમાવેશ થાય છે. ગામનો સાક્ષરતા દર 89.90 ટકાનો છે. જેમાં પુરુષોનો સાક્ષરતા દર 94.82 ટકા અને સ્ત્રીઓનો સાક્ષરતા દર 84.75 ટકા છે. અહીં મહત્તમ લોકો ખેતી પર જીવનનિર્વાહ કરે છે. ગામમાં 253 ખેડૂતો છે. જ્યારે 134 નોકરિયાત અને અન્ય વ્યવસાય સાથે જોડાયેલા છે. નોકરિયાતોમાં 2 શિક્ષક અને મહત્તમ લોકો રેલવેમાં નોકરી કરે છે. ગામમાં દર બીજા ઘરમાં રેલવેનો એક કર્મચારી મળી જ આવે એવું કહેવાય છે. આ સિવાય ગામમાં 10 પરિવાર વિદેશમાં સ્થાયી થયા છે.
ગામમાં 3 આંગણવાડીમાં કુલ 137 બાળક
શંકર તળાવ ગામમાં 3 આંગણવાડી કાર્યરત છે. આ તમામ પાસે પોતાનું પાકું મકાન છે. આ 3 આંગણવાડીમાં કુલ 137 બાળક છે. જે પૈકી 4 બાળક કુપોષિત હોવાનું નોંધાયું છે. આંગણવાડીમાં કુલ 46 કિશોરી પણ છે. શંકર તળાવ ગામ નાનું ગામ હોવાથી અહીં વસતી પણ ઓછી છે. તેમ છતાં અહીં ત્રણ જેટલી આંગણવાડી કાર્યરત છે, તે આવકારદાયક છે.
ગામની નવી નગરી સુધીનો માર્ગ બનાવવો જરૂરી
શંકર તળાવ ગામની નવી નગરી વર્ષોથી બની છે, પરંતુ ત્યાં પાકો રોડ નથી. 1983થી નિર્માણ થયેલી આ વસાહતને હજુ સુધી માર્ગ મળ્યો નથી. અહીં કાચો રોડ હોવાથી ચોમાસા દરમિયાન અહીંના લોકોની મુશ્કેલી વધી જતી હોય છે. માંદગીમાં કે મરણની પરિસ્થિતિમાં મુશ્કેલી વધી જતી હોય છે. ત્યારે અહીં રોડનું સત્વરે નિર્માણ થાય એ જરૂરી બન્યું છે. નવી નગરી સુધીનો માર્ગ પાકો બને તેના માટે પ્રયાસ શરૂ થયા છે. આ માર્ગ તાકીદે બનાવવાની જરૂર છે. માર્ગના અભાવે અહીંના સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
100 ટકા ઘરોનાં આંગણામાં પેવર બ્લોક
ગામમાં ઘરો નાનાં હોય કે મોટાં, તમામ ઘરોના આંગણામાં પેવર બ્લોક નાંખી ગામની અનોખી શોભા વધારી છે. પેવર બ્લોકને કારણે આંગણામાં સાફસફાઈ રહે છે તેમજ બાળકોને રમવા માટે કે વાહનોના પાર્કિંગ માટે ખૂબ જ સુગમતા રહે છે. ગામમાં ઘરે ઘરે પેવર બ્લોક હોવાથી ગામમાં તેના કારણે સ્વચ્છતા પણ સારી રહે છે. આ ઉપરાંત ગામમાં તેના કારણે ચોમાસામાં ગામના લોકોને વરસાદના પાણીથી કાદવ-કીચડથી બચી શકાય છે. ગામમાં પેવર બ્લોક નાંખીને ઘરે ઘરે આ સુવિધા આપવામાં ગામની પંચાયતનું યોગદાન નોંધપાત્ર છે.
શંકર તળાવના બ્યુટિફિકેશનનો પ્રોજેક્ટ હાથ ધરાશે
શંકર તળાવ ગામમાં શંકર તળાવ નામનું મોટું તળાવ છે. આ તળાવની પાળ નથી અને આજુબાજુનો વિસ્તાર જંગલથી છવાયેલો હતો. જો કે, હવે આ તળાવની આજુબાજુના વિસ્તારમાંથી ઝાડી-જંગલો દૂર કરી એક કેડી જેવો રસ્તો બનાવાયો છે. ભવિષ્યમાં તળાવની પાળ બનાવી અહીં ફરતે વોક-વે બનાવી ગામને અને આજુબાજુના ગામના લોકોને પ્રવાસન સ્થળ આપવાનું આયોજન થઇ રહ્યું છે.
ગામની બે મોટી કંપનીને કારણે ગામ સધ્ધર બન્યું
શંકર તળાવ ગામની હદમાં બાલાજી વેફર્સ અને ફ્લેર બોલપેનની કંપની ધમધમી રહી છે. જેના કારણે ગામની આર્થિક પરિસ્થિતિમાં ધરખમ સુધારો થયો છે. તેમની વેરાની મોટી આવકથી ગ્રામ પંચાયત સધ્ધર બની છે અને ગામનો વિકાસ શક્ય બન્યો છે. શંકર તળાવ ગામના લોકો તેમજ આસપાસનાં ગામના લોકો માટે પણ ઉદ્યોગોનો વિકાસ આશીર્વાદરૂપ બન્યો છે. ગામમાં બે ઔદ્યોગિક એકમના કારણે હાલ ગામના લોકોને ફાયદો થઇ રહ્યો છે. રોજગારી ઉપરાંત પણ ગામના લોકોને આ કંપનીઓને કારણે અન્ય ધંધામાં પણ ફાયદો થઇ રહ્યો છે.
વૈદેહી પટેલ ગામની એકમાત્ર ડોક્ટર, 10 એન્જિનિયર
શંકર તળાવ ગામના લોકોએ શિક્ષણ ક્ષેત્રે પણ સારી પ્રગતિ કરી છે. અહીંના યુવકો વધુમાં વધુ શિક્ષણ લઇને ગામનું નામ રોશન કરી રહ્યા છે. ગામનો સાક્ષરતા દર 89.90 ટકાનો છે. જેમાં પુરુષનો સાક્ષરતા દર 94.82 ટકા અને સ્ત્રીનો સાક્ષરતા દર 84.75 ટકા છે. તે જોતાં શિક્ષણ પ્રત્યે પણ ગામના લોકો જાગૃત છે. શંકર તળાવ ગામમાં બે વર્ષ પહેલાં જ એક યુવતી ડોક્ટર બની છે. તેણે એમબીબીએસની ડિગ્રી મેળવી છે. આ સિવાય ગામમાં 10થી વધુ એન્જિનિયર પણ છે. ગામના એક એન્જિનિયર વાપી ડીજીવીસીએલ વિભાગમાં ફરજ નિભાવી રહ્યા છે. તો અન્ય રેલવેમાં તેમજ કેટલાક વિદેશ પણ ગયા છે.
વસતી ઓછી છતાં પોસ્ટ ઓફિસની સુવિધા
વલસાડ તાલુકાના શંકર તળાવ ગામમાં વસતી ખૂબ જ ઓછી છે. અહીં માત્ર 160 કુટુંબમાં વસે છે. ગામની કુલ વસતી 679 છે. જેમાં 356 પુરુષ અને 323 મહિલાનો સમાવેશ થાય છે. તેમ છતાં અહીં એક પોસ્ટ ઓફિસ કાર્યરત છે. આ પોસ્ટ ઓફિસના કારણે ગામના લોકોનો બાહ્ય દુનિયા સાથે પત્ર વ્યવહાર સરળ બન્યો છે. પોસ્ટ ઓફિસને કારણે ગામના લોકોને ઘણી સગવડ છે.
ટૂંક સમયમાં બેંકની સુવિધા પણ મળી રહેશે
વલસાડના શંકર તળાવ ગામમાં ટૂંક સમયમાં બેંક પણ શરૂ થઇ રહી છે. ગામના કોમ્યુનિટી હોલની ઉપરના માળ પર અહીં એસબીઆઇ અને સેન્ટ્રલ બેંકની શાખા ખોલવાની કાર્યવાહી પણ થઇ રહી છે. ટૂંક સમયમાં અહીં બેંકની સુવિધા શરૂ થયા બાદ લોકોને મોટી રાહત થશે. બેંકની સુવિધા પ્રાપ્ત થશે. પછી ગામના લોકોને હાલ ડુંગરી કે વલસાડ સુધી બેંકની સુવિધા માટે લાંબા થવું પડે છે. તેને બદલે ગામમાં જ બેંકની સુવિધા ઉપલબ્ધ થઇ જશે, તો ગામના લોકોએ બેંક માટે બીજા ગામ સુધી જવું નહીં પડે. એસબીઆઇની બ્રાંચ ટૂંક સમયમાં જ ગામમાં ખૂલી જશે.
ગામનો વહીવટ યુવાનોના હાથમાં
શંકર તળાવનો વહીવટ હવે યુવા મહિલાના હાથમાં છે. વલસાડમાં માજી સરપંચ રાકેશ પટેલના પત્ની કિંજલ પટેલ (ઉં.વ.23) હાલ ગામના સરપંચ છે. તેમના અને તેમના પતિના કાર્યકાળ દરમિયાન ગામના 100 ટકા ઘરના આંગણાંમાં પેવરબ્લોક નંખાઇ ગયા છે. ગામમાં માજી યુવા સરપંચ રાકેશ પટેલની ટીમે ગામના વિકાસ માટે સારી કામગીરી કરી હતી. હાલમાં સરપંચ પદે યુવા મહિલા કિંજલબેનની ટીમ કાર્યરત છે. ગામના વિકાસનાં કામો માટે નવી ટીમમાં ઉત્સાહ છે. તે જોતાં આગામી દિવસોમાં શંકર તળાવ ગામ વધુ ને વધુ પ્રગતિ કરશે તેવું કહી શકાય. સરપંચ સિવાય તલાટી કમ મંત્રી કાર્તિકભાઇ પરમાર પણ યુવાન છે. તેઓ પણ ગામના વિવિધ વિકાસના કાર્યમાં ઉત્સાહ દાખવી રહ્યા છે. યુવા અધિકારી અને પદાધિકારીની બેલડી ગામને નવા સ્તરે પહોંચાડવાની નેમ ધરાવે છે.
અનાવિલ દેસાઈઓએ ગામનું નામ આપ્યું હોવાની માન્યતા
વલસાડ તાલુકાના શંકર તળાવ ગામમાં હાલ દેસાઇઓની વસતી નથી. પરંતુ વર્ષો અગાઉ અહીં દેસાઇઓની વસતી હતી. તેમના દ્વારા જ ગામના તળાવને શંકરનું નામ અપાયું હતું. ત્યારબાદ ગામનું નામ શંકર તળાવનું નામ પડ્યું હોવાનું હાલ મનાઇ રહ્યું છે. અનાવિલ દેસાઇઓની એક સમયે આ ગામમાં વસતી હતી. જો કે, શંકર તળાવ ગામ સહિત વલસાડ તાલુકાનાં ઘણાં ગામોમાં હવે દેસાઇઓ ક્યાં તો વલસાડ શહેરમાં કે મુંબઇ સિફ્ટ થઇ ગયા છે. મોટા ભાગનાં ગામોમાં દેસાઇઓનાં ઘર મોટા ભાગે બંધ જોવા મળે છે. આ ગામમાં પણ એક સમયે દેસાઇઓની વસતી હતી. પરંતુ હવે અહીં દેસાઇઓની વસતી જોવા મળતી નથી.
- ગામનાં ફળિયાંનું નામ
- મંદિર ચોક
- માહ્યાવંશી ફળિયું
- તળાવ ફળિયું
- પટેલ ફળિયું
- કંચન ફળિયું
- મંદિર ફળિયું
- નવા નગર
- નિશાળ ફળિયું
- સરપંચ અને સભ્યોનાં નામ
- કિંજલબેન રાકેશકુમાર પટેલ – સરપંચ
- વિપુલકુમાર રમણભાઇ પટેલ – ઉપસરપંચ
- યાવૃત્તિ કુમારી પ્રકાશભાઇ પટેલ – સભ્ય
- ફાલ્ગુનીબેન નિપુલભાઇ પટેલ
- મંજુલાબેન રમણભાઇ પટેલ
- અર્પિતાબેન અશોકભાઇ પટેલ
- અંબુભાઇ ઘેલાભાઇ પટેલ
- દર્શનાબેન અશોકભાઇ પટેલ
- રાકેશકુમાર ઝીણાભાઇ પટેલ