વલસાડ: વલસાડ (Valsad) શહેરમાં ટ્રાફિક (Traffic) સમસ્યા (Problem) લોકો માટે માથાનો દુ:ખાવો સાબિત થઈ રહી છે. શહેરના સ્ટેડિયમ રોડ, આઝાદ ચોક, રૂરલ પોલીસ ચોકીની (Police Station) નજીક, આવાંબાઈ સ્કૂલની પાસે તેમજ હાલર ચારરસ્તા નજીક રસ્તા ઉપર દુકાનદારો તથા લારી ગલ્લાવાળા રસ્તા ઉપર ટ્રાફિક જામ કરતા હોવાથી પાલિકાની ટીમ સોમવારે સવારથી જ ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે નીકળી પડી હતી. તૈયાર કપડાંના વેપારીઓ દ્વારા રસ્તા ઉપર સ્ટેચ્યુ મૂકી તેના પર વરરાજાના જે કપડાં પહેરાવ્યા હતા, તે આખે આખુ સ્ટેચ્યુ પણ ઊંચકી લીધું હતું. પાલિકાના ટ્રેક્ટરમાં જાણે વરરાજાની જાન નીકળી હોય, તેવા દ્રશ્યો સર્જાયા હતા. લોકોના ટોળાં આ નજારો જોવા ઠેર ઠેર એકઠાં થઈ રહ્યા હતા.
‘ગંદકી કરનાર ચેતી જજો, તમે સીસીટીવીની નજરમાં છો’
નવસારી : નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં ગંદકી થતી 27 જેટલી જગ્યાએ 50થી વધુ સીસીટીવી કેમેરાઓ મુકવામાં આવશે. જેથી પાલિકા વિસ્તારમાં ગંદકી કરનાર લોકોને દંડ ભરવા પડશે. જેથી હવે ગંદકી કરનાર ચેતી જજો.
નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં ઘણી જગ્યાએ ગંદકીઓ થતી રહી છે. લોકો ખુલ્લા મેદાનમાં અથવા સોસાયટીની બહારની જગ્યામાં કચરો નાંખી ગંદકી કરતા હોય છે. જોકે નગરપાલિકાએ ડોર ટુ ડોર કચરો ઉઘરાવાની સુવિધા શરૂ કરી હતી. છતાં પણ ઘણા વિસ્તારમાં લોકો હજી પણ કચરો ખુલ્લી જગ્યામાં ફેકી રહ્યા છે. જેના કારણે ગંદકી થતી હોવાથી રોગચાળો ફાટવાનો કે મચ્છરોનો ઉપદ્રવ થવાની ભીતિ સર્જાઈ છે. ખુલ્લી જગ્યામાં કચરાની ગંદકીને કારણે પાલિકા વિસ્તારની શોભા બગડી રહી છે. ત્યારે પાલિકા વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા માટે નગરપાલિકાએ ડીજીટલ માધ્યમ મારફત વધુ એક કામ હાથમાં લીધું છે.
ગત 15મીએ નવસારી-વિજલપોર નગરપાલિકામાં સામાન્ય સભા મળી હતી. જે સામાન્ય સભામાં પાલિકાનું 711 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. જે બજેટમાં જાહેર સ્થળો પર ગંદકી ન થાય તે માટે કેમેરા મુકવાનું આયોજન બાબતનું કામ પણ લેવામાં આવ્યું હતું. જેથી પાલિકા વિસ્તારમાં ગંદકી થતી જગ્યાઓનો સર્વે શરૂ કરાયો છે. જેમાં પાલિકાના 13 વોર્ડમાં 27 જેટલી જગ્યાઓ ઉપર ગંદકી થતી હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી ભવિષ્યમાં ગંદકીની જગ્યાઓ પૈકી 1 જગ્યાએ 2 કેમેરા એટલે કે 27 જેટલા વિસ્તારમાં 50 થી વધુ સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવશે. બીજી તરફ તે તમામ સીસીટીવી કેમેરાઓનું મોનીટરીંગ નગરપાલિકામાંથી જ કરવામાં આવશે. જો સીસીટીવી કેમેરામાં કેદ થયેલા ગંદકી કરનાર લોકોને દંડ ફટકારવામાં આવશે તેમજ તેમના ઉપર કેસ કાર્યવાહી પણ કરવામાં આવશે.
2 થી 5 હજાર સુધીનો દંડ ફટકારશે : પ્રમુખ
નગરપાલિકાના પ્રમુખ જીગીશ શાહે જણાવ્યું હતું કે, જાહેર સ્થળોએ ગંદકી થાય તેવી 27 જેટલી જગ્યા ધ્યાને આવી છે. ત્યાં કેમેરાઓ લગાવવામાં આવશે. ત્યારબાદ જો ગંદકી થશે તો ગંદકી કરનારને 2 હજારથી 5 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવશે. તેમજ કેસ કરવાની કાર્યવાહી પણ કરાશે. જેથી લોકો સુધરે અને જાહેર સ્થળોએ ગંદકી કરતા બંધ થાય.