Dakshin Gujarat Main

ડાંગ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે શીતલહેર વ્યાપી

સાપુતારા : ડાંગ (Dang) જિલ્લામાં ઉનાળાની (Summer) ઋતુમાં કુદરતી ઋતુચક્રએ સતત મિજાજ બગાડતા ડાંગી જનજીવન દ્વિધામાં મુકાયુ છે. અગાઉ પણ ડાંગ જિલ્લામાં એક સપ્તાહ સુધી કમોસમી વરસાદ (Rain) પડ્યો હતો. જેના પગલે ડાંગી ખેડૂતોને (Farmer) જંગી નુકસાન વેઠવાની નોબત આવી હતી. આજે સાપુતારા, આહવા, સુબિર, વઘઇ સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં બપોરબાદ અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો હતો. જેને પગલે અમુક ઠેકાણે કમોસમી વરસાદનાં છાંટણા પણ પડ્યા હતા. વાતાવરણનાં પલટા બાદ વાદળછાયુ વાતાવરણ છવાઈ રહેતા સમગ્ર પંથકોમાં શીતલહેર વ્યાપી જવા પામી હતી.

ઉનાળાની ઋતુમાં પણ દ્વિભાસી વાતાવરણ સર્જાતા ડાંગી ખેડૂતોનાં શાકભાજી સહિત ફળફળાદી પાકોને જંગી નુકસાન થયાની વિગતો સાંપડેલી છે. ગિરિમથક સાપુતારા ખાતે પણ વાદળછાયુ વાતાવરણ છવાઈ રહેતા ફરવા આવેલા પ્રવાસીઓમાં ઉન્માદ બેવડાયો હતો. વાદળછાયા વાતાવરણનાં પગલે ગિરિમથક સાપુતારાનાં બોટીંગ, પેરાગ્લાયડીંગ, રોપવે સહિત ટેબલ પોઈંટ જેવા સ્થળો આહલાદક ભાસી ઉઠ્યા હતા.

નવસારીમાં વાદળછાયું વાતાવરણ : દિવસે ગરમી અને રાત્રે ઠંડી વર્તાઈ
નવસારી : નવસારીમાં આજે વાદળછાયા વાતાવરણમાં મહત્તમ તાપમાનમાં દોઢ ડિગ્રીનો ઘટાડો થયો છે. જોકે હાલમાં મહત્તમ તાપમાન તો ગગડી રહ્યું છે. પરંતુ નવસારીમાં દિવસે ગરમી યથાવત રહી છે. જોકે સાંજ બાદ ઠંડી પડી રહી છે. જ્યારે વલસાડમાં લઘુત્તમ તાપમાન 23.0 ડિગ્રી, મહત્તમ તાપમાન 36.0 ડિગ્રી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 79% ટકા રહ્યું હતું.

નવસારીમાં ગત અઠવાડિયા દરમિયાન મહત્તમ તાપમાનનો પારો 38 થી 40 ડિગ્રી નોંધાઈ રહ્યું હતું. જેથી નવસારીમાં ગરમી પડી રહી હતી. જેના પગલે લોકો ગરમીથી હેરાન થઇ રહ્યા હતા. નવસારીમાં હોળી પહેલા અકળાવનારી ગરમી પડી રહી હતી. જોકે હોળી બાદ મહત્તમ તાપમાનમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ગત શુક્રવારે મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી નોંધાયું હતું. ત્યારબાદથી મહત્તમ તાપમાન છેલ્લા 3 દિવસમાં 3.5 ડિગ્રી ગગડ્યું છે. પરંતુ બીજી તરફ લઘુત્તમ તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. જેથી ગરમી તો ઓછી થઇ છે. પરંતુ બફારો વધ્યો છે. સાથે જ સાંજ બાદ વાતાવરણમાં ઠંડક પસરાઈ રહી છે.
નવસારીમાં આજે સોમવારે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જેથી ગરમીનો પારો વધુ 1.5 ડિગ્રી ગગડતા 36 ડિગ્રી નોંધાયું હતું. પરંતુ લઘુત્તમ તાપમાન 1.5 ડિગ્રી વધીને 21 ડિગ્રી નોંધાયું હતું. સોમવારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 98 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 27 ટકાએ રહ્યું હતું. જ્યારે આજે પવનોએ દિશા બદલતા દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ દિશાએથી 4.7 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.

Most Popular

To Top