વલસાડ: (Valsad) વલસાડ જિલ્લાના પારડી અને વાપીમાં ધોળા દિવસે ઘરોમાં ચોરી (Theft) કરનારી ગેંગના (Gang) 3 ચોરટાઓને વલસાડ એલસીબીએ (LCB) ઝડપી પાડ્યા છે. એલસીબીએ તેમને પકડી જિલ્લાની 6 ચોરીનો ભેદ ઉકેલી મોટી સફળતા મેળવી છે. આ સાથે પોલીસે તેમની પાસેથી રૂ. 1.45 લાખના સોનાના દાગીના અને રૂ. 1.8 લાખ રોકડા તેમજ ચોરીનો સામાન વગેરે મુદ્દામાલ કબજે કર્યો હતો.
- મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવી ચોરી કરી ભાગી જતા ત્રણ ઝડપાયા
- ધોળા દિવસે ઘરોમાં ચોરી કરનારી ગેંગના 3 ચોરટા ઝડપાતા વલસાડ જિલ્લાની 6 ચોરીનો ભેદ ઉકેલાયો
- પોલીસે રૂપિયા 1.45 લાખના દાગીના અને રૂપિયા 1.8 લાખ રોકડા કબજે કર્યા
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાના પદભાર સંભાળ્યા બાદ એલસીબી અને એસઓજીને મોટી સફળતાઓ મળી રહી છે. જેમાં વધુ એક સફળતા ઘરફોડ ચોરટાઓને પકડવામાં મળી છે. વલસાડ એલસીબી પીઆઇ વિજય બારડની ટીમના પીએસઆઇ સિંધા, ભીંગરાડિયા સહિતના સ્ટાફે ઘરફોડ ચોરટાઓને પકડવા યોગ્ય વ્યુહરચના ગોઠવી તપાસ કરી હતી. જેમાં તેમણે હાઇવે નં. 48 પર નાકાબંધી કરી સાજીદ અકબર ગફુર શેખ, કાસિફ દુલારે અનવર ખાન અને શોવેઝ દુલારે અનવર ખાન (તમામ રહે પાલઘર)ને પકડી પાડ્યા હતા.
તેમને પોલીસે ચોરીના મોપેડ બર્ગમેન સાથે પકડી પાડ્યા હતા. ત્યારબાદ તેમની પુછતાછ કરતા તેમણે પારડી પોલીસ મથકની હદમાં થયેલી 4 અને વાપી પોલીસની હદમાં થયેલી 2 ચોરી પોતે કરી હોવાનું કબુલ્યું હતુ. તેમની સામે મહારાષ્ટ્રના ચારકોપ પોલીસ મથકે પણ ગુનો દાખલ થયો હોવાનું બહાર આવ્યું હતુ. પોલીસે તેમની પાસેથી સોનાના દાગીના, રોકડા, કાંડા ઘડિયાળ, મોબાઇલ 6, એક મોપેડ, લોખંડનો સળિયો અને હેલ્મેટ પકડી પાડ્યા હતા.
રેકી કરી ચોરી કરવાની મોડેસ ઓપરેન્ડી
પારડી અને વાપીમાં ચોરી કરતી આ ગેંગ મોપેડ પર દિવસ દરમિયાન બંધ રહેતા ઘરની રેકી કરતા હતા અને રાત્રી દરમિયાન તૈયારીઓ કરી ત્યાં ચોરીને અંજામ આપતા હતા. તેઓ મહારાષ્ટ્રમાં રહી ગુજરાતમાં ચોરી કરવા આવતા અને ચોરી કરી ફરી મહારાષ્ટ્ર ફરાર થઇ જતા હતા.
સાજીદ અકબર શેખ રીઢો ગુનાગાર
એલસીબીએ વલસાડ જિલ્લાની ચોરીમાં પકડેલા ચોરટાઓની ગેંગનો સાજીદ અકબર શેખ રીઢો ગુનેગાર છે. તેના વિરૂદ્ધ અમદાવાદ શહેરમાં ચોરીના 6 જેટલા ગુનાઓ નોંધાયા છે. જ્યારે મહારાષ્ટ્રના તુલિજ પોલીસ મથકે ચોરીના 9 ગુનાઓ નોંધાયા છે. તે અન્ય સાગરીતો સાથે વિવિધ સ્થળોએ ચોરી કરતો હતો. જોકે, વલસાડ જિલ્લામાં ચોરી કરવી તેને ભારે પડી ગઇ હતી.