દિલચસ્પ કિસ્સો: વલસાડમાં ચાની કિટલી વાળો સરકારી બાબુઓની ફરિયાદ લઈ કલેક્ટર પાસે પહોંચ્યો

વલસાડ: (Valsad) ચા-પાણી આ શબ્દ આમતો ખૂબ સામાન્ય છે પણ તેના જુદા-જુદા અર્થઘટન થતા હોય છે તે સૌ જાણે છે. આવું જ વલસાડમાં સરકારી કર્મચારીઓનું એક મોટું લોલમલોલ સામે આવ્યું છે. વલસાડ ખાતે પ્રાયોજના વહીવટદાર કચેરીનું છેલ્લા પાંચ વર્ષથી ચાનું બિલ (Tea Bill) રૂ. ૫૧,૪૫૧ બાકી રહેતા અને કર્મચારીઓ પૈસા નહીં આપતા જે અંગે ચાની દુકાનના માલિકે કલેક્ટરને (Collector) રજૂઆત કરી છે. ખાસ વાત તો એ છે કે જે કર્મચારીઓએ ચા પીધી તે હવે કચેરીમાં (Office) નથી અને જે કચેરીમાં છે તે બિલ આપવા તૈયાર નથી. તેવામાં ચાની દુકાનના (Shop) આ સામાન્ય દુકાનદારને કલેક્ટર સુધી લંબાવવું પડ્યું છે.

વલસાડના જિલ્લા સેવા સદન-૨ ની સામે, હાજી માર્કેટમાં મોરિયા ટી સેન્ટર ચલાવતા હરિલાલ આર. મોરિયાએ કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ જિલ્લા સેવા સદન બિલ્ડિંગમાં પ્રાયોજના વહીવટદાર કચેરી આવેલી હતી. તે વખત હું પોતે વર્ષ ૨૦૧૭માં ચા કોફી આપતો હતો અને મારી એક ડાયરીમાં ચાનો હીસાબ પુરો રાખતો હતો. કચેરીના કર્મચારીઓ ગણતરી કરીને તેમની સામે ડાયરીમાં સહી કરતા હતા. મારા નીકળતા નાણાં આરટીજીએસ વડે બેંક એકાઉન્ટમાં મોકલતા હતા. પરંતુ બિલની રકમ પૂરેપૂરી ચૂકવતાં ન હતા. બાકી પડતી રકમના અત્યાર સુધીમાં કુલ રૂ. ૫૧,૪૫૧ બાકી છે. આ બાકી પૈસાની માંગણી કરવા જાય ત્યારે સ્ટાફના માણસો સરકારમાંથી ગ્રાન્ટ આવશે, ત્યારે તમારા પૈસા ચૂકવી દેશે એમ કહીને સમય પસાર કરતા આવ્યા છે.

હાલમાં પૈસાની જરૂર હોય પૈસાની ઉઘરાણી કરવા જતા સ્ટાફના કર્મચારીઓ જણાવે છે કે આ બિલની બાકી રકમ અમારા ટાઈમની નથી, એટલે પૈસા આપવાનું ના પાડે છે. ચા વેચીને પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવનાર આટલી મોટી રકમ નહીં મળતા મુશ્કેલીમાં મુકાયો છે. સ્ટાફના માણસો ધમકી આપે છે કે, ‘તારી ચા નાસ્તાની સ્ટોલ બંધ કરાવી દઈશું, તમને પૈસા મળશે નહીં. જેને લઈ આ ચાના દુકાનદારનું નિયમિત જીવન વ્યવહાર ખોરવાઇ ગયો છે. છેવટે કંટાળી નાસીપાસ થયેલા ચાની દુકાનના માલિકે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગરે તથા ડીએસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાને અધિક પ્રાયોજના વહીવટદાર બી.કે. વસાવા તથા ચીટનીશ યુ. વી. પટેલ, જુનિયર ક્લાર્ક હાર્દિકભાઈ સામે બાકીની રકમ મળી જાય એ માટે રજૂઆત કરી છે.

Most Popular

To Top