વલસાડ: (Valsad) અમરેલીના વતની અને વર્ષોથી સુરતમાં (Surat) સ્થાયી થયેલા ગજ્જર પરિવારના એડવોકેટ (Advocate) ઉમેશભાઈ ગજ્જરનો પરિવાર વતન અમરેલીથી સુરત કારમાં આવી રહ્યો હતો. ત્યારે સાવરકુંડલા નજીક સાંકડા માર્ગ ઉપર ટ્રક સાથે ગંભીર અકસ્માત (Accident) થતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જોકે ગંભીર ઇજાને લઈ વકીલ ઉમેશભાઈ ગજ્જર, તેમના એક ભાઈ અને માતાનું નિધન થયું હતું. જ્યારે પિતાને પણ ગંભીર ઇજા પહોંચી હતી.
- સાવરકુંડલા નજીક ટ્રક કારને અકસ્માત નડતા સુરતના વકીલ, તેમના ભાઈ અને માતાનું નિધન
- વલસાડના અબ્રામા ખાતે 2 મહિના પહેલા જ ઓફિસ શરૂ કરી હતી, વકીલ આલમમાં શોક વ્યાપી ગયો
મળતી માહિતી મુજબ ઉમેશભાઈ ગજ્જરે બે મહિના પહેલા જ વલસાડના અબ્રામા ખાતે ઓફિસ શરૂ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ વલસાડના વકીલ આલમમાં શોક વ્યાપી ગયો હતો. આ અંગે વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળના પ્રમુખ પી.ડી.પટેલે દુઃખ વ્યક્ત કર્યું હતું જણાવ્યું કે ઉમેશભાઈ ગજ્જરે અબ્રામાં ખાતે પોતાની ઓફિસ શરૂ કરી હતી. ઘટના અંગે તેમણે તપાસ કરતા સાવરકુંડલા ખાતે થયેલા કાર અકસ્માતમાં ઉમેશ ભાઈ, તેમના એક ભાઈ અને માતાનું નિધન થયું હોવાનું જાણવા મળ્યું હતું.
વકીલ ઉમેશભાઈ વલસાડ આપ પાર્ટીના લીગલ સેલના પ્રમુખ હતા
સાવરકુંડલા ખાતે અકસ્માતમાં મોતને ભેટેલા વકીલ ઉમેશભાઈ ગુજ્જર આપ પાર્ટીના વલસાડ જિલ્લા લીગલ સેલના પ્રમુખ હોવાનું પણ જાણવા મળ્યું છે. વલસાડ જિલ્લા આપ પાર્ટીએ તેમના વોટ્સ એપ ગ્રુપ ઉપર તેમને શ્રધ્ધાંજલિ પણ આપી હતી.