વલસાડ: વલસાડ સ્પેશ્યલ ઓપરેશન ગૃપ (SOG) દ્વારા વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર ગાંજાનો ૬.૦૩૯ કિલોગ્રામ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કુલ રૂ. ૯૧,૬૨૫/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
વલસાડ SOG સ્ટાફ વાપી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન, મળેલ બાતમીના આધારે, વાપી જીઆઇડીસી, ચાર રસ્તા, પ્લાઝા હોટલ સામે, રીક્ષા સ્ટેન્ડ પાસેથી દેવેન્દ્રસીંગ નવલસીંગ જાટ (ઉ.વ. ૨૩) અને દિપેન્દ્ર ઉર્ફે દિપક કમલસીંગ રાજપુત (ઉ.વ. ૨૭) નામના બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓ પૈકી દેવેન્દ્રસીંગ જાટ મૂળ ઉત્તરપ્રદેશના આગ્રા જિલ્લાના તુરકિયા ગામનો વતની છે અને હાલ કડોદરા ચોકડી, સુરત ખાતે રહે છે. જ્યારે દિપેન્દ્ર ઉર્ફે દિપક રાજપુત મૂળ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના સિલોધી ગામનો વતની છે અને તે પણ હાલ કડોદરા ચોકડી, સુરત ખાતે રહે છે.
આરોપીઓ પાસેથી ૬.૦૩૯ કિલોગ્રામ ગાંજો, જેની કિંમત રૂ. ૬૦,૩૯૦/- છે, તથા ત્રણ મોબાઈલ ફોન (કિંમત રૂ. ૩૦,૦૦૦/-) અને રોકડા રૂ. ૧,૨૩૫/- મળી કુલ રૂ. ૯૧,૬૨૫/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ, ૧૯૮૫ ની કલમ ૮(સી), ૨૦(બી)(II)(B), ૨૯ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સફળ કામગીરી SOG વલસાડની ટીમે કરી છે.