વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં સપ્તાહની શરૂઆતથી શરૂ થયેલો વરસાદ (Rain) અવિરત પણે શનિવાર સુધી યથાવત રહ્યો હતો. એક સપ્તાહથી સૂર્યનારાયણે પણ દર્શન દીધા ન હતા. જેને લઇ વાતાવરણ બદલાઇ ગયું હતું. ધરમપુરમાં 6.6, કપરાડામાં 5.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. અનેક કોઝવે પાણીમાં ડૂબ્યા હતા જ્યારે ભારે વરસાદ અને પાણીના ભરાવાને (Waterlogging on Highway) કારણે માર્ગો બંધ થયા.
- ધરમપુરમાં 6.6, કપરાડામાં 5.5 ઈંચ વરસાદ, અનેક કોઝવે ડૂબ્યા, માર્ગો બંધ થયા
- શનિવારે સવારથી વરસાદ શરૂ થયો, વલસાડની ઔરંગા નદીના પાણી કશ્મીર નગરમાં ફરી વળતા ફરી પૂરની દહેશત ઊભી થઈ
વલસાડમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 3.1 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ધરમપુરમાં 6.6 અને કપરાડામાં 5.4 ઇંચ વરસાદ વરસતાં અનેક નદીઓ છલકાઇ હતી, તેની અસર વલસાડમાં પણ થઇ હતી. ધરમપુર અને કપરાડામાં ગત સાંજે વરસાદ ધીમો પડ્યો હતો, પરંતુ શનિવારે સવારથી અહીં વરસાદ શરૂ થયો હતો. જેના કારણે અનેક નદીઓ બંને કાંઠી વહીને છલકાઇ હતી. જેની અસર વલસાડની ઔરંગા નદી પર પડતાં ઔરંગા નદીના પાણી કશ્મીર નગરમાં ફરી વળ્યા હતા. તેમજ વલસાડમાં આજે ફરીથી પૂરની દહેશત ઉભી થઇ હતી. ધરમપુર અને કપરાડામાં ભારે વરસાદને લઇ તાલુકાના અંતરિયાળ વિસ્તારના અનેક માર્ગો બંધ થઇ ગયા હતા. જોકે, શનિવારે વહીવટી તંત્ર દ્વારા માર્ગો બંધ થવાની કોઇ માહિતી મળી શકી ન હતી.
- ક્યાં કેટલો વરસાદ પડ્યો
- તાલુકા વરસાદ
- વલસાડ – 1.3
- પારડી – 2.3
- વાપી – 2.8
- ઉમરગામ – 0.2
- ધરમપુર – 6.6
- કપરાડા – 5.4
- સરેરાશ – 3.1
વરસાદથી વલસાડ ઓવરબ્રિજ પર સતત ટ્રાફિક જામ
વલસાડમાં ભારે વરસાદને લઇ ઓવરબ્રિજ પર કરાયેલું પેચ વર્ક ઉખડી ગયું હતુ. જેને લઇ અહીં મોટા ખાડા પડી જતાં છેલ્લા 3 દિવસથી સતત ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. આજે પણ આવી જ હાલત હતી. તેમજ હાઇવે પર, ધરમપુર ચોકડી પર અને સર્વિસ રોડ પર પણ સતત ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. હાઇવે ઓથોરિટીના પાપે સર્વિસ રોડ પર સતત પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. જેના કારણે લોકોની હાલત કફોડી થઇ હતી.
વશિયર રોડ અને હાઇવે પર ચેતવણીના મેસેજ ફરતા થયા
વલસાડમાં બે દિવસથી પડેલા ભારે વરસાદના કારણે ઓવરબ્રિજથી વશિયર થઇ હાઇવે નં. 48 રોડની હાલત કફોડી બની ગઇ હતી. પારનેરામાં બિલ્ડરના પાપે રસ્તા પર પાણી ભરાયું અને રસ્તો તૂટી ગયો હતો. જેના કારણે આ રોડની હાલત બગડી ગઇ હતી. બીજી તરફ હાઇવે નં. 48 પર મેન્ટેનન્સના અભાવે મોટા ખાડા પડી ગયા હતા. જેમાં પારડીથી વાપીનો રોડ ખૂબ જ જર્જરિત થઇ ગયો હોય, વાપી અપડાઉન કરતા લોકો મુશ્કેલીમાં મુકાતા હોય રોડ માર્ગે અપડાઉન કરનારા અન્ય લોકોને ચેતવવા માટે બંને રોડ પર સાચવીને વાહન ચલાવવાની ચેતવણીનો મેસેજ સોશ્યલ મિડિયામાં ફરતો કર્યો હતો.