વલસાડ, ઉમરગામ: (Valsad) ‘કાનુન કે હાથ લંબે હોતે હૈ’ આ કોમન ફિલ્મી ડાયલોગ કરતાં સવાયું કામ કરી વલસાડ જિલ્લા પોલીસે સાબિત કર્યું કે, ‘કાનુન કે હાલ લંબે નહીં, પરંતુ બહોત લંબે હોતે હૈ’. વલસાડ એસઓજીની ટીમે 47 વર્ષ જૂના ચોરીના (Theft) કેસના વોન્ટેડ આરોપીને પકડી પાડ્યો છે. જેણે 23 વર્ષની ઉમરે વર્ષ 1976માં ચોરી કરી હતી અને વર્ષ 2023માં 70 વર્ષની ઉમરે તે પોલીસના (Police) હાથ પકડાઇ ગયો છે. યુવાવસ્થામાં ચોરી કરનાર તેના વૃદ્ધાવસ્થા દરમિયાન પકડાઇ જવાની આ ઘટના રેર ઓફ ધ રેર બની છે.
- ‘કાનુન કે હાથ લંબે નહીં, બહુત લંબે હોતે હૈ’
- 1976માં 23 વર્ષની ઉંમરે ચોરી કરી અને વર્ષ 2023માં 70 વર્ષની ઉંમરે પોલીસના હાથ પકડાઇ ગયો
- યુવાવસ્થામાં ચોરી કરનાર તેના વૃદ્ધાવસ્થા દરમિયાન પકડાઇ જવાની રેર ઓફ ધ રેર ઘટના વાપીમાં બની
વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાએ જિલ્લાના વિવિધ ગુનાના વોન્ટેડ આરોપીઓને પકડવાનું એક અભિયાન હાથ ધર્યું છે. જેમાં વલસાડ એસઓજીએ 1976ની સાલમાં વન વિભાગના ડેપોમાંથી લાકડા ચોરીનો એક કેસ લાગ્યો હતો. આ કેસમાં એસઓજી પીઆઇ ગોસ્વામી, પીએસઆઇ સગર, પીએસઆઇ રાઠોડ તેમજ હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ કામે લાગ્યા હતા. આ ચોરીને 47 વર્ષ થઇ ગયા હતા. જેનો વોન્ટેડ આરોપી ધર્મા જાનિયા વારલી (રહે. નાગવાસ ઉમરગામ)નો હતો. જેને શોધવા પોલીસે તેના ગામમાં પુછતાછ હાથ ધરી હતી. ત્યાંથી તેનો છેડો શોધતાં શોધતાં અનેક ગામોમાં ફર્યા અને આખરે આ આરોપી તેમને મળી ગયો હતો. જેણે પોતાની અટક બદલી કાઢી હતી. તે ધર્મા જાન્યા ડાવરિયાના નામે ઉમરગામ તાલુકાના જ ઝરોલી ગામમાં રહેતો હતો. જેને પોલીસે પકડી પાડતાં તેના પરિવારજનો અને આજુબાજુના રહિશો પણ અચંબામાં મુકાઇ ગયા હતા. હાલ પોલીસે તેની અટકાયત કરી તેને ભીલાડ પોલીસ મથકને સોંપ્યો છે.
અટક બદલી અને ગામ પણ બદલી કાઢ્યું હતુ
વર્ષ 1976માં લાકડા ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ ધર્મા ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ તેણે પોતાનું ગામ બદલી કાઢ્યું હતુ અને અટક વારલીમાંથી ડાવરિયા કરી નાખી હતી. જેના કારણે તે ક્યારેય પણ પોલીસના શંકાના દાયરામાં આવ્યો ન હતો. જોક, પોલીસે જુના કેસો ફંગોળી તેના વોન્ટેડ આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરતાં તેમણે તેને પકડી પાડ્યો હતો.
47 વર્ષથી તે અન્ય કોઇ પણ ગુનામાં આવ્યો ન હતો
1976માં લાકડા ચોરીમાં સંડોવાયેલો ધર્મા વારલી છેલ્લા 47 વર્ષથી અન્ય ગામમાં અટક બદલીને સ્થાયી થયો હતો. જોકે, ચોરીની એક ઘટના બાદ તેણે જીવનમાં ક્યારેય પણ ચોરી કરી ન હતી. છેલ્લા 47 વર્ષમાં તે કોઇ પણ ગુનામાં સામેલ ન થતાં પોલીસથી સતત દુર રહ્યો હતો. તેણે એક સામાન્ય જીવન જીવવાનું ચાલું રાખ્યું હતુ. જોકે, જીવનના આખરી પડાવમાં પોલીસે તેને પકડી પાડ્યો હતો.