વલસાડ: (Valsad) વલસાડ સ્ટેડિયમ રોડ (Stadium Road) પર ભરાતા રવિવારે બજારને (Sunday Market) લઈ છેલ્લા કેટલાક સમયથી વિવાદ ઉઠી રહ્યો છે. આ રવિવારી બજાર બંધ કરાવવા માટે સ્ટેડિયમ રોડના વેપારીઓ દ્વારા અનેક વખત પાલિકાને (Municipality) તેમજ પોલીસને રજૂઆત કરાઈ છે. ત્યારે હવે ચીફ ઓફિસરે સ્ટેડિયમ રોડ પર ભરાતા રવિવારી બજારને બંધ કરાવવા માટે વલસાડ પોલીસને (Valsad Police) એક લેખિત સૂચન કર્યું છે.
- રવિવારી બજાર નહીં ભરાય : વલસાડ નગરપાલિકાએ ફરમાન બહાર પાડ્યું
- નગરપાલિકાએ પોલીસને રવિવારી બજાર બંધ કરાવવા લેખિતમાં સૂચના આપી
- રવિવારે બજારને લીધે વેપારીઓના ધંધાને અસર પહોંચતી હોવાની રજૂઆત કરી હતી
વલસાડ સ્ટેડિયમ રોડના વેપારીઓએ રવિવારી બજારના કારણે તેમના ધંધાને અસર પહોંચતી હોવાનું તેમજ તેના કારણે અનેક વિવાદો થતા હોવાની રજૂઆત વલસાડ નગર પાલિકાને કરી હતી. આ રવિવારી બજારમાં અનેક વખત મારામારીના બનાવો પણ તાજેતરમાં બની ગયા હતા. રવિવારી બજારના કારણે આખો રોડ જામ થઈ જતો હતો. જેના કારણે હવે નગર પાલિકાએ આ રવિવારી બજાર અહીં નહીં ભરાય એનું ફરમાન બહાર પાડ્યું છે.
તેમના દ્વારા વલસાડ પોલીસને પણ કાયદો વ્યવસ્થા જળવાય એ માટે લેખિતમાં સૂચન કરી રવિવારી બજાર ભરાતું અટકાવવા જણાવ્યું છે. પાલિકા દ્વારા વલસાડ પોલીસને આ લેટર ગત 22 મી એ લખાયો હતો. જોકે ચૂંટણીમાં વ્યસ્ત પોલીસે ગત રવિવારના દિવસે બજાર ભરાતું રોકવાનો પ્રયાસ ન કર્યો હતો. ત્યારે હવે આ રવિવારે રવિવારી બજાર ભરાતું અટકે એ માટે સ્ટેડિયમ રોડના વેપારીઓએ ફરી રજૂઆત કરી છે.
સુથારપાડાથી કપરાડા માટે અપૂરતી બસ સેવાથી લોકોને મુશ્કેલી
વલસાડ : કપરાડા તાલુકા મથકે આવેલી કોલેજ અને શાળાઓમાં અભ્યાસ કરતા સુથારપાડા વિસ્તારના વિદ્યાર્થીઓ અને નોકરિયાતો કે ધંધાર્થીઓ માટે કપરાડા સુધી પૂરતી એસટી બસ સેવા નહીં હોવાને લઈ વર્ષોથી મુસાફરો અને વિદ્યાર્થીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. અગાઉ બસ સેવા વધારવા ધરમપુર ડેપો મેનેજરને આદિવાસી સમાજ દ્વારા રજૂઆત કરાઈ હતી.
ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર નજીક આવેલા સુથારપાડા મહત્વનું ગામ છે. અહીં બોર્ડરના ગામોના લોકો કપરાડા બસ દ્વારા પહોંચે છે. જોકે બસ સેવા અપૂરતી હોઈ ખાનગી વાહનમાં જવું પડે છે. કપરાડા ખાતે કોલેજ, 3 શાળા, આઇટીઆઇ આવેલી છે. જ્યાં સમયસર પહોંચવા સુથારપાડા બોર્ડરના વિદ્યાર્થીઓ માટે બસ સેવા નહીં હોય તેઓ સમયસર પહોંચી શકતા નથી. જેથી કોલેજ, શાળાના વિદ્યાર્થીઓ માટે સવારે 7 કલાકે, આઇટીઆઇ માટે 9 કલાકે બસ સેવા મૂકવામાં આવે, ઉપરાંત 8.30 કલાકે પણ બસ સુવિધા જરૂરી છે. એજ રીતે કપરાડાથી પરત આવવા સાંજે 5 અને 6 કલાકે બસ સેવા મૂકવામાં આવે તેવી માગણી ધરમપુર ડેપો મેનેજરને કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ પણ પૂરતી બસ સેવા શરૂ કરવામાં આવી નથી.