વાપી : વલસાડ (Valsad) એસઓજીની ટીમને (SOG Team) મળેલી બાતમીના આધારે પોલીસે (Police) વાપી (Vapi) નજીકના બલીઠા ગામે બ્રહ્મદેવ મંદિરની (Temple) પાછળ એક એપાર્ટમેન્ટના રૂમ નં. 206માં રેડ કરી હતી. જ્યાં બે મારવાડી યુવકો ગેરકાયદે અફીણનું વેચાણ કરતાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે રૂમમાંથી 1 કિલો 303 ગ્રામ અફીણનો જથ્થો કિ.રૂ.1,13,275 સહિત બે બાઈક, બે મોબાઈલ, વજનકાંટો વગેરે મળી કુલ રૂ. 2,37,685 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસઓજીની ટીમે આ કેસ ટાઉન પોલીસને સોંપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ જીઆઈડીસી પોલીસ કરી રહી છે.
વલસાડ એસપીની સૂચના અને માર્ગદર્શન હેઠળ નશાકારક પદાર્થોની હેરાફેરી અને વેચાણ કરતાં તત્વો પર વોચ રાખવા એસઓજી પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે બલીઠામાં બ્રહ્મદેવ મંદિરની પાછળ, બલીઠા-સલવાલ રોડ પર આવેલા સાંઈમંદિર એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નં. 206માં રેડ કરી હતી. જ્યાં રહેતા શ્રવણકુમાર વાલરામ બિશ્નોઈ અને તેની સાથે રહેતો ભેરારામ કેહનારામ ચૌધરી જાટ ગેરકાયદે અફીણનું વેચાણ કરતાં ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમની પાસેથી કાળાશ પડતું ઘટ્ટ તથા અફીણના નાના-મોટા ઘન ટૂકડા મળી કુલ અફીણ 1 કિલો 303 ગ્રામ મળી આવ્યું હતું. પોલીસે બે આરોપીને પકડી સંડોવાયેલો માંગીલાલ વરીગામરામ બિશ્નોઈને વોન્ટેડ જાહેર કર્યો હતો.
ગેરકાયદે અફીણનો ધંધો કરતી મારવાડી ગેંગની ઓળખો
આરોપી શ્રવણ બિશ્નોઈ અને ભેરારામ ચૌધરી રાજસ્થાનના રહેવાસી છે. ભેરારામને તેનો મિત્ર શ્રવણકુમાર તેમજ તેના સસરા માંગીલાલ વરીગારામ સાથે મળી રાજસ્થાનથી અફીણ લાવી અફીણમાં મધ અને ગોળ મિક્સ કરી પ્લાસ્ટીકની નાની કોથળીમાં કે નાની સ્ટીલની ડબ્બીમાં 25 ગ્રામના પેકિંગ કરી રૂ.3000 કે 3500ના ભાવે વેચતા હતા. માંગીલાલ તેના કોન્ટેક્ટવાળા ટ્રક ડ્રાયવરોને ફોન કરી વેચાણ કરે છે. આ ટૂકડી દર અઠવાડીયે એકાદ કિલો અફીણ લાવી વેચાણ કરે છે. લોકડાઉન બાદ આરોપી માંગીલાલ છેલ્લા એક-દોઢ વર્ષથી રાજસ્થાનથી અફીણ લાવી વેચે છે. ભેરારામ છેલ્લા નવેક વર્ષથી સેલવાસ-વાપી ખાતે રહી વાપીમાં બૂટ-ચંપલનો ધંધો કરતો હતો, પરંતુ લોકડાઉન બાદ ધંધો બંધ થતાં આર્થિક સંકડામણ વધતાં પૈસા ઉછીના લીધેલા હોય તેના ટેન્શનમાં નશાકારક પદાર્થનું સેવન કરતો હતો. જેથી તે માંગીલાલ સાથે અફીણના ધંધામાં જોડાઈ ગયો હતો. હાલ માંગીલાલની ગેરહાજરીમાં તે અફીણની ગેરકાયદે વેચાણ કરે છે. શ્રવણકુમાર તેનો જમાઈ થતો હોવાથી અફીણના ધંધામાં મદદ કરવા વાપી આવ્યો હતો.