વલસાડ : કપરાડાના કોલવેરા ગામે મૂળગામ ફળિયામાં એક જ પરિવાર (Family) વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી જમીનનો ચાલી આવતો વિવાદ લોહિયાળ બન્યો હતો. જેમાં એક યુવાનની હત્યા (Murder) થતાં પાંચ સંતાનો પિતા વિહોણા બન્યા છે. વિવાદ અંગે ગામના આગેવાનોએ સમાધાનનો પ્રયાસ કર્યો હતો, પણ તે નિષ્ફ્ળ ગયો હતો.
- વિવાદ અંગે ગામના આગેવાનોના સમાધાનનો પ્રયાસ નિષ્ફ્ળ ગયો
- યુવાનની હત્યા થતાં પાંચ સંતાનો પિતા વિહોણા બન્યા
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કોલવેરા ગામના મૂળ ગામ ફળિયામાં રહેતા સમીર રાજીરામ સાંનકરા (ઉવ.42) સોમવારે સાંજે ગામમાં આવેલી દુકાન ઉપર શાકભાજી લેવા પોતાની દીકરી દર્શના જોડે ગયા હતાં. શાકભાજી લઈ ઘરે પરત ફરતી વખતે તેમની ઉપર જમીનની જૂની અદાવતમાં તેમના પરિવારના પિતરાઈ ભાઇ રતિલાલ સાનકરાએ અચાનક કુહાડીથી માથાના ભાગે ઉપરા છાપરી ઘા મારી સમીરની હત્યા કરી નાખી હતી. જેના પગલે પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. નોંધનીય છે કે મૃતકના પરિવારમાં પાંચ સંતાન છે. પતિની હત્યાને પગલે પત્નિના માથે પાંચ સંતાનની જવાબદારી આવી પડી છે.
પરિવારના સભ્યની હત્યા કરી આરોપીએ 108ને કોલ કરી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો
પોતાના પરિવારના સભ્ય સમીરની હત્યા કરી રતિલાલ ગંગારામ સાનકરા (ઉવ.24) પોતે જ 108ને કોલ કર્યા બાદ કપરાડા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો, તેમ કપરાડા પીએસઆઇ એચ.ટી.ગામીતે જણાવ્યું હતું. આરોપીની અટક કરી કોરોના ટેસ્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. સમગ્ર ઘટના જમીનની જૂની અદાવતને લઈ ઘટી હોવાનુ પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે. જોકે તપાસ બાદ વધુ માહિતી મળશે.
નવસારીમાં ભયજનક વ્યક્તિ તરીકે પાસા હેઠળ એકની ધરપકડ
નવસારી : નવસારી એલ.સી.બી. પોલીસે નવસારીમાં ભયજનક વ્યક્તિ તરીકે પાસા હેઠળ એકની ધરપકડ કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો છે. મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લા પોલીસ વડાએ જિલ્લાના તમામ થાણા અમલદારોને તેઓના વિસ્તારમાં ભયજનક વ્યક્તિઓ ઉપર પાસા દરખાસ્ત તૈયાર કરવા માટે સુચના તથા માર્ગદર્શન આપ્યુ હતુ. જેથી નવસારી ટાઉન પી.આઈ. કે.એચ. ચૌધરીએ નવસારી વિરાવળ રસીદ મુલ્લાની વાડી લોખંડવાલા કોમ્પ્લેક્ષ સામે રહેતા અબ્દુલ કાદિર મહેબુબ સૈયદ તથા અન્ય વિરૂદ્ધ દાખલ થયેલા ગુનામાં આરોપી અબ્દુલ કાદિર મહેબુબ સૈયદ વિરૂદ્ધ ભયજનક વ્યક્તિ તરીકે પાસા દરખાસ્ત તૈયાર કરી કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલી હતી. જે પાસા દરખાસ્ત અનુસંધાને કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટે આરોપી વિરૂદ્ધ ધી ગુજરાત અસામાજીક પ્રવૃત્તિઓ અટકાવવા અધિનિયમ-1985 હેઠળની જોગવાઈઓ મુજબ પાસા વોરંટ ઈશ્યુ કરતા આરોપી અબ્દુલ કાદિર મહેબુબ સૈયદની પાસા હેઠળ ધરપકડ કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.