વલસાડ : વલસાડમાં (Valsad) ખાનગી રાહે ભાડે અપાતી કાર (Car) લઇ જઇ તેને વેંચી મારવાનું એક મોટું કૌભાંડ (SCAM) ચાલી રહ્યું છે. આ રીતે અનેક કાર વેંચી મરાઇ હોવાની માહિતી બહાર આવી રહી છે. ત્યારે આ અંગે એક ફરિયાદના આધારે કાર વેચનાર સામે ગુનો દાખલ કર્યો છે. જોકે, આ ઘટનામાં કાર ખરીદનાર સામે હજુ સુધી કોઇ પગલાં લેવાયા નથી. આ કૌભાંડમાં આગામી સમયમાં અનેક કેસ બહાર નીકળે એવું જોવા મળી રહ્યું છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ મોગરાવાડીમાં રહેતા સંતોષ ઝારખંડે ગુપ્તાએ પોતાની માલિકીની ઇકો કાર (નં. જીજે-15-સીકે-2079) તેના ઓળખીતા જાવેદ ઉર્ફે નવાબ નામના વ્યક્તિને નવેમ્બર 2022માં આપી હતી. જેણે એક દિવસના એક હજાર લેખે કાર 10 દિવસ માટે આપી હતી. આ દરમિયાન શહીદચોક અમરીન એપાર્ટમેન્ટમાં રહેતા પરવેઝ ઇમ્તીયાઝ ખોલી વાલાએ સંતોષના નંબર પર ફોન કરી કાર ભાડે માંગી હતી. ત્યારે સંતોષે ના પાડી હતી. અને જણાવ્યું કે, કાર તેનો મિત્ર લઇ ગયો છે. ત્યારે 26 નવેમ્બરે પરવેઝે ફરીથી સંતોષને ફોન કરી જણાવ્યું કે, જાવેદ સાથે મારી વાત થઇ ગઇ છે, હું જાવેદ પાસે કાર લઇ જાઉં છુ. એવું જણાવી પરવેઝ જાવેદ પાસે કાર લઇ ગયો હતો અને ત્યારબાદ તેણે કાર તેને આપી જ ન હતી. આ દરમિયાન સંતોષ પરવેઝ પાસે કાર માંગીને થાક્યો હતો અને તેણે પરવેઝ વિરૂદ્ધ વલસાડ સિટી પોલીસને ડિસેમ્બર માસમાં અરજી આપી હતી. ત્યારે આ કાર પરવેઝે ખોટા દસ્તાવેજના આધારે વેચી મારી હોવાનું જાણવા મળ્યું હતુ. આ બનાવ સંદર્ભે પોલીસે તપાસ કર્યા બાદ કાર ઉમરગામમાં એક વ્યક્તિને વેંચાઇ હોવાનું બહાર આવ્યું હતુ. જોકે, પોલીસે હજુ સુધી કાર કબજે કરી નથી. હાલ પોલીસે પરવેઝ વિરૂદ્ધ ખોટા દસ્તાવેજો આધારે કાર વેંચી મારી હોવાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ પોલીસ મથકે આવી અન્ય ફરિયાદો થઇ છે
વલસાડ સિટી પોલીસ મથકે આ જ રીતની એક ફરિયાદ અરૂણ કિશોરભાઇ બરૂડિયાએ પણ કરી છે. જેમાં તેણે તેની ઇકો કાર મોહસીન પઠાણને ભાડેથી ફેરવવા આપી હતી. જે કાર મોહસીને પરત જ કરી નથી. જોકે, આ કિસ્સામાં પોલીસે ગુનો દાખલ કર્યો નથી. આવી અનેક ફરિયાદો થઇ છે. ગત સપ્તાહમાં 8 કાર માલિકો આવી ફરિયાદ લઇને સિટી પોલીસ મથકે પહોંચ્યા હતા. ત્યારે ભાડે કાર લઇ વેંચી મારવાના આખા કૌભાંડમાં પોલીસ ઉંડે ઉતરે એ જરૂરી બન્યું છે.