વલસાડ: વલસાડની એક હોસ્પિટલમાં નર્સ તરીકે કાર્યરત એક યુવતીએ લોનની એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. જેમાં તેણીએ લોન ન લીધો હોવા છતાં એપ્લિકેશન થકી તેના મોબાઇલમાંથી ફોટો મેળવી તેને મોર્ફ કરી અન્ય નગ્ન મહિલા સાથે મિક્સ કરી પાકિસ્તાની નંબરથી તેને મોકલ્યો હતો.
- લોન લીધી ન હોવા છતાં લોનની ફાઇલ ક્લોઝ કરવા માટે નાણાંની માંગણી થઇ
આ રીતે તેણીએ લોન લીધી ન હોવા છતાં તેની પાસેથી લોનની ઉઘરાણી થતી હતી. જે અંગે તેણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ શહેરની હોસ્પિટલમાં નર્સની નોકરી કરતી અને અબ્રામા ખાતે રહેતી એક યુવતીએ પોતાના મોબાઇલમાં ફ્લો ટાઇગર નામની એક એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. જેમાંથી લોન મળતી હતી. જોકે, તેણીએ લોન લીધી ન હતી.
આ એપ્લિકેશને તેના મોબાઇલમાંથી વિવિધ ડેટા લઇ લીધા હતા. ત્યારબાદ તેના મોબાઇલમાંથી મેળવેલા તેના ફોટાને અન્ય નગ્ન યુવતીના શરીર સાથે જોડી તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતુ. જેમાં ઠગોએ તેની પાસેથી રૂ. 2 હજારના હપ્તા માંગ્યા હતા. આ ઠગોએ પાકિસ્તાની નંબરથી યુવતીને મોર્ફ કરેલા ફોટા મોકલ્યા હતા.
જોકે, આ ઘટના બાદ યુવતીએ હિંમત દાખવી વલસાડ સાઇબર અને પછી વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ કરી છે. જેના પગલે સિટી પોલીસે બનાવ સંદર્ભે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.