Gujarat

નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ, ગણદેવી-વલસાડમાં 6 ઈંચ વરસાદ

ગાંધીનગર: દક્ષિણ ગુજરાત પરથી સરકીને પસાર થઈ રહેલી એક સાયકલોનિક સરકયૂલેશનની સિસ્ટમની અસર હેઠળ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. આજે દિવસ દરમ્યાન નવસારી અને વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદ થયો છે. જયારે આગામી 24 કાલક દરમ્યાન નવસારી, વલસાડ અને દમણ – દાદરા નગર હવેલી જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરાયુ છે. જયારે આગામી 24 કલાક દરમ્યાન નર્મદા, ભરૂચ, સુરત , ડાંગ , તાપી,અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દિવ સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.

આગામી તા.17મી જુલાઈના રોજ પણ અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરાયું છે. જેમાં સુરત, ડાંગ , નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ , અમરેલી, ભાવનગર , ભાવનગર ગીર સોમનાથ અને દિવમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે.આ ઉપરાંત 18મી જુલાઈના રોજ રાજયમાં ખાસ કરીને પોરંબદર , જુનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ અને દિવમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરાયુ છે. આમ તા.14થી 19મી જુલાઈ સુધી ભારે વરસાદની ચેતવણી ઈશ્યુ કરી દેવાઈ છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે , રાજયમાં આજે સાંજે છ વાગ્યા સુધીમાં સરેરાશ 69 તાલુકાઓમાં વરસાદ થયો છે. જે પૈકી નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદ નોંધાયો છે. અહીં નદી,સરોવર અને ડેમ છલકાઈ ઉઠયા છે. જનજીવનને ભારે અસર થવા પામી છે. નવસારીના ગણદેવીમાં 6.2 ઈંચ , વલસાડમાં 6 ઈંચ , ખેરગામમાં 5 ઈંચ , ઉમરગામમાં 4.4 ઈંચ ,કપરાડામાં સવા ચાર ઈંચ , ચીખલીમાં 4 ઈંચ , પારડ઼ીમાં 4 ઈંચ , વાપીમા્ં 3.5 ઈંચ ધરમપુરમાં 3 ઈંચ , વાંસદામાં 3 ઈંચ , વઘાઈમાં સવા બે ઈંચ , નવસારીમાં 2 ઈંચ જેટલો વરસાદ થયો છે. એકંદકરે રાજયમા્ં 22 તાલુકાઓ એવા છે કે જયાં 1થી 6 ઈંચ જેટલો વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકની અંદર રાજયમાં સરેરાશ 168 જેટલા તાલુકાઓમાં વરસાદ થયો છે. જે પૈકી સૌથી વધુ વલસાડમાં 6.2 ઈંચ જેટલો વરસાદ થયો છે. ગુજરાતમાં ચોમાસાની મોસમનો સરેરાશ 28.12 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 34.91 ટકા , ઉત્તર ગુજરાતમાં 18.48 ટકા , મધ્ય – પૂર્વ ગુજરાતમાં 18.72 ટકા , સૌરાષ્ટ્રમાં 37.55 ટકા , અને દક્ષિણ ગુજરાતમાં 31.88 ટકા જેટલો વરસાદ થયો છે.

Most Popular

To Top