વલસાડ-પારડી: (Valsad-Pardi) વલસાડની પાર નદીમાં (River) આજરોજ એક માતા પુત્રએ મોતની છલાંગ લગાવી હતી. 42 વર્ષની માતા અને 15 વર્ષના પુત્રની મોતની છલાંગ જોઇ ચંદ્રપુરના તરવૈયાઓ તુરંત તેમને બચાવવા માટે નદીમાં કુદી પડ્યા હતા. જેમાં તેઓ પુત્રને બચાવવામાં સફળ થયા હતા, પરંતુ તેની માતાનું મોત નિપજ્યું હતુ. મોતની છલાંગ અંગે કિશોરને પુછતાં તેણે જણાવ્યું કે, તેના પિતાનું મોત નિપજ્યું હતુ. જેનું આજે 13મું હતુ. જેમના મોત બાદ તેની માતાએ પણ જીવનનો અંત લાવવાનું વિચાર્યું અને અમે આ પગલું ભર્યું હતુ.
- પતિના મોત બાદ હતાશ પત્નીની 15 વર્ષના દીકરા સાથે પાર નદીમાં મોતની છલાંગ
- પતિના 13માના દિવસે જ જીવનનો અંત લાવવાનું વિચાર્યું અને પગલું ભર્યું
- ચંદ્રપુરના તરવૈયાઓ બચાવવા નદીમાં કુદી પડ્યા, પુત્રનો બચાવ, માતાનું મોત
- ફિનાઇલ પીધા પછી છલાંગ લગાવનાર મહિલાનું મોત, પુત્રના માથા પરથી પિતા અને હવે માતાનો ઓછાયો હટી ગયો
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વાપી બલિઠા સાણિયા ફળિયામાં રહેતા સુરેખાબેન નિલેષભાઇ પટેલ (ઉ.વ.42) અને તેમનો પુત્ર મિત (ઉ.વ.15 અભ્યાસ ધોરણ-10) આજરોજ પારડી પાર કિનારે આવ્યા હતા. જ્યાં તેમણે પહેલાં ફિનાઇલ પીધું અને પછી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જેમને નદીમાં કુદતા જોઇ તરવૈયાઓ તુરંત આવ્યા અને મિતને બચાવી લાવ્યા હતા. જોકે, સુરેખાબેનને બહાર કાઢે એ પહેલાં તેમનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતુ. ત્યારે તેમણે પહેલાં મિતને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
જ્યાં પોલીસે તેની પુછતાછ કરતા તેણે જણાવ્યું કે, તેના પિતા નિલેષભાઇ છૂટક રંગ રોગાનનું કાર્ય કરતા હતા. 13 દિવસ અગાઉ તેમનું હ્રદય રોગના હુમલાથી મોત નિપજ્યું હતુ. પરિવારમાં કમાનારા તેઓ એક જ હતા. તેમના મૃત્યુ બાદ તેની માતા હતાશ થઇ ગઇ હતી અને તેણીએ મિત સાથે જીવન ટુંકાવવાનો નિર્ણય લીધો હતો. જેમાં મિત પણ તૈયાર થઇ ગયો હતો. ત્યારે તેમણે જીવન ટુંકાવવા ફિનાઇલ પીને નદીમાં ઝંપલાવ્યું હતુ. જોકે, સદનસીબે મિતનો જીવ બચી ગયો હતો. જોકે, મિતના માથા પરથી પિતા જ નહી, હવે માતાનો ઓછાયો પણ હટી ગયો છે. આ બનાવ સંદર્ભે મિતના માસા ઇશ્વર મોહન પટેલે વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવ સંદર્ભે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.