વલસાડ: વલસાડ મહિલા નાગરિક સહકારી બેંક લિ.એ લોન ન ભરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, મેનેજમેન્ટ અને પેનલ વકીલે આજે એક પત્રકાર પરિષદ યોજીને આ અંગેની વિગતો આપી હતી.
બેંકની આર્થિક સ્થિતિ સુધારવા માટે લોનધારકો સામે કાનૂની પગલાં લેવામાં આવી રહ્યા છે, જેના પરિણામે ગત વર્ષે રૂ. 20 કરોડથી રિકવરી કરવામાં સફળતા મળી છે. જેની સામે ગ્રાહકોને પણ પૈસા આપી રહી છે.
બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ચેરમેન ભુવનેશ્વરી દેસાઈ, એમ.ડી. જસ્વીકા દેસાઈ, વાઇસ ચેરમેન કુંદનબેન ગાંધી મેનેજર સોનલ દેસાઈ અને વકીલ શાહિન ખાને જણાવ્યું કે, હાલ બેંકની આર્થિક સ્થિતિ કેટલાક લોનધારકો દ્વારા લોન ન ચૂકવાતા નબળી પડી છે. આથી, ખાતેદારો હાલમાં અઠવાડિયામાં માત્ર 10000 સુધીની રકમ ઉપાડી શકે છે. તમામ ગ્રાહકોને બેંક પૈસા આપે છે. જેની એફડી પાકે એને 25 હજાર સુધીનો ઉપાડ આપી રહી છે.
લોન ડિફોલ્ટર્સ સામે કડક કાનૂની પગલાં
બેંકે આ સ્થિતિ સુધારવા માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. લોન ન ભરનારા બાબુ જયેશસિંહ ઠાકુરના જામીન રદ કરવા માટે બેંકે સેસન્સ કોર્ટમાં અરજી કરી હતી, જે મંજૂર થતાં તેમના જામીન રદ થયા છે. આવા જ કડક પગલાં અન્ય લોનધારકો સામે પણ લેવામાં આવી રહ્યા છે.
મિલકત જપ્તી અને ચેક બાઉન્સના કેસ
બેંકે વધુમાં જણાવ્યું કે, લોન ન ભરનારા 40 ગ્રાહકો સામે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ચેક બાઉન્સના કેસ દાખલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ ઉપરાંત, લોનધારકોની મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. બેંક પોતાની થાપણો વધારવા અને આર્થિક સ્થિતિને પાટા પર લાવવા માટે કમર કસી રહી છે.
બેંક મેનેજમેન્ટનો દ્રઢ વિશ્વાસ છે કે આ કડક પગલાં દ્વારા ટૂંક સમયમાં બેંકની આર્થિક સ્થિતિ સામાન્ય થઈ જશે.