વલસાડ : (Valsad) નવસારીના વેજલપુરમાં રહેતા રૂપલબેન રવિભાઈ દેસાઈ ડ્રેસ ભાડે આપવાનું કામ કરે છે સાથે સાથે તેઓ પોસ્ટ ઓફિસમાં એજન્ટ તરીકે પણ કામ કરે છે. ગતરોજ તેઓ તેમના પિતા સાથે નવસારી (Navsari) રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નં.2 પર આવેલી કચ્છ એક્સપ્રેસના (Kutch Express) જનરલ ડબ્બામાં બેસીને બોરીવલી જવા માટે નીકળ્યા હતા. ટ્રેન ચાલુ થઈ જતા રૂપલે પોતાનું પૈસા ભરેલું પર્સ પિતાને આપી વોશરૂમમાં ગઈ હતી. વોશરૂમથી પરત આવતા પિતા પાસે પર્સ માંગ્યું તો પર્સની ચેઈન ખુલેલી જણાતા તેમાંથી રૂ.45000 ની ચોરી થઈ હોવાની હતી. જે અંગેની ફરિયાદ વલસાડ રેલવે પોલીસ મથકે નોંધાઇ છે.
ભુજ-પુણે એક્સપ્રેસ ટ્રેનમાંથી બે મુસાફરના મોબાઈલ ફોન ચોરાયા
ભરૂચ: ભરૂચના નંદેલાવ ગામના પેરેડાઇઝ પ્લાઝામાં રહેતા ૩૨ વર્ષીય મુર્તુઝા તૈયબ ચાકલીપાવાલાની માસી સારા સિરાજ સાઇકલવાલા ગત તા.૪ જાન્યુઆરીના રોજ વડોદરા રેલવે સ્ટેશનથી ભુજ-પુણે એક્સપ્રેસ ટ્રેનમાં સવાર થઇ પુણે ખાતે જતા હતા. દરમિયાન વડોદરાથી સુરત વચ્ચે ભરૂચ રેલવે પોલીસના હદ વિસ્તારમાં તેઓ ચાલુ ટ્રેનમાં પોતાની સીટ ઉપર મોબાઈલ ફોન મૂકી સૂઈ ગયા હતા. એ વેળા અજાણ્યા ઈસમો મહિલા મુસાફરનો ૧૨ હજારના ફોનની ચોરી કરી રફુચક્કર થઇ ગયા હતા.
અજાણ્યા ઈસમો તેમનો 12 હજારના ફોનની ચોરી કરી ફરાર
જ્યારે ભરૂચના વેજલપુર વાણીપાવા ખાતે રહેતા 26 વર્ષીય શિક્ષક ઉમેશકુમાર કનૈયાલાલ શાહના સંબંધી મનીષ રમણલાલ શાહ આણંદ રેલવે સ્ટેશનથી ભુજ-પુણે એક્સપ્રેસ ટ્રેનમાં સવાર થઇ મુંબઈના ભીવંડી ખાતે જતા હતા. એ દરમિયાન ચાલુ ટ્રેનમાં તેઓ પોતાનો ફોન સીટ ઉપર મૂકી સૂઈ ગયા હતા. ત્યારે અજાણ્યા ઈસમો તેમનો 12 હજારના ફોનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બંને મોબાઈલ ફોનની ચોરી અંગે ભરૂચ રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઘરની સ્લાઇડિંગ બારી ખોલી તસ્કરો મોબાઈલ અને પાકીટ તફડાવી ગયા
પલસાણા: શિયાળાની ઠંડીના ચમકારા સાથે તસ્કરોએ જાણે ખાતું ખોલ્યું હોઈ તેમ પલસાણા પંથકના ઘરફોડ ચોરીના કેટલાક કિસ્સા સામે આવી રહ્યા છે. પલસાણાના વાંકાનેડા ગામે એક બનાવમાં યુવાન રાત્રિ દરમિયાન સૂતો હતો ત્યારે તસ્કરો સ્લાઈડિંગ બારી ખોલી ઘરમાં પ્રવેશી ટેબલ પર મૂકેલું પૈસા ભરેલું પાકીટ તેમજ મોબાઈલ ચોરી જતાં યુવાને કડોદરા પોલીસમથકના ફરિયાદ આપી હતી.મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના વાંકાનેડા ગામે હળપતિ આવાસ નજીક રહેતા શિવાંગભાઈ અભેસિંહ આડમાર (ઉં.વ.27) વાંકાનેડા ગામની સીમમાં આવેલી સ્વાતિ સિન્થેટિક નામની મિલમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે.
અજાણ્યા ઈસમ વિરુદ્ધ કડોદરા GIDC પોલીસમથકના ફરિયાદ
ગત 27 ડિસેમ્બરે શિવાંગભાઈ રાબેતા મુજબ પોતાના ઘરે ટેબલ પર મોબાઈલ અને પર્સ મૂકી સૂઈ ગયા હતા. બીજા દિવસે ઊઠતાં તેમને પોતાના રૂમની સ્લાઈડિંગ બારી ખુલ્લી દેખાતાં અજૂગતું બનાવનો અહેસાસ થતાં પોતાનું પાકીટ અને મોબાઈલ શોધતા મળી નહીં આવતાં ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. આ ઘટના અંગે યુવાને મોબાઈલ અને પાકીટ ચોરાઈ જતાં 20 હજારની મતા ચોરાવા અંગે અજાણ્યા ઈસમ વિરુદ્ધ કડોદરા GIDC પોલીસમથકના ફરિયાદ આપી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.