કપરાડા માર્ગ પર ટ્રક પલટી જતા મોબાઈલમાં ફોટો લઈ રહેલા ચાલકને આ રીતે મળ્યું મોત

વલસાડ: (Valsad) નાનાપોઢા કપરાડા માર્ગ ઉપર માંડવા કાસ્તુનિયા નજીક પલટી જતા ટ્રકનો ચાલક (Truck Driver) અને ક્લીનર બચી ગયા બાદ પલટી ગયેલી ટ્રકનો મોબાઈલમાં (Mobile) ફોટો લઈ રહ્યા હતા તે સમયે પાછળથી આવેલી ટ્રક ચાલકે તેને અડફેટે ચઢાવતા ફોટો લઈ રહેલા ચાલકનું ગંભીર ઇજાને લઈ મોત નીપજ્યું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ માંડવા કાસ્તુનિયા ઘાટ નજીકથી પુનાથી ભરૂચ જઈ રહેલી ટ્રક નંબર જી.જે. 18 એ.ઝેડ. 1588ના ચાલકે સ્ટિયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક માર્ગની બાજુમાં પલટી ખાઈ ગઈ હતી. જોકે તેમાં ડ્રાઇવર સુરજસિંહ કાલુસિંહ રાઠોડ (રહે, દિગડી, મહેસાણા) અને ક્લીનર લાલભા સોલંકી (રહે, વિઠલપુર, અમદાવાદ)નો ચમત્કારિક બચાવ થયો હતો. જોકે ત્યારબાદ ઘટના અંગે ટ્રક માલિકે ટ્રકના ફોટો મોકલવાનું કહેતા બંને મોબાઈલ વડે પલટી ગયેલી ટ્રકના મોબાઈલ વડે ફોટા પાડી રહ્યા હતા. તે સમયે પાછળથી અચાનક ધસી આવેલી ટ્રક નંબર ટી.એન. 52 એમ 9389ના ચાલકે ફોટો લઈ રહેલા સુરજસિંહ કાલુસિંહ રાઠોડને અડફેટે ચઢાવતા ટ્રક નીચે દબાઈ જતા તેનુ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનામાં અકસ્માત સર્જનાર ટ્રક ચાલક અને ક્લીનરને પણ ઇજા થતાં હોસ્પિટલ લઈ જવાયા હતા. ઘટના અંગે ટ્રક નંબર જી.જે.18 એ ઝેડ.1588ના ક્લીનર લાલભા રાજુભા સોલંકીએ અકસ્માત સર્જનાર અજાણ્યા ટ્રક ચાલક સામે કપરાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પારડી હાઇવે પર ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી કન્ટેનર ઘુસી ગયું
પારડી : પારડી નજીક ખડકી હાઈવે બ્રિજ ઉપર રેમન્ડ કંપની સામે આગળ ચાલતાં ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા કન્ટેનર ચાલક પાછળથી ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. પારડી નેહા.નં.48 વલસાડથી વાપી જતા ટ્રેક ઉપર કન્ટેનર નં. HR 38 S 9201 દિલ્હીથી મુંબઇ તરફ માલ સામાન ભરીને જઈ રહ્યો હતો. તે દરમિયાન ખડકી રેમન્ડ કંપની સામે હાઇવે પર આગળ ચાલતા ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી કન્ટેનર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જોકે ચાલકને ઇજા પહોંચતા 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માત કરીને સ્થળ પરથી ટ્રક ચાલક ભાગી છૂટ્યો હતો. અકસ્માતની જાણ કન્ટેનર ચાલક સતિષે માલિકને કરતાં તેઓ પારડી ખાતે આવવા નીકળ્યા હોવાનું જાણવા મળે છે.

Most Popular

To Top