વલસાડ: (Valsad) વલસાડના પારનેરા હાઇવે (Highway) ઉપર અક્સ્માત જોવા ગયેલો એક યુવાન રસ્તો ક્રોસ કરી રહ્યો હતો, તે દરમિયાન અજાણ્યા કાર ચાલકે આ યુવાનને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડી હતી. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
- અકસ્માત જોવા ગયેલા યુવાનનું જ અકસ્માતમાં મોત
- મિત્રો સાથે જમીને પરત ફરતી વખતે અકસ્માત જોવા ગયેલો અંકિત હાઈવે પર રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે કાર ચાલકે ઉડાવી મૂક્યો
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના ચણવઈ કોલ ફળિયામાં રહેતો અંકિત રાજનભાઈ ધો. પટેલ રવિવારે સાંજે પોતાના મિત્રો સાથે જમવા ગયો હતો. તેઓ ઘરે પરત ફરી રહ્યા તે દરમિયાન સુરત તરફ જતા માર્ગ ઉપર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે જોવા માટે અંકિતે પોતાની બાઈક સાઈડ પર મૂકીને સુરત તરફ જવાના માર્ગ ઉપર જોવા ગયો હતો.
અકસ્માત જોઈને રસ્તો ક્રોસ કરી રહ્યો હતો, તે દરમિયાન પારનેરા પાવર હાઉસ વાડી ફળિયા નેશનલ હાઇવે નં.48 વાપી તરફ જતા માર્ગ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે પૂરઝડપે હંકારી લાવી અંકિતને અડફેટે લઈ કાર ચાલક ભાગી છૂટ્યો હતો. અંકિતને ગંભીર ઈજા થતા સારવાર અર્થે 108 મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે અંકિતને મૃત જાહેર કર્યો હતો. જે અંગે પોલીસે અકસ્માત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સેલવાસની સન પ્લાસ્ટિક કંપનીના ઓપરેટરનું ચાલુ ફરજ દરમિયાન મોત
સેલવાસ/દમણ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસમાં એક દીકરીના લગ્ન લેવાય એ પહેલા જ તેના કામદાર પિતાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. સેલવાસના મસાટ ખાતે આવેલી સન પ્લાસ્ટિક કંપનીમાં ઓપરેટર તરીકે છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતા 40 વર્ષીય અનિલ યાદવ (રહે. માસાટ, મૂળ બિહાર)ની ગત શુક્રવારે સાંજે કંપનીની અંદર કામ કરતી વખતે અચાનક તબિયત લથડતા તેઓ ગભરાટ સાથે ચક્કર ખાઈને પડ્યા હતા. જ્યાં સાથે કામ કરતા સહ કર્મચારીઓએ તાત્કાલિક કંપનીના સ્ટાફ ને જાણ કર્યા બાદ ખાનગી વાહન દ્વારા તેમને સેલવાસની વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા. જ્યાં રવિવારે મળસ્કે પાંચ વાગ્યાની આસપાસ અનિલ યાદવનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું.
મૃતક અનિલ યાદવને ચાર દીકરી અને એક દીકરો છે. આગામી છઠ્ઠી જૂને એક દીકરીના લગ્ન હતા. દીકરીના લગ્ન પહેલા જ પિતાનું આકસ્મિક નિધન થતા પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. જોકે, મળતી માહિતી પ્રમાણે કંપની તરફથી મૃતકના પરિવારને વતન અગ્નિદાહ આપવો હોય તો 50 હજાર આપવાની વાત કરી હતી, પરંતુ પરિવારે વિરોધ કરી જ્યાં સુધી કંપની સંચાલકો 15 લાખ રૂપિયા ન આપે ત્યાં સુધી અનિલ યાદવની બોડીને લઈ ન જવાની ના પાડતા કંપની સંચાલકો અને મૃતકના પરિવાર વચ્ચે બોલાચાલી પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં ન આવતા આખરે આ મામલે સેલવાસ પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.