વલસાડની સિંગર વૈશાલીનો મુખ્ય હત્યારો લુધિયાણાથી પકડાયો
વલસાડ: વલસાડના (Valsad) હાઇ પ્રોફાઇલ (Hai Profile) હત્યા (Murder) કેસના મુખ્ય આરોપી અને વૈશાલીની(Vaishali) હત્યા કરનાર લુધિયાણાના (Ludhiyana) કોન્ટ્રાક્ટ (Contract) કિલર (Killer) સુખવિન્દ્ર ઉર્ફે સુખો ઉર્ફે ઇલુને વલસાડ પોલીસે પકડી પાડ્યો છે. પોલીસે તેને પકડી તેની પ્રારંભિક પુછતાછ હાથ ધરી છે. આ કેસમાં પોલીસે સુખાના અન્ય સાથી ત્રિલોકસિંગને પકડી પાડ્યો હતો, જ્યારે હજુ એક સાથીને શોધવા પોલીસનું ઓપરેશન ચાલી રહ્યું છે.વલસાડની ગાયિકા વૈશાલી બલસારાને તેની જ કારમાં મોતને ઘાટ ઉતારી તેને પારડી પાર નદી પાસે મુકી આવી તેની હત્યાને અંજામ આપ્યો હતો.
ગર્ભવતી એવી બબિતા કૌશિકની ધરપકડ કરી હતી
આ કેસમાં પોલીસે આખી હત્યાનું કાવતરૂં રચનારી 9 માસની ગર્ભવતી એવી બબિતા કૌશિકની ધરપકડ કરી હતી. તેની પુછતાછ બાદ તેણે જેને સોપારી આપી એની તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે કોન્ટ્રાક્ટ કિલર ત્રિલોકસિંગને પકડી પાડ્યો હતો. જોકે, વૈશાલીની હત્યા કરનારો પકડાયો ન હતો. જેને પોલીસે હાલ પકડી પાડ્યો છે. વૈશાલીની હત્યા કરનારો સુખવિન્દ્ર ઉર્ફે સુખો ઉર્ફે ઇલુ ગુરમેલસિંગ ભાટી (રહે. ગાલીબકલાન, જગરાંવ, લુધિયાણા)ને તેની બાજુના ગામમાંથી પકડી પાડ્યો છે. પોલીસે તેને પકડી આ હત્યાના બનાવ સાથે તેના તાર જોડતા પુરાવા પણ એકત્ર કર્યા છે તેમજ પોલીસે સમગ્ર ઘટનાક્રમ અંગે તેની વધુ પુછતાછ હાથ ધરી છે.
બબિતાએ સુખાને સુરત આવવા 19 હજાર ટ્રાન્સફર કર્યા હતા
હત્યાનું કાવતરૂં રચનારી બબિતાએ કોન્ટ્રાક્ટ કિલર સુખાને વલસાડ આવવા માટે અને સુરત હોટેલમાં રોકાવા માટે રૂ. 19 હજારની રકમ બેંકથી ટ્રાન્સફર કરી હતી. જેના પુરાવા પણ પોલીસને મળી આવ્યા છે. આ પૈસા થકી જ કિલરો પહેલાં સુરત અને પછી વલસાડ આવ્યા હતા.
બબિતા અને સુખાની 11 વર્ષ જૂની મિત્રતા
વલસાડની પરિણીતા બબિતા કૌશિકની સુખવિન્દ્ર ઉર્ફે સુખા સાથે 11 વર્ષ પહેલાં ફેસબુક થકી ઓળખ થઇ હતી. ત્યારબાદ બંનેના એકાઉન્ટ બદલાતા હતા અને તેઓ એકબીજાના સંપર્કમાં રહેતા હતા. દરમિયાન સુખાની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પરથી તેની કાળી કરતુતો જાણતા બબિતા એ તેને આ હત્યાની સોપારીની ઓફર કરી હતી. જે સુખાએ સ્વીકારી વલસાડ હત્યાને અંજામ આપવા આવી પહોંચ્યો હતો.
બે પુત્રીનો બાપ સુખો પણ માજી સૈનિકનો પુત્ર
વલસાડમાં હત્યાની ઘટનાને અંજામ આપનારો સુખવિન્દ્ર ઉર્ફે સુખો ઉર્ફે ઇલુ માત્ર 8મું ધોરણ સુધી ભણ્યો છે અને તેના પરિવારમાં પત્ની અને બે પુત્રી છે. ત્યારબાદ ખરાબ સંગતમાં તે ગુનેગાર બની ગયો હતો. તેના પિતા ભારતીય સેન્યમાં હતા. ત્યારબાદ તેઓ નેવીમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ 6 માસ અગાઉ જ નેવીમાંથી રિટાયર્ડ થયા હતા. સુખો ગુનાખોરીની દુનિયામાં પ્રવેશતા તેના પિતાએ તેની સાથે સંબંધ કાપી નાખ્યા હતા.
ઘરફોડ ચોર સુખાની આ પહેલી હત્યા
લુધિયાણાના સુખા ઉર્ફે ઈલુ વિરૂદ્ધ તેના જ તાલુકામાં ઘરફોડ ચોરીની 4 પોલીસ ફરિયાદ થઇ છે. ચોરીની ઘટનામાં તેની સામે ફરિયાદ થતાં પિતાએ તેને ઘરમાંથી કાઢી મુક્યો હતો. ત્યારબાદ તે જુદો જ રહેતો હતો. કોઇ કામ ધંધો કરતો ન હતો. એ દરમિયાન તેને હત્યાની સોપારી મળી અને તેણે તેને સ્વીકારી હતી. પ્રારંભિક તપાસમાં હત્યાનો ગુનો તેણે પહેલી વખત આચર્યો હોવાનું જાણવા મળ્યું છે.
બબિતાએ પોતાના નામે નહીં, બહેનપણીના નામે સોપારી આપી હતી
આ મહિલાના કારણે મારી બહેનપણીના ડિવોર્સ થયા છે. જેના માટે મારી બહેનપણી આ મહિલાને મરાવી નાખવા માંગે છે. એવી વાર્તા બબીતાએ સુખાને કહી હતી. એવી કેફિયત સુખાએ પોલીસ સમક્ષ કરી હતી. તેણે જણાવ્યું કે, બબીતાએ પોતાના માટે મહિલાની હત્યા કરાવી હોવાનું ક્યારેય પણ જણાવ્યું ન હતું.