વલસાડ: (Valsad) વલસાડ શહેરમાં જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં વકૃત્વ સ્પર્ધાનું (Eloquence Competition) આયોજન થયું હતુ. જેમાં 3 વિષય પૈકી એક વિષય ‘મારો આદર્શ નાથુરામ ગોડસે’ (Nathuram Godse) રખાયો હતો. આ વિષય રખાયો તેનો કોઇએ વિરોધ પણ ન કર્યો અને સ્પર્ધા યોજાઇ પણ ગઇ અને સ્પર્ધામાં કેટલાક વિદ્યાર્થીઓએ આ વિષય પર વક્તવ્ય પણ આપ્યું. જોકે, આખી ઘટના પ્રકાશમાં આવ્યા બાદ સ્કૂલ સંચાલકોથી લઇ શિક્ષણાધિકારી તેમજ સ્પર્ધા (Competition) યોજનાર સરકારી તંત્ર પણ પોતાના બચાવમાં લાગી ગયા હતા. જ્યારે વલસાડના જિલ્લા યુવા વિકાસ અધિકારી મિતાબેન ગવળીએ મારો આદર્શ નાથુરામ ગોડસે વિષય પસંદ કર્યો હોવાનું બહાર આવ્યું હતુ. આ વિવાદ ઉઠતાં રાજ્ય કક્ષાએથી તેમને સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળે છે. અધિકારીને સસ્પેન્ડ કરીને રાજ્ય સરકાર આ આખા વિવાદને શાંત પાડવાનો પ્રયાસ કરી રહી હોવાનું લાગે છે.
વલસાડ શહેરમાં બાળ પ્રતિભા શોધની સ્પર્ધા તિથલ રોડ સ્થિત મોરારજી દેસાઇના વંશજો સંચાલિત વલસાડના કુસુમ વિદ્યાલયમાં યોજાઇ હતી. આ સ્પર્ધામાં 11 થી 13 વર્ષની વયના બાળકો માટે યોજાયેલી બાળ વકૃત્વ સ્પર્ધા વિભાગ બ માં 3 વિષય રાખવામાં આવ્યા હતા. જેમાં 1. મને તો આકાશમાં ઉડતું પક્ષી ગમે, 2. વૈજ્ઞાનિક બનીશ, પણ અમેરિકા નહીં જાઉં અને 3. મારો આદર્શ નાથુરામ ગોડશે. આ સ્પર્ધામાં 14 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં મારો આદર્શ નાથુરામ ગોડશે પર પણ કેટલાક સ્પર્ધકોએ વક્તવ્ય આપ્યું હતુ. આ વાત બહાર આવતા મામલો ગરમાયો હતો. જેના પગલે હવે તમામ લોકો પોતાના બચાવમાં આવી ગયા છે.
ગાંધીના ગુજરાતમાં ગાંધીના હત્યારાને હિરો બનાવવાના આ કિસ્સાને લઇને વિવાદ ઊભો થયો છે. આ કાર્યક્રમ યોજનારા વલસાડ જિલ્લા યુવા વિકાસ અધિકારી મિતાબેન ગવળીએ આ વિષય પસંદ કર્યો હોવાનું બહાર આવ્યું હતુ. તેઓ રમત ગમત વિભાગમાં ફરજ બજાવે છે. રમત ગમત વિભાગ અંતર્ગત આવતા જિલ્લા યુવા વિકાસ વિભાગના તેઓ અધિકારી છે. તેમનું કામ આવી સ્પર્ધાઓ યોજવાનું છે. હાલ યોજાયેલી સ્પર્ધામાં તેમણે આ વિષય કયા કારણોસર પસંદ કર્યો કે તેમની પાસે કરાવ્યો એનું રહસ્ય ઘુંટાઇ રહ્યું છે. આ વિવાદ ઉઠતાં તેઓ સ્પર્ધાની ફાઇલ લઇ ગાંધીનગર ઉપડી ગયા હોવાનું તેમની કચેરીમાંથી જાણવા મળ્યું છે. આ બાબતે વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમના વિભાગ દ્વારા તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મને સ્પર્ધાની જાણકારી અપાઇ, વિષયની નહીં
વલસાડમાં યોજાયેલી આ બાળ પ્રતિભા શોધ સ્પર્ધા અંગે મને જાણકારી અપાઇ હતી. જેના ઇમેલમાં વકૃત્વ સ્પર્ધા કયા વિષય પર યોજી એની જાણકારી શિક્ષણ વિભાગને કરાઇ જ ન હતી. જેના કારણે આ સંદર્ભે હું સંપૂર્ણ પણે અજાણ હોવાનું વલસાડના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી. ડી. બેરિયાએ જણાવ્યું હતુ.
સ્પર્ધા યોજવાનું કાર્ય મારું ન હતું, મને કોઇ જાણકારી ન હતી
વલસાડ રમત ગમત વિભાગમાં બે અધિકારીની નિમણૂંક છે. જેમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીનો સમાવેશ થાય છે. તેમના દ્વારા સ્પર્ધાનું આયોજન કરાયું હતુ. સ્પર્ધા યોજાઇ રહી છે તેની જાણકારી હતી, પરંતુ આ વિષય પર સ્પર્ધા યોજાઇ તેની જાણકારી મને હતી જ નહીં. એવું વલસાડ રમત ગમત અધિકારી મહેશભાઇ પટેલે જણાવ્યું હતુ.
આયોજનમાં અમારો હાથ ન હતો અમારી સ્કૂલ અપાઇ હતી
વલસાડમાં જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં વકૃત્વ, દોહા-છંદ-ચોપાઇ, લોકવાદ્ય સંગીત, લોક વાર્તા, નિબંધ લેખન, એક પાત્રિય અભિનય, સમુહ ગીત, ભજન, લોકનૃત્ય, લગ્નગીત, લોકનૃત્ય, કલા-કારીગીરી જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી. જેના માટે યુવા વિકાસ અને રમતગમત વિભાગ દ્વારા અમારી પાસે સ્કૂલની માંગણી થતાં અમારા દ્વારા 8 ઓરડા તેમને સ્પર્ધા માટે અપાયા હતા. આ સિવાય આ આયોજનમાં અમારો કોઇ રોલ ન હોવાનું કુસુમ વિદ્યાલયના સંચાલિકા અર્ચના દેસાઇએ જણાવ્યું હતુ.
સ્કૂલ કહે વિજેતા બાળકીનો આ વિષય હતો જ નહીં
વલસાડ કુસુમ વિદ્યાલયમાં યોજાયેલી આ સ્પર્ધામાં પ્રથમ વિજેતા કુસુમ વિદ્યાલયની બાળકી જ રહી હતી. બીજા ક્રમે એમએમ હાઇસ્કૂલ ઉમરગામ અને ત્રીજા ક્રમે બીએપીએસ સ્વામિનારાયણ સ્કૂલનો વિદ્યાર્થી રહ્યો હતો. આ ત્રણેય વિજેતા વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક બનીશ પરંતુ અમેરિકા નહીં જાઉં વિષય પર જ વક્તવ્ય આપ્યું હોવાનું કુસુમ વિદ્યાલયના સંચાલિકા અર્ચના દેસાઇએ જણાવ્યું હતુ.
25 શાળા પૈકી એક પણ શાળાએ વિરોધ ઉઠાવ્યો નહીં
ગાંધીના ગુજરાતમાં તેના હત્યારા ગોડસેને હીરો ચિતરવાના આ કથિત પ્રયાસ ખુલ્લો પડી જતાં વિવાદ ઉઠ્યો છે. આ પ્રકારની સ્પર્ધામાં આવા વિષયની પસંદગી થાય એ જ ચોંકાવનારું છે. આ અંગે શિક્ષણાધિકારી, રમત ગમત અધિકારી, સ્કૂલ સંચાલિકાએ આ વિષય પસંદગીની જાણ જ ન હોવાનો લૂલો બચાવ કર્યો હતો, પરંતુ જ્યારે આવી કોઇ પણ સ્પર્ધા યોજાતી હોય તો આવા વિષય પહેલેથી જ વિદ્યાર્થીઓને સોંપાઇ જતો હોય છે. જ્યારે કુમળી વયના બાળકોને આ વિષય અપાયો ત્યારે કોઇ પણ શિક્ષકે તેનો વિરોધ નોંધાવ્યો ન હતો. સરકારના ડરથી તેઓ ચૂપ રહ્યા અને આખી સ્પર્ધા પણ યોજાઇ ગઇ. આ સ્પર્ધામાં કેટલા વિદ્યાર્થીઓએ આ વિષય પર વક્તવ્ય આપ્યું એની માહિતી પણ તંત્ર છૂપાવી રહ્યું છે. ત્યારે આખા મામલે શિક્ષણ જગતનું પણ સૂચક મૌન જવાબ માંગી લેનારું છે. આ સ્પર્ધાના વિષયની જાણકારી 25 શાળાના 50 થી વધુ શિક્ષકોને પહેલેથી જ થઇ ગઇ હતી. એક પણ શિક્ષકે આ સંદર્ભે હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો ન હતો. સરકાર રાજમાં કોઇ પણ પોતાની સ્કૂલની ગ્રાન્ટ કે માન્યતા રદ થાય કે પોતાની સ્કૂલને કોઇ પણ પ્રકારની આંચ ન આવે એ હેતુથી ચૂપ રહ્યા. જો કોઇએ પહેલેથી જ આ વિષયનો વિરોધ કર્યો હોત, તો આખો વિવાદ ટળી શકતે, પરંતુ આ અંગે કેમ કોઇ કંઇ બોલ્યું નહી. શિક્ષકો અને શાળા સંચાલકોનું મૌન અનેક વસ્તુ કહી જાય છે.
ગાંધીવાદીઓ દુખી થયા, ધારાસભ્યને ફરિયાદ કરી
વલસાડમાં યોજાયેલી સ્પર્ધામાં ગાંધીના હત્યારાને હીરો બનાવવાના આ બાલીશ પ્રયાસના કારણે વલસાડના અનેક ગાંધીવાદીઓ દુખી થઇ ગયા હતા. જે પૈકી વરિષ્ઠ નાગરિક પરિષદના અગ્રણી અને ગાંધીવાદી એવા નટુભાઇ(નેતાજી) દેસાઇએ જણાવ્યું કે, આ સંદર્ભે જિલ્લાના તમામ ધારાસભ્યને કડક પગલાં ભરવાની ફરિયાદ સોશિયલ મિડિયાના માધ્યમથી કરી છે.