વલસાડ: (Valsad) વલસાડ કલ્યાણ બાગ પાસેની ડી.પી.માં જમ્પર બદલવા ગયેલા 3 કર્મચારીઓ પૈકી એકને કરંટ (Electric current) લાગ્યો હતો. જોકે તેને ત્વરિત હોસ્પિટલ લઈ જવાયો હતો. વીજ કંપનીના અધિકારીઓએ (Officers) પાવર સપ્લાય (Power supply) બંધ કર્યો હોવા છતાં કરંટ લાગતા તેની તપાસ શરૂ થઈ હતી. બીજી તરફ કામદારોએ આક્ષેપ કર્યો હતો કે આ જોખમી કામ હોવા છતાં અને હાલે ચોમાસુ હોવા છતાં વીજ કંપની તરફથી તેમને સલામતી માટેના જરૂરી હેલ્મેટ, હાથ મોજા, બુટ આપવામાં આવતા નથી. જોકે પાવર સપ્લાય બંધ હોવા છતાં કરંટ કઈ રીતે લાગ્યો તે હાલ તપાસનો વિષય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડ કલ્યાણ બાગ ખાતે આવેલી અંડર ગ્રાઉન્ડ લાઈન ઉપર જમ્પર લગાવી લાઈન શરૂ કરવા વીજ કંપનીના (Electricity Company) કામદારો પાવર સપ્લાય બંધ કરી કામગીરી કરી રહ્યા હતા. 3 પૈકી 2 લાઈન પર જમ્પર લગાવવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી. ત્રીજી લાઈન ઉપર જમ્પર લગાવી રહ્યા હતા. જે દરમિયાન અચાનક પાવર સપ્લાય આવતા એક કામદારને કરંટ લાગતા પટકાયો હતો. ક્રેનની મદદ વડે કામદારને ઉપરથી ઉતારી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર (Treatment) આપવામાં આવી હતી.
વલસાડ કલ્યાણ બાગ ખાતે વીજ કંપની તરફથી અંડર ગ્રાઉન્ડ સર્વિસ લાઈન ચાલુ કરવા માટે કોન્ટ્રાક્ટના કામદારો સવારે 10 કલાકે કામગીરી કરવા ગયા હતા. ત્યારે આજુબાજુના વિસ્તારનો પાવર સપ્લાય બંધ કરી દેવાયો હતો. કામદારો નવા કેબલ ઉપર જમ્પર લગાવી પાવર સપ્લાય ચાલુ કરવાની કામગીરી કરી રહ્યા હતા. 2 જમ્પરો લાગી ગયા હતા અને ત્રીજું જમ્પર લગાવી રહ્યા હતા. જે દરમિયાન વીજ કંપનીની બંધ લાઈનમાં પાવર બેક આવતા દીનેશભાઈ નામના કામદારને કરંટ લાગ્યો હતો.
દીનેશભાઈએ તરત વાયર છોડી દીધો હતો. સાથેના કામદારોએ તેમને ક્રેનની મદદ વડે પોલ ઉપરથી નીચે ઉતારી નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. લાઈન બંધ હોવા છતાં કઈ રીતે વીજ કરંટ લાગ્યો તેની તપાસ કરાશે તો સાચુ કારણ બહાર આવશે. એક કામદારે જણાવ્યું કે આ જોખમી કામ હોવા છતાં અને હાલે ચોમાસુ હોવા છતાં વીજ કંપની તરફથી તેમને સલામતી માટેના જરૂરી હેલ્મેટ, હાથ મોજા, બુટ આપવામાં આવતા નથી.