વલસાડ જિલ્લા (Valsad District) પંચાયતની ૩૮ બેઠક માટે યોજાનારી ચૂંટણી (Election) માટે સોમવારે ફોર્મની ચકાસણી બાદ ૯૧ માન્ય ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી હતી. જ્યારે ૬૨ ઉમેદવારના ઉમેદવારીપત્ર રદ કરાયા હતા. જેમાં કેટલાક ડમી ઉમેદવારો પણ સામેલ છે. બીજી તરફ વલસાડ જિલ્લાની છ તાલુકા પંચાયતમાં ૩૮૦ ઉમેદવારોને (Candidates) માન્ય ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. જ્યારે ૨૨૬ ઉમેદવારનાં ફોર્મ રદ કરાયાં હતાં. આ પૈકી પણ ઘણા ઉમેદવારોએ ડમી તરીકે ફોર્મ (Form) ભર્યુ હોય તેના ઉમેદવારીપત્ર રદ થયા હતા.
વલસાડ જિલ્લા પંચાયતની ૩૮ બેઠક પર કોંગ્રેસ અને ભાજપ (Congress BJP) દ્વારા બધી બેઠક પર ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા છે. બીજી તરફ વલસાડ જિલ્લાની છ તાલુકા પંચાયતની ઉમેદવારની સ્થિતિ જોઇએ તો વલસાડ તાલુકા પંચાયતની ૩૨ બેઠકો માટે ૧૧૪ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં. જે પૈકી ૩૪ ઉમેદવારનાં ફોર્મ ચકાસણીના અંતે રદ કરાયાં હતાં. જ્યારે ૮૦ ઉમેદવારના ફોર્મ માન્ય રખાયાં છે. પારડી તાલુકા પંચાયતની ૨૨ બેઠક માટે ૭૮ ઉમેદવારે ફોર્મ ભર્યાં હતાં. જે પૈકી ચકાસણીના અંતે ૨૭ ફોર્મ રદ થયાં હતાં. હવે પારડી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ૫૧ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.
વાપી તાલુકા પંચાયતની ૨૦ બેઠક માટે ૬૯ ઉમેદવારીપત્ર ભરાયા હતા. જે પૈકી ૨૬ ઉમેદવારનાં ફોર્મ ચકાસણી બાદ રદ થતા હવે ૪૩ ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. ઉમરગામ તાલુકા પંચાયતની ૩૦ બેઠકો માટે ૧૨૨ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતા. જે પૈકી સોમવારે ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ ૪૫ ફોર્મ રદ થતાં હવે ૭૭ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. કપરાડા તાલુકા પંચાયતની ૩૦ બેઠક માટે ૧૨૪ ફોર્મ ભરાયાં હતાં. જે પૈકી ૫૪ ફોર્મ રદ થતાં હવે ૭૦ ઉમેદવાર રહ્યા છે. ધરમપુર તાલુકા પંચાયતની ૨૪ બેઠક માટે ૯૯ ઉમેદવારે ફોર્મ ભર્યા હતા. જે પૈકી ૪૦ ઉમેદવારનાં ફોર્મ રદ થયાં હતાં. ધરમપુર તાલુકા પંચાયતના ૫૯ ઉમેદવાર હવે મેદાનમાં રહ્યા છે. જો કે, હજી મંગળવારે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. મંગળવારે બપોરે ત્રણ વાગ્યા બાદ પ્રતિસ્પર્ધી ઉમેદવારનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થઇ જશે.
વાપીની બલીઠા બેઠકના બીટીપી ઉમેદવારનું ફોર્મ રદ
વાપી તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસના ૨૦-૨૦ ઉમેદવારોનાં ફોર્મ માન્ય રહેતાં હવે બંને પાર્ટીના ઉમેદવાર વચ્ચે સીધી ટક્કર છે. વાપી તાલુકા પંચાયતમાં સલવાવ બેઠક પર એક અપક્ષ તથા છીરી બેઠક પર બે અપક્ષ ઉમેદવાર મળી ૪૩ ઉમેદવાર મેદાને છે. વાપીના બલીઠાની જિલ્લા પંચાયતની બેઠક પર બીટીપીના ઉમેદવારે તેના નવ ટેકેદારના ભાગ ક્રમાંક નહીં લખ્યા હોવાથી સોમવારે ફોર્મ ચકાસણી કર્યા બાદ સ્થાનિક ચૂંટણી અધિકારીએ ઉમેદવારને તેના ટેકેદારના ભાગ ક્રમાંક ચૂંટણી યાદીમાં મેળવી ટેકેદારોને રજૂ કરવા કહ્યું હતું. પરંતુ ઉમેદવાર ચાર ટેકેદારને જ રજૂ કરી શક્યા હતા. આમ, બીટીપીના ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. હવે વાપી વિસ્તારની ચાર બેઠક પર ભાજપ-કોંગ્રેસના જ ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર છે.