પારડી, વલસાડ: (Valsad) રેંટલાવના એક મકાનમાં 2 વર્ષ અગાઉ થયેલી સોના-ચાંદીના (Gold Silver) દાગીના, રોકડા સહિત કુલ રૂ.1.96 લાખની ચોરીનો ભેદ ઉકેલાતા આરોપી માતા-પુત્રને પોલીસે ઝડપી પાડ્યા છે. વલસાડ સહિત મહારાષ્ટ્રની 18 ચોરીના ભેદ ઉકેલાયા હતા.
પારડીના રેંટલાવ નીલકંઠ એપાર્ટમેન્ટના રૂમ નં. 9માં રહેતા હેનલ પંકજભાઈ રૂંઢવાલાના ઘરે ગત 28મી એપ્રિલ 2022ના રોજ ચોરી થઇ હતી. જે અંગે પારડી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ રોકડા 40 હજાર, સોનાનો સિક્કો, વીંટી, કાનની બુટ્ટી, સોનાના દાગીના, રોકડા એક લાખ સહિત કુલ રૂ.1.96 લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. વલસાડ સિટી પોલીસના પીએસઆઇ જે.જી. પરમારની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મોગરાવાડી હીરા ફેક્ટરી પાસે શંકાસ્પદ ઈસમો મળી આવ્યા હતા. જેમના નામઠામ પૂછતા મહિલા સુનિતા રમેશભાઈ રાજભર અને પુત્ર વિશાલ રમેશભાઈ રાજભર (બંને રહે. મોગરાવાડી, ઋષિકેશ એપાર્ટમેન્ટ, વલસાડ) હોવાનું જણાવ્યું હતું.
ઈ-ગુજકોપ એપથી તપાસ કરતા બંને માતા-પુત્ર પારડી પોલીસ મથકે ચોરીના ગુનામાં વોન્ટેડ હોવાની જાણ થતા બંનેની અટકાયત કરાઈ હતી. પારડી પોલીસ આરોપી માતા-પુત્રને વલસાડ સિટી પોલીસ મથકેથી ટ્રાન્સફર વોરંટથી લાવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં બન્ને આરોપીઓ રીઢા ચોર હોવાનું સામે આવ્યું છે. સુનિતા રાજભર અન્ય ચોરો પાસેથી ચોરીના દાગીના ખરીદતી હોવાનો પણ ખુલાસો થયો છે. કેટલા ચોર પાસેથી કેટલા દાગીના ખરીદ્યા તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.