વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં કોરોના ન વધે એ માટે જિલ્લા તંત્ર સુસજ્જ બન્યું છે. મંગળવારે સાંજે કલેક્ટર (Collector) આર.આર.રાવલ દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાની તમામ શાળાઓમાં, ટ્યુશન ક્લાસિસમાં (School Tuition Classes) ખાસ આરોગ્યની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે તમામ બાળકો, વિદ્યાર્થીઓનું હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવશે. વધુમાં ઔદ્યોગિક એકમોમાં તપાસ માટે ખાસ ટીમોની રચના કરવામાં આવી છે. જે પ્રત્યેક ઔદ્યોગિક એકમોનું ચેકિંગ હાથ ધરશે. સાથે સાથે પોલીસ વિભાગ, નગરપાલિકા, પંચાયતના અધિકારીઓને પણ તમામ ભીડભાડવાળા વિસ્તારોમાં સઘન ચેકિંગના આદેશો આપવામાં આવી રહ્યા છે.
પ્રવાસન સ્થળો-ધાર્મિક સ્થળો-મોલ-માર્કેટમાં પણ આગામી દિવસોમાં સ્ક્વોડ દ્વારા કોવિડ-૧૯ના નિયમોનું સઘન પાલન કરાવવા અભિયાન હાથ ધરાશે અન્ય રાજ્યમાંથી જિલ્લામાંથી આવતા વ્યક્તિઓનું ફરજિયાત સ્ક્રીનિંગ કરાવવા પણ વલસાડ કલેક્ટર આર.આર.રાવલે અપીલ કરી છે. સાથે ઉમેર્યું કે, શહેર અને જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે, પરંતુ વલસાડ જિલ્લો સરહદી જિલ્લો હોઇ તકેદારી જરૂરી છે.
વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યું, મંગળવારે નવા 4 કેસ નોંધાયા
વલસાડ: વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું હોય એમ મંગળવારે કોરોનાના 4 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. નવા કેસમાં વલસાડ તાલુકામાં 3 અને 1 કેસ વાપીમાં નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 1382 કેસ નોંધાયા છે. જે પૈકી 1214 ને રજા આપી દેવાઈ છે. જ્યારે 15 દર્દી સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગે અત્યાર સુધી કોરોનાના 39080 ટેસ્ટ કર્યા છે. જે પેકી 37798 નેગેટિવ અને 1382 પોઝિટિવ નોંધાયા છે. વલસાડ તાલુકામાં અટગામ ચાર રસ્તા 50 વર્ષ પુરુષ, વલસાડ ઓમકાર એપાર્ટમેન્ટ 48 વર્ષ પુરુષ, કાજણ રણછોડ 50 વર્ષ પુરુષ અને વાપી અંબામાતા મંદિર 80 વર્ષ પુરુષનો સમાવેશ થાય છે. અત્યાર સુધી વલસાડમાં 540, પારડીમાં 194, વાપીમાં 410, ઉમરગામમાં 119, ધરમપુરમાં 53 અને કપરાડામાં 66 કેસ થયા છે.
નવસારી જિલ્લામાં કોરોના વકર્યો, 2 કેસ નોંધાયા
નવસારી : નવસારી જિલ્લામાં વધુ 2 નવા કોરોના પોઝિટિવ કેસ મળી આવતાં જિલ્લામાં કુલ 1591 દર્દી નોંધાયા છે.નવસારી જિલ્લામાં કોરોનાના કેસો નોંધવાનું યથાવત છે. નવસારી જિલ્લામાં મંગળવારે કોરોના નવા 2 કેસ નોંધાયા છે. જે પૈકી 1 કેસ નવસારી અને 1 એક ચીખલીમાં નોંધાયો છે. જેમાં નવસારી તાલુકાના કબીલપોર ગામે ઈશ્વર દર્શન સોસાયટીમાં રહેતા યુવાન અને ચીખલી તાલુકાના સાદડવેલ ગામે ગામતળ ફળિયામાં રહેતા મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
નવસારી જિલ્લામાં મંગળવારે કુલ 472 સેમ્પલ એકત્ર કરાયાં હતાં. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 147173 સેમ્પલ એકત્ર કરાયાં છે અને તેમાંથી 145110 સેમ્પલ નેગેટિવ નીકળ્યાં હતાં. જો કે, અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 1591 કોરોનાના કેસો નોંધાયા હતા. જ્યારે આજે 1 કોરોના પોઝિટિવ દર્દીએ કોરોનાને માત આપતાં જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1477 દર્દીને સાજા થતાં રજા આપવામાં આવી છે. જ્યારે કોરોનાને કારણે મૃત્યુ પામેલાઓની કુલ સંખ્યા 102 ઉપર પહોંચી છે. જો કે, નવસારી જિલ્લામાં હાલ કોરોનાના કુલ 12 દર્દી સારવાર હેઠળ છે.