વલસાડ: રાજ્ય સરકાર દ્વારા વલસાડ (Valsad) જિલ્લા પંચાયતનું ૧૫માં નાણાંપંચ અંતર્ગત વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨નું રૂા. ૧૫૯૬.૪૦ લાખનું બજેટ (budget) મંજૂર કરવામાં આવ્યું છે. આ બજેટ હેઠળ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે કુલ રૂા. ૫૧૫.૧૦ લાખની ફાળવણી કરવામાં આવી છે, જે અનુસાર પ્રાથમિક શાળામાં ૩૨ નવા ઓરડા માટે રૂા. ૨૫૬ લાખ અને ૭૩ જેટલી પ્રાથમિક શાળમાં ખૂટતી સુવિધા જેવી કે પાણી, શૌચાલય અને મધ્યાહન ભોજન યોજનાના શેડ વગેરે માટે રૂા. ૨૫૯.૧૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે. પંચાયત વિભાગ માટે જિલ્લાની ૧૧ જેટલી ગ્રામ પંચાયતો માટે રૂા. ૧૫૪ લાખ અને ૭ ગ્રામ પંચાયતમાં ખૂટતી સુવિધા માટે રૂા.૨૭.૪૦ લાખ મંજૂર કરવામાં આવ્યા છે. જિલ્લાની નવી ૧૮ આંગણવાડી માટે રૂા. ૧૨૬ લાખ અને ૫૯ આંગણવાડીમાં ખૂટતી સુવિધા માટે રૂા. ૫૩.૮૦ લાખ ફાળવવામાં આવ્યા છે.
આરોગ્ય ક્ષેત્રે જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો માટે ખૂટતી પાયાની સુવિધા માટે રૂા. ૩૦ લાખની ફાળવણી કરવામાં આવી છે. સિંચાઇ ક્ષેત્રે જિલ્લાના ૪૫ ચેકડેમો માટે રૂા. ૨૬૦.૭૦ લાખની ફાળવણી કરવામાં આવી છે. જિલ્લામાં સ્વચ્છતા મિશન અંતર્ગત ૩૬ જેટલા કચરાના વાહન તથા સાધન માટે રૂા. ૨૯૦.૨૦ લાખની ફાળવણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ, જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરૂવાની અને જિલ્લા પંચાયતના સભ્યોના સહિયારા પ્રયાસોથી જિલ્લાનું દરેક વિભાગો માટે આ બજેટમાં સંતુલિત આયોજન કરવામાં આવ્યું છે.
આશ્રમશાળા-છાત્રાલયો માટે રૂા. 100 લાખ મંજૂર
વલસાડ જિલ્લા પંચાયત સંચાલિત ધરમપુર તાલુકાની ગડી અને કપરાડા તાલુકાની ગીરનારા આશ્રમશાળા માટે નવા ઓરડાઓ અને છાત્રાલય માટે રૂા. ૧૦૦ લાખ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લાની ૨૪ ગ્રામ પંચાયતોના મકાન પર સોલાર રૂફ ટોપ માટે રૂા. ૩૯.૨૦ લાખ મંજૂર કરવામાં આવ્યા છે.
નવસારીમાં જિ.પં.ની સામાન્ય સભા વિદ્યાર્થીઓને આપાયેલા બુટ-મોજા બાબતે ગરમાઈ
નવસારી જિલ્લા પંચાયતની યોજાયેલી સામાન્ય સભા બુટ-મોજા બાબતે ગરમાઈ હતી. સાથે જ વિપક્ષે વિકાસના કામોમાં ભેદ થતો હોવા બાબતે વાંધો પણ ઉઠાવ્યો હતો.સોમવારે બપોરે નવસારી જિલ્લા પંચાયતના સભાખંડમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહીરની અધ્યક્ષતામાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા ભાજપના સભ્યોને ગ્રાન્ટની વધુ રકમ આપવા બાબતે વાંધો ઉઠાવ્યો હતો.
બીજી તરફ સરહદીય ગામોમાં અને કોંગ્રેસીઓના ગામોમાં વિકાસના નામે માત્ર બણગાં જ ફૂંકાઈ રહ્યા છે. પરંતુ એકપણ કામો થતાં ન હોવાના આક્ષેપો કર્યા હતા. ત્યારબાદ વિપક્ષે વિદ્યાર્થીઓને આપવામાં આવેલા સાઈઝ વિનાના બુટ-મોજા બાબતે શાસકો ઉપર ચઢાઈ કરતા સભા ગરમાઈ હતી. સાથે જ જિલ્લા શિક્ષન અધિકારીને ઠપકો પણ આપ્યો હતો. સામાન્ય સભામાં પ્રમુખ ભીખુભાઇ અહિરે ચીખલી તાલુકાની રૂમલામાંથી આંબાપાડા અને શ્યાદા ગ્રામપંચાયતનું વિભાજન કરી પ્રધાનપાડા અલગ ગ્રામપંચાયત બાબતે કરેાલ ઠરાવને મંજૂરી આપવા જણાવ્યું હતું.