Dakshin Gujarat

વલસાડ જિલ્લો જળબંબાકાર, ઔરંગા નદીમાં ઘોડાપૂર, 600 લોકોનું સ્થળાંતર, 128 માર્ગ બંધ

વલસાડ : વલસાડ જિલ્લામાં શનિવારથી શ્રીકાર થયેલા અનરાધાર વરસાદને લઈ જિલ્લાની નદીઓ, ખાડાઓમાં ભારે પૂર આવ્યા છે. નાના નીચા કોઝવે કે નાના પુલ ઉપરથી પાણી વહેતું હોઈ અગમચેતીના પગલાં રૂપે તંત્ર દ્વારા 128 માર્ગને બંધ કરાયા હતા. તો કેટલાક સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ધરમપુર અને કપરાડા તાલુકાની નદી, ખાડીઓમાં પૂર આવતા આવાગમન ઠપ થયો છે.

  • નીચાણવાળા વિસ્તારમાંથી 600 લોકોનું સ્થળાંતર, 128 માર્ગ બંધ કરાયા
  • ધરમપુર અને કપરાડા તાલુકાની નદી, ખાડીઓમાં પૂર આવતા આવાગમન ઠપ થયો
  • કોસંબામાં આપાર વિસ્તારમાં ઔરંગા નદી અને દરિયાનું પાણી ફરી વળતા પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ
  • વલસાડમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી
  • મધુબન ડેમમાંથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડાતા દમણગંગા નદીના નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા

વલસાડમાં ઔરંગા નદી બંને કાંઠે વહેતા શહેરના નીચાણવાળા વિસ્તાર ગણાતા કાશ્મીરા નગર અને બરૂડિયાવાડમાંથી શનિ અને રવિવારે કુલ 600 લોકોનું સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયું હતું. ઉપરાંત વલસાડના નનકવાડા, લીલાપોર, ભાગડાખૂર્દ ગામ અને લો લાઈન એરિયામાંથી પણ લોકોને સ્થળાંતર કરાયા છે. વલસાડના હાલર રોડ, સિવિલ રોડ, કોસંબા ખાતે પણ માર્ગો ઉપર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતાં. કોસંબા ગામમાં આપાર વિસ્તારમાં ઔરંગા નદી અને દરિયાનું પાણી ફરી વળતા પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. મરલા ગામના લાલકા ફળિયા તરફ જતા માર્ગ ઉપર ઔરંગા નદીના પાણી ફરી વળતા માર્ગ બંધ થયો હતો. ધમડાચી વિસ્તારમાં પણ પૂરના પાણી ફરી વળતા લોકોના ઘરના દરવાજા સુધી પાણી આવી ગયા હતા. તો બીજી તરફ વલસાડમાં પરિસ્થિતિને જોતા એનડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે.

કપરાડાના વાડી ગામ ખાતે લેન્સલાઈડની ઘટનાને લઈને તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ છે. મધુબન ડેમમાંથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા દમણગંગા નદીના નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. સાથે જ લોકોને પણ સુરક્ષિત રહેવા માટે અપીલ કરાઈ છે. જિલ્લામાં ૧૨૮ રસ્તા ઓવર ટોપિંગના કારણે બંધ કરવામાં આવ્યા છે. આવા રસ્તા પરથી જીવન જોખમે કોઈ પસાર ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. જોકે બપોર બાદ વરસાદે ઉઘાડ લેતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

ધરમપુરને પાણી પૂરું પાડતો વોટર વર્કસનો કૂવો પણ ડૂબી ગયો
ધરમપુરને પાણી પૂરું પાડતી કુરગામ નજીકની પાર નદી નજીક વોટર વર્કસનો કૂવો પણ ડૂબી ગયો હતો. જોકે વોટર વર્કસ બંધ કરી દેવા તથા ફરજ બજાવતા કર્મચારીઓને પમ્પિંગ સ્ટેશન છોડી દેવા ત્યાંથી સાઇડ થઈ જવાની સૂચના વિભાગ દ્વારા આપી દેવાઈ હતી.

Most Popular

To Top