વલસાડ: (Valsad) વલસાડના બીડીસીએના સરદાર પટેલ સ્ટેડિયમમાં સોમવારે સમાજની પ્રીમિયર લીગ મેચ રમાઈ રહી હતી. દરમિયાન ચાલુ મેચમાં એક યુવાન ફિલ્ડિંગ કરી રહ્યો હતો. અચાનક આ યુવાન ખેલાડી સ્ટેડિયમમાં (Stadium) ઢળી પડતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. તેની તપાસ દરમિયાન હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું ડોક્ટર્સે જણાવ્યું હતું.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ બીડીસીએના સરદાર સ્ટેડિયમમાં મુસ્લિમ પ્રીમિયર લીગની મેચ છેલ્લા બે દિવસથી રમાઈ રહી છે. જેમાં ઈસ્ટ રેલવે યાર્ડ મોટીવાડીમાં રહેતા ઇમરાન રઝીઉલ્લા ખાને હૈદર હન્ટર નામની ટીમ બનાવી હતી. જેમાં ઇમરાન પોતે કેપ્ટન હતો. સોમવારે સવારે સ્ટેડિયમમાં મેચ ચાલુ હતી, જેમાં ઇમરાન ફિલ્ડિંગ ભરી રહ્યો હતો. ત્યારે અચાનક ચાલુ મેચમાં ઇમરાન સ્ટેડિયમમાં જ ઢળી પડતાં લોકો સ્ટેડિયમમાં દોડી ગયા હતા.
ઇમરાનને સ્ટેડિયમમાંથી બહાર લાવીને ખાનગી વાહન મારફતે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે ઇમરાનને મૃત જાહેર કર્યો હતો. ઈમરાનને હાર્ટ એટેક આવવાથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગેની ફરિયાદ વલસાડ સિટી પોલીસ મથકે નોંધાઇ છે. મળતી માહિતી મુજબ ઈમરાન શહેર ભાજપ લઘુમતી મોરચાનો પ્રમુખ પણ હોવાનું જાણવા મળ્યું છે.
જણાવી દઈએ કે રમત દરમ્યાન ખેલાડીઓ અને રમત ગમત સાથે જોડાયેલા લોકોના અચાનક મેદાન પર જ મોત થવાના અનેક કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. ખાસ કરીને ક્રિકેટમાં ખેલાડીઓને માથામાં બોલ વાગવાના કારણે મોત થવાના કિસ્સાઓ પણ ભૂતકાળમાં બની ચુક્યા છે. ત્યારે વલસાડમાં ચાલુ રમત દરમ્યાન યુવા ખેલાડીના મોતથી અન્ય ખેલાડીઓમાં શોકનો માહોલ છે.
વલસાડમાં મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
વલસાડ: વલસાડના હિંગળાજ ગામે નવી વસાહત, આંબાવે આવેલા ક્રિકેટ (Cricket) ગ્રાઉન્ડ પર મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સ્મશાનભૂમિના લાભાર્થે કરાયું છે. મહિલાઓને દરેક ક્ષેત્રે પ્રાધાન્ય મળે તેમજ મહિલાઓ પણ ખેલકૂદમાં રુચિ રાખે તે હેતુસર મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ રાખવામાં આવી હતી. જેમાં ટંડેલ સમાજની 60 ટીમે ભાગ લીધો છે. સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન મહિલાઓ દ્વારા જ કરાયું છે. જેમાં મહિલા અગ્રણીઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. ટંડેલ સમાજ દ્વારા સૌપ્રથમવાર આવી ટૂર્નામેન્ટ યોજાઈ રહી છે. આ ટુર્નામેન્ટથી થનાર આવક સ્મશાનભૂમિના લાભાર્થે વાપરવામાં આવશે