સુરત: (Surat) દેશમાં આવશ્યક ચીજવસ્તુની કિંમતોમાં સતત થઈ રહેલાં અસહ્ય વધારાના પગલે સામાન્ય પ્રજા ત્રાહિત છે. ત્યારે દક્ષિણ ગુજરાતના વલસાડમાં (Valsad) આજે વિરોધપક્ષ કોંગ્રેસે (Congress) રસ્તા પર ઉતરીને સરકારની નીતિઓ સામે રોષ વ્યક્ત કરી વિરોધ પ્રદર્શન (Protest) કર્યું હતું. વિરોધ કરી રહેલાં કોંગ્રેસના કાર્યકરોને અટકાવવા વલસાડ પોલીસ દોડી ગઈ હતી. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી.
- વલસાડમાં કોંગ્રેસનું મોંઘવારી સામે હલ્લાબોલ
- કોંગ્રેસ કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી કોંગ્રેસની રેલી
- કલેક્ટર કચેરી બહાર કોંગ્રેસીઓએ રામધૂન બોલાવી
- મોંઘવારી અને બેરોજગારીને અંકુશમાં લાવવા કોંગ્રેસે વલસાડ કલેક્ટરને આવેદન સોંપ્યું
છેલ્લાં કેટલાંક મહિનાઓથી મોંઘવારીએ (Inflation) માઝા મુકી છે. દૂધ, દહીં, ઘઉં, ગોળ અને મેગી જેવી ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં અસહ્ય વધારો થયો છે. દરેક ચીજવસ્તુમાં બેથી પાંચ રૂપિયા સુધીનો વધારો થયો છે. ખાદ્ય વપરાશો પર જીએસટી લાગુ પડ્યો ત્યાર બાદથી ભાવ વધ્યા છે. જેના લીધે સામાન્ય ગરીબ પ્રજાને બે ટંકના ભોજન માટે પણ ફાંફાં પડવા લાગ્યા છે. પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો પ્રજા સહન કરી રહી હતી પરંતુ હવે થાળી સુધી મોંઘવારીનો દાનવ પહોંચી જતા લોકો માટે જીવનનિર્વાહ પણ મુશ્કેલ બન્યો છે. મોંઘવારી સામેની આ લડાઈ પ્રજા લડી શકતી નથી, ત્યારે પ્રજા વતી કોંગ્રેસ દ્વારા દેશભરમાં લડાઈ ઉપાડવામાં આવી છે, તેના ભાગરૂપે વલસાડ શહેરમાં આજે કોંગ્રેસ પક્ષના કાર્યકરો દ્વારા મોંઘવારી પર હલ્લાબોલ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. ભાજપ (BJP) સરકાર (Government) સામે કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
વલસાડ કોંગ્રેસના કાર્યકરો સવારે કોંગ્રેસ કાર્યાલય પર ભેગા થયા હતા અને ત્યાર બાદ ત્યાંથી રેલી સ્વરૂપે મોંઘવારી અને બેરોજગારી વિરુદ્ધના સૂત્રોચ્ચાર કરીને કલેકટર કચેરી સુધી ગયા હતા. દરમિયાન પોલીસે રેલી અટકાવવા પ્રયાસ કર્યો હતો. તેથી કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. વલસાડ જિલ્લા કલેક્ટરકચેરી બહાર જ કોંગ્રેસી કાર્યકરોએ રામધૂન શરૂ કરી દીધી હતી. કલેક્ટરને મોંઘવારી તથા બેરોજગારીને અંકુશમાં લાવવા આવેદન આપ્યું હતું. નોંધનીય છે કે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્ય ચીજો પર જીએસટી અમલમાં મુકાયા બાદ દેશભરમાં મોંઘવારી વધી છે, જેના લીધે પ્રજામાં ભારે રોષ વ્યાપી ગયો છે.