વલસાડ: (Valsad) વલસાડ રેલવે સ્ટેશને ગુજરાત ક્વિનના (Gujarat Queen) ડી.12 કોચમાંથી નવસારીની યુવતીનો ફાંસો ખાધેલી (Suicide) હાલતમાં મૃતદેહ મળી આવવાની ઘટનામાં પ્રતિદિન નવી નવી બાબતો બહાર આવી રહી છે. તેમાં હાલ વલસાડ રેલવે સ્ટેશનના સફાઈ કામદારે (Cleaner) તે સફાઈ કરવા કોચમાં ગયો ત્યારે યુવતી રડતી જોવા મળી હતી, તેવો ઘટસ્ફોટ કર્યો છે. જોકે ત્યારબાદ તે અન્ય કોચ સફાઈ કરવાની કામગીરીમાં લાગી ગયો હતો. અડધા કલાક બાદ ટોયલેટ સાફ કરતા સફાઈ કામદારને યુવતી ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી.
- સ્ટેશન પર ક્વિનના કોચની સફાઈ દરમિયાન યુવતીને ડુસકા ભરી રડતી જોઈ હતી : સફાઈ કામદાર
- અડધો કલાક બાદ અન્ય સફાઈ કામદારે યુવતીને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ હતી
- વલસાડ ગુજરાત ક્વિનમાં યુવતીના મોત કેસમાં નવો વળાંક
રેલવે પોલીસ અને સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં ગેંગ રેપનો ભોગ બનેલી નવસારીની યુવતિના ચકચારી કેસમાં નવી બાબત સપાટી ઉપર આવી છે. બે દિવસ અગાઉ જ ટ્રેનમાં ગળે ફાંસો ખાધેલી હાલતનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેના પગ ફ્લોરને અડેલા હોવાનું જોઈ શકાતા રહસ્ય સર્જાયું હતું. જ્યારે હાલમાં ફરી આ કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં વલસાડ રેલવેના સફાઈ કામદારે ગુજરાત ક્વિનના ડી.12 કોચ કે જ્યાંથી ફાંસો ખાધેલી હાલતમાં યુવતી મળી આવી હતી. તે કોચમાં તે સફાઈ કરવા પહોંચ્યો ત્યારે તેણે યુવતીને સીટ પર બેસેલી અને ડુસકા ભરતા રડતી જોઈ હતી, તેને કહ્યું કે, બેન વલસાડ સ્ટેશન આવી ગયું છે, અહીંથી ટ્રેન આગળ નહીં જાય, તેમ જણાવી યુવતીને ઉતરી જવા કહ્યું હતું.
જોકે તેણે કોઈ જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ તે અન્ય કોચમાં સફાઈ કરવા ચાલ્યો ગયો હતો. અડધા કલાક બાદ શૌચાલય સાફ કરતા અન્ય કામદારે કોચમાં યુવતીને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ હતી. સફાઈ કામદારે એમ પણ જણાવ્યું કે, તેણે આ બાબત પોલીસને પણ જણાવી હતી અને પોલીસને સહયોગ પણ આપવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ સૂત્રોના જણાવ્યા મુજબ જે દિવસે ગુજરાત ક્વિનમાં ઘટના બની તે દિવસે ડી.12 નંબરના કોચમાં વલસાડ ઉતરેલા મુસાફરોનું નિવેદન લેવામાં આવે તો પણ માહિતી મળી શકે એમ છે, કે યુવતી એકલી હતી કે કોઈ અન્ય પણ તેની સાથે હતો. કારણકે રેલવે પાસે મુસાફરોના નામનું લિસ્ટ પણ હોય છે.
કામદારનું નિવેદન લીધું છે વધુ વિગત અધિકારી પાસેથી મળશે
વલસાડ જીઆરપી પોલીસ મથકના પીએસઆઇ જે.બી.વ્યાસને આ અંગે પૂછતાં તેમણે સફાઈ કામદારનું આ અંગે નિવેદન લીધું હોવાનું જણાવ્યું હતું. જોકે, વધુ વિગતો વડાઅધિકારી પાસેથી મળી શકશે તેમ કહ્યું હતું.