વલસાડ: (Valsad) વલસાડ જિલ્લા મથક ખાતે આવેલી જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ (Civil Hospital) સુધી દર્દીઓ કે પછી તેમના પરિવારજનોને પહોંચવા સરકારી રાહે કોઈ બસ (Bus) વ્યવસ્થા જ કરવામાં આવી નથી. પરિણામે સિવિલ સુધી પહોંચવા લોકોએ રિક્ષાનું (Rickshaw) મોઘું ભાડું ખર્ચીને કે ખાનગી વાહનમાં પહોંચવું પડે છે. કોરોના કાળમાં પણ દર્દીના પરિવારજનોને પારાવાર સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જે તંત્ર માટે શરમજનક બાબત બની રહી છે.
સૂત્રોના જણાવ્યા મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલ જિલ્લાના અંતરિયાળ કપરાડા, ધરમપુર, ઉમરગામ તાલુકા સહિતના ગરીબ દર્દીઓ માટે વિનામૂલ્યે સારવાર માટેની મહત્વની હોસ્પિટલ છે. જોકે વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર કે પછી સમયાંતરે અહીં આવતા મંત્રીઓએ કે અધિકારીઓએ સિવિલ સુધી બસ સેવા (Service) શરૂ કરવા કોઈ કાર્યવાહી નહીં કરતા ધરમપુર, કપરાડા, ઉમરગામ, પારડી કે પછી આહવા ડાંગ કે મહારાષ્ટ્રથી આવતા દર્દીઓ કે પછી તેમના સ્વજનો માટે એસ.ટી ડેપો કે રેલવે સ્ટેશન કે હાઇવે ચાર રસ્તાથી સિવિલ હોસ્પિટલ સુધી પહોંચવા કે વલસાડ એસ.ટી ડેપોથી સિવિલ પહોંચવા રીક્ષાનું 50થી100 રૂ.ભાડું ખર્ચવું પડે છે. અથવા પોતાનું વાહન લઇ આવવાની ફરજ પડે છે. જે ગરીબ દર્દીઓ માટે અત્યંત મુશ્કેલભર્યું બની રહી છે. જો એસ.ટી ડેપોથી અને રેલવે સ્ટેશનથી સિવિલ હોસ્પિટલ સુધીની બસ સેવા શરૂ થાય તેવી લાગણી માંગણી લોકો દ્વારા કરાઈ રહી છે.
મહત્વની બે કચેરી પણ આજ માર્ગ ઉપર ખસેડી દેવાઈ
વલસાડ જિલ્લાના લોકો માટે મહત્વની પ્રાયોજના વહીવટદાર કચેરી, તકેદારી કચેરી પણ બહુમાળી બિલ્ડીંગથી ખસેડી સિવિલ હોસ્પિટલની બાજુમાં બનેલા નવા અદ્યતન મકાનમાં શરૂ કરાઇ છે. જોકે ધરમપુર, કપરાડા, ઉમરગામ તાલુકાના લોકો માટે વિવિધ સરકારી યોજનાઓ માટે મહત્વની કચેરી શહેરથી દૂર ખસેડી દેવાતા અરજદારોએ ખાનગી વાહનો ભાડે કરી વાહનો કે બસોમાં બેસી રિક્ષાનું મોંઘું ભાડું ખર્ચવું પડે છે.
બીલીમોર-ગણદેવી આરોગ્ય વિભાગ દ્વારા રેલવે સ્ટેશન અને એસટી ડેપો ઉપર મુસાફરોનું ચેકિંગ
બીલીમોરા: બીલીમોરા અર્બન હેલ્થ સેન્ટરનાં ડો.રાજેન્દ્ર ગઢવી, ડો. નિરાલી નાયક અને ગણદેવી આરોગ્ય વિભાગના સુપરવાઈઝર પ્રકાશ પટેલની દેખરેખ હેઠળ રેલવે સ્ટેશન અને એસટી ડેપો ઉપર મહારાષ્ટ્ર તરફથી આવતા મુસાફરોનું સ્ક્રિનિંગ હાથ ધરાયું હતું. આરોગ્યની ટીમે અનેક મુસાફરોનું થર્મલ ગન વડે ટેમ્પરેચર ચકાસણી, માસ્ક અવરનેશ અને સેનિટાઈઝેશન કરાયું હતું. દિવસભરની ડ્રાઈવ બાદ પણ કોઈ શંકાસ્પદ કેસ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. સાવચેતી અને તકેદારીનાં ભાગ રૂપે રોજે રોજ સ્કીનિંગ પ્રક્રિયા હાથ ધરાશે. જેથી કોરોનાનું સંક્રમણ અટકાવી શકાય.