Gujarat

વલસાડ સિટી પોલીસ દ્વારા આંતરરાજ્ય ઘરફોડ ચોરી ગેંગનો આરોપી ઝડપાયો

60થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો આરોપી કર્ણાટકથી ઝડપાયો.

વલસાડ સિટી પોલીસે એક મોટી સફળતા મેળવતા મણીબાગ સોસાયટી ખાતે થયેલી ઘરફોડ ચોરીના કેસમાં નાસતા-ફરતા આંતરરાજ્ય ગેંગના આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપીનું નામ મંજુનાથ ઉર્ફે માંજા કેલકરે એશ્વરપ્પા કેલકરે છે, જે કર્ણાટકનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા મુજબ, આ આરોપી 60 થી વધુ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો છે.

આ ઘટના તા.29 એપ્રિલ, 2025 ના રોજ બની હતી, જ્યારે મણીબાગ સોસાયટીના બંગલો નંબર 127 માંથી ટાઈટન કંપનીની રૂ. 10,000ની ઘડિયાળ અને પાર્કિંગમાં રાખેલી રૂ. 2,00,000ની સ્કોડા રેપિડ કાર (રજીસ્ટ્રેશન નંબર GJ-11-AB-6552) ની ચોરી થઈ હતી. આ મામલે ફરિયાદી દેવાનંદ લાખાભાઈ છુછળે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

જેમાં વલસાડ સિટી પોલીસ ઈન્સ્પેક્ટર ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળની આસપાસ અને નેશનલ હાઈવે 48 પરના 150થી વધુ કેમેરા ફૂટેજ તપાસ્યા હતા. આ તપાસના આધારે, સૌપ્રથમ મુંબઈ (મહારાષ્ટ્ર)ના આરોપી મલંગ સૈયદ શેખને ચોરાયેલા મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો.

ત્યારબાદ વોન્ટેડ આરોપી મંજુનાથ ઉર્ફે માંજા કેલકરે વિશે માહિતી મળી હતી કે તે કર્ણાટક છોડીને દિલ્હી અને ઉત્તર પ્રદેશ તરફ નાસતો-ફરતો હતો. પોલીસે આંતરરાજ્ય પોલીસ સાથે સંકલન સાધીને અને અગાઉ પકડાયેલા આરોપી મોહમ્મદ ઈબ્રાહિમ ઉર્ફે સોહેલ મોહમ્મદ સઈદ પાસેથી મેળવેલી માહિતીના આધારે આરોપીને પકડવા માટે કાર્યવાહી કરી.

આખરે, આરોપી દિલ્હીથી કર્ણાટક પરત જઈ રહ્યો હતો ત્યારે કર્ણાટક પોલીસની મદદથી તેને પકડી પાડવામાં આવ્યો.

પોલીસે આરોપી પાસેથી 9 તોલા સોનું અને જયનાગર પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલી કાર (રજીસ્ટ્રેશન નંબર KA03NG1634) પણ રિકવર કરી છે. આરોપીને ટ્રાન્ઝિટ વોરંટના આધારે શિવમોગ્ગા (કર્ણાટક) થી વલસાડ લાવવામાં આવ્યો છે.

Most Popular

To Top