વલસાડ: આ વર્ષે ચોમાસા દરમિયાન વલસાડમાં (Valsad) અનરાધાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે વલસાડમાં એક પછી એક બિલ્ડીંગના સ્લેબો (building Slab collapsed) તૂટી પડવાની ઘટનાઓ બની રહી છે. બે દિવસ પહેલા જ વલસાડના તિથલ રોડ વૃંદાવન એપાર્ટમેન્ટની ગેલેરી તૂટી પડી હતી. ત્યાર બાદ આજે અત્યંત જર્જરીત બનેલા એપાર્ટમેન્ટને વલસાડ નગરપાલિકાની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. માત્ર 10 સેકન્ડની અંદર જ બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટના ચર્ચાનો વિષય બની હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડના તિથલ રોડ સ્થિત 4 માળનું વૃંદાવન એપાર્ટમેન્ટ અત્યંત જર્જરીત બની ગયું હતું. બે દિવસ અગાઉ જ આ એપાર્ટમેન્ટની ગેલેરી તૂટી પડી હતી. તે એપાર્ટમેન્ટ સ્થાનિકો અને જાહેર લોકો માટે જોખમી જણાતાં વલાસાડ નગરપાલિકાએ ગતરોજ સોમવારે તોડી પાડવાની નોટિસ આપી હતી.
ત્યાર બાદ આજે નગરપાલિકા બિલ્ડીંગને તોડી પાડવાની કામગીરી શરૂ કરતાં પહેલા બિલ્ડીંગના રહેવાસી અને સ્થાનિકોની સાથે જ રાહદારીઓને બિલ્ડીંગથી દૂર રહેવા માટે સૂચના આપી. રાહદારીઓ માટે રસ્તો બંધ ર્ક્યો અને બિલ્ડીંગનું વીજ કનેક્શન કટ ર્ક્યુ હતું અને મીટર કાઢ્યું હતું. ત્યાર બાદ બિલ્ડીંગના પીલર પર પ્રહાર ર્ક્યો હતો.
બિલ્ડીંગના પીલર પર પ્રહાર કરવામાં આવતાં તે માત્ર 10 સેકન્ડની અંદર જ ધરાશાયી થઈ ગયું હતું. આ બિલ્ડીંગ આટલાં જલ્દી ધરાશાયી થશે તેનો અંદાજો પાલિકાને પણ ન હતો. આ બિલ્ડીંગ તોડવાની સમગ્ર ઘટના સ્થાનિકોએ કેમેરામાં કેદ કરી હતી.
જુનાગઢમાં એક માળનું મકાન ધરાશાયી
જુનાગઢમાં એક માળનું એક મકાન ધરાશાયી થયા હોવાની ઘટના બની છે. આ મકાનના કાટમાળ નીચે 4 લોકો દટાયા છે. દટાયેલા લોકોને બચાવવા માટે પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ઘટના સ્થળ પર અફરાતફરીનો માહોલ છે.
જુનાગઢના કડિયાવાડ વિસ્તારમાં આવેલું એક માળનું એક મકાન જમીનદોસ્ત થયું છે. કડિયાવાડ વિસ્તારમાં શાક માર્કેટ નજીકનું આ મકાન આજે બપોરે એકાએક પડી ગયું હતું. મકાનના કાટમાળની નીચે 4 લોકો દબાયા હોવાની આશંકા છે. પોલીસ અને ફાયર બ્રિગેડ હાલ લોકોની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી કરી રહ્યું છે.
સ્થાનિકો પાસેથી મળતી વિગત અનુસાર દાતાર રોડના આ મકાનની નીચે દુકાનો હતી. આ વિસ્તારમાં શાકમાર્કેટ હોવાના લીધે હંમેશા ભારે ભીડ રહેતી હોય છે. મકાન પડ્યું ત્યારે પણ અહીં ભીડ હતી. હાલ કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. કાટમાળને હટાવવા માટે જેસીબીની મદદ લેવી પડી છે.