વલસાડ: (Valsad) વલસાડ નજીક ગુંદલાવ જીઆઇડીસીમાં દારૂના (Alcohol) ધંધાર્થીઓ પાસે રૂપિયા 1 હજારની લાંચ લેવા ગયેલા રૂરલ પોલીસ મથકના જીઆરડી (GRD) જવાનને એસીબીની ટ્રેપની ગંધ આવી જતાં તે રૂપિયા 1 હજાર લઇ બાઇક હંકારી ફરાર થઇ ગયો હતો. જે એસીબીના સંકંજામાં આવ્યો ન હતો. જેને લઇ એસીબીની ટ્રેપ અધુરી રહી ગઇ હતી.
- દારૂ વેચાણનો હપ્તો લેવા ગયેલો જીઆરડી લાંચના છટકામાંથી ભાગી છૂટ્યો
- વલસાડ રૂરલનો જીઆરડી જવાન ગુંદલાવ જીઆઇડીસીમાં રૂપિયા 1 હજારનો હપ્તો લેવા ગયો હતો
- એસીબીએ ટ્રેપ ગોઠવી, પરંતુ પૈસા લઇ ભાગી જતાં એસીબીએ વોન્ટેડ જાહેર કર્યો
એસીબી સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ રૂરલ પોલીસ મથકનો જીઆરડી જવાન પ્રતિક દિલીપ પટેલ (રહે.ગોરવાડા, વલસાડ)એ ગુંદલાવ જીઆઇડીસી પ્લોટ નં.5 માં એક વ્યક્તિ પાસેથી દારૂનો ધંધો કરે છે, કહી રૂપિયા 1 હજારનો હપ્તો માંગ્યો હતો. જે અંગે એ વ્યક્તિએ એસીબીને જાણ કરી દીધી હતી. ત્યારે એસીબીએ આ અંગે છટકું ગોઠવ્યું હતુ. જેમાં એસીબીએ રૂપિયા 1 હજારની નોટ ફરિયાદીને આપી હતી અને પ્રતિકને જીઆઇડીસીમાં બોલાવ્યો હતો. જ્યાં તેણે ફરિયાદી પાસેથી રૂપિયા 1 હજાર લાંચના સ્વીકારતા એસીબીની ગંધ આવી ગઇ હતી અને તે બાઇક લઇ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જેના પગલે એસીબીની ટ્રેપ અધૂરી રહી ગઇ હતી. આ બનાવ સંદર્ભે એસીબીએ પ્રતીક વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેને વોન્ટેડ જાહેર કર્યો છે.
વલસાડની એસબીઆઈના એટીએમની નીચેથી સાપનું રેસ્ક્યુ કરાયું
વલસાડ : વલસાડના ધરમપુર રોડ ઉપર આવેલા એસબીઆઇ એટીએમના કેબિનમાં સાપ ઘુસી ગયો હતો. જેને એનિમલ સેવિંગ ગ્રુપના સભ્યોએ રેસ્ક્યુ કરીને સાપને ઝડપી પાડ્યો હતો. ધરમપુર રોડ પર આવેલી જૂની બહુમાળી બિલ્ડીંગના ગેટની બાજુમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનું એટીએમ આવેલું છે. એટીએમ મશીનની કેબિનમાં એક સાપ ઘૂસી ગયો હતો. જે સાપને ATMના સિક્યુરિટી ગાર્ડે જોતા તેણે તેના ઉપરી અધિકારીને તાત્કાલિક જાણ કરી હતી. બેંકના અધિકારીઓ એટીએમ મશીન પર દોડી આવ્યા હતા. વલસાડની એનિમલ રેસ્ક્યુ ટીમના નિશ્ચય રાઠોડ, જતીન પટેલ અને જીગર રાઠોડને જાણ કરી રેસ્ક્યુ ટીમે કલાકોની ભારે જહેમત બાદ એટીએમ મશીન નીચે સંતાયેલા સાપને પકડી લેતા સિક્યુરિટી ગાર્ડ અને એટીએમમાં પૈસા ઉપાડવા આવનારાઓએ રાહતનો શ્વાસ લીધો હતો.