વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં વર્ષ 2022ના ચોમાસાએ (Monsoon) દસ્તક દીધી છે. શનિવારે મળસ્કે જિલ્લાના બે તાલુકા વલસાડ અને કપરાડામાં વરસાદી (Rain) ઝાપટા શરૂ થયા હતા. જેમાં વલસાડમાં ભારે વરસાદના કારણે રેલવેના અન્ડર પાસમાં પાણી પણ ભરાઇ ગયા હતા. આ વર્ષે બ્રહ્મમુર્હૂતમાં વરસાદ પડતાં એકંદરે ચોમાસુ સારું રહે એવું લાગી રહ્યું છે. બીજી તરફ નવસારીમાં આજે વાતાવરણમાં પલટો આવતા વરસાદનું આગમન થયું હતું. જેથી રસ્તાઓ ભીના થયા હતા. કેટલાક લોકો વરસાદથી બચવા છત્રી અને રેઇનકોટ પહેરી બહાર નીકળ્યા હતા. નવસારીમાં વરસાદ પડતા મહત્તમ તાપમાન 2 ડિગ્રી ગગડ્યું અને લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી વધ્યું હતું.
વલસાડમાં શનિવારે સવારે 4 થી 6 વાગ્યાના બે કલાકમાં જ 14 મિમિ જેટલો વરસાદ પડી ગયો હતો. જોકે, ત્યારબાદ વલસાડમાં વરસાદે વિરામ લીધો હતો. મળસ્કે પડેલા વરસાદને લઇ વલસાડમાં કાળઝાળ ગરમીથી લોકોને રાહત થઇ હતી. શનિવારે સવારથી જ વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઇ હતી અને પ્રથમ વરસાદની માટીની સોડમ પ્રસરી ગઇ હતી. બીજી તરફ જિલ્લાના જંગલ વિસ્તાર ગણાતા કપરાડા તાલુકામાં પણ મળસ્કે 4 વાગ્યેથી વરસાદી ઝાપટા શરૂ થયા હતા. જોકે, કપરાડામાં મળસ્કે 2 મિમિ બાદ વરસાદે વિરામ લીધો અને પછી સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન ફરીથી વરસાદી ઝાપટા પડતા 2 મિમિ વરસાદ નોંધાયો હતો. વલસાડ અને કપરાડા સિવાય જિલ્લામાં અન્યત્ર વરસાદ નોંધાયો ન હતો.
પહેલાં જ વરસાદમાં પ્રિમોન્સૂનની પોલ ખૂલી ગઈ
ચોમાસાની શરૂઆત પહેલાં જ વહીવટી તંત્રના આદેશને પગલે તમામ વિભાગ સાવચેતીના પગલાં રૂપે પ્રિમોન્સૂન કામગીરી આટોપી લે છે. જોકે, વલસાડના તિથલરોડ જીઈબી ઓફિસ સર્કલ દ્વારા ચોમાસા પહેલાં કોઈ જ પ્રકારની પ્રિમોન્સૂન કામગીરી થઈ નથી, તેની પોલ સિઝનના પ્રથમ વરસાદે જ ખૂલી પાડી દીધી હતી. મળસ્કે 3:45 વાગે વરસાદ શરૂ થયો તરત જ વીજળી ડૂલ થઈ ગઈ હતી. ઉપરાંત કચેરીનો ફોન પણ સાઈડ પર મૂકી દેતાં કોઈ ફરિયાદ સાંભળવા પણ તૈયાર નહોતું.
વલસાડમાં માંડ માંડ બચેલી કેરી જમીન પર, ખેડૂતો ચિંતામાં
વલસાડ: વલસાડ જિલ્લામાં ભારે પવન સાથે અચાનક વરસેલા વરસાદના પગલે કેરીના પાકને નુકશાન થતાં તૈયાર કેરીઓ જમીન ઉપર આવી જતા વાડી માલિકોને આર્થિક નુકશાન પહોચ્યું છે. ચાલુ વર્ષે પ્રતિકૂળ હવામાનને લઈ જિલ્લામાં કેરીનો પાક માંડ 20 થી 25 ટકા જ હોવાનુ ખુદ ખેતીવાડી વિભાગે સરવે બાદ સરકારમાં રિપોર્ટ કર્યો હતો. ત્યારે માંડ બચેલી કેરી પણ વરસાદને લઈ પડી જતાં વાડી માલિકો ચિંતામાં પડી ગયા છે. ચાલુ વર્ષે અગાઉ મંજરી ફૂટવા સમયે ઠંડીમાં વધઘટ, ત્યારબાદ ધુમ્મસ અને ત્યાર બાદમાં માવઠુંને લઈ કેરીની મંજરીને નુકશાન થયું હતું. ત્યારે હાલે ફરી વરસાદને લઈ કેરી નીચે પડી જતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
બીલીમોરામાં પહેલા વરસાદમાં રસ્તા પર પાણી ભરાયા
બીલીમોરા: બીલીમોરામાં શનિવારે મળસ્કે પાંચ વાગ્યે વરસાદની શરૂઆત થતાં ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને આંશિક રાહત પહોંચી હતી. શનિવારે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ બીલીમોરામાં વરસાદી ઋતુ ની શરૂઆત થતાં રસ્તા ઉપર પાણી પાણી થઇ ગયું હતું. અસહ્ય ગરમી અને બફારા બાદ વરસેલા સારા એવા વરસાદને પગલે લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો. બીલીમોરા વાસીઓને સવારે ઉઠતાની સાથે જ ભીની માટીની સુગંધ નો અહેસાસ થતા રોમાંચિત થઇ ગયા હતા. શનિવારે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.