વાપી : વાપી (Vapi) ટાઉન વિસ્તારમાં રહેતા પાંચ મિત્રો (Friends) તેમના અન્ય એક મિત્રનો પારડી હાઈવે (Pardi Highway) પર અકસ્માત (Accident) થતાં તેમની મદદે કારમાં (Car) જઈ રહ્યા હતા. ત્યારે સોમવારની મોડી રાત્રે પારડી બ્રિજ પર પડેલા મસમોટા ખાડામાં કાર પટકાતા તેનું ટાયર ફાટ્યું હતું. જેમાં સ્ટિયરીંગ પર કારચાલકનો કાબૂ નહીં રહેતા કાર ફંગોળાઈ બીજા ટ્રેક પર પટકાતા અકસ્માત થયો હતો. જેમાં એક મિત્રને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે બીજા મિત્રને પણ માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેની હાલત ગંભીર છે. જ્યારે અન્ય મિત્રો સારવાર હેઠળ છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપી ટાઉન વિસ્તારમાં રહેતા ફરિયાદી પ્રદીપ તિવારી તેમના અન્ય મિત્ર કનકસિંહ જાડેજા, શિવમસિંહ રાજપૂત, સ્વપ્નિલ અને આલોકસિંહ સાથે સોમવારે મોડી રાત્રે તેમની કાર નં.જીજે-15-સીજે-8637માં પારડી ઓવરબ્રિજ પાસે તેમના અન્ય મિત્રને અકસ્માત થતાં તેની મદદે જઈ રહ્યા હતા. તે દરમિયાન પારડી ઓવરબ્રિજ પર ભારે વરસાદથી પડેલા મસમોટા ખાડામાં તેમની કાર પટકાતા કારનું ટાયર ફાટયું હતું. જેથી કારના સ્ટિયરીંગ પર ચાલકનો કાબૂ ન રહેતા કાર ફંગોળાઈને બીજા ટ્રેક પર પટકાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર કનકસિંહ જાડેજાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં તેણે સ્થળ પર જ દમ તોડ્યો હતો. જ્યારે આલોકસિંહને પણ માથામાં ઈજા થતાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. કારમાં સવાર અન્ય મિત્રોને પણ નાની મોટી ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે પ્રદીપ તિવારીએ વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
સુબિરના ઘાટમાં મરાઠી પરિવારની બે કાર ખીણમાં ખાબકી
સાપુતારા : ડાંગ જિલ્લાનાં સુબિરથી આહવા તરફ આવી રહેલી ઈકો કાર નં. એમ.એચ.39.એ.જે.0079 તથા સેલેરીયો કાર નં. એમ.એચ.18.બી.એક્સ.1062 સુબિરથી આહવાને જોડતા રાજ્યધોરી માર્ગનાં સુબિર નજીક દોઢ કિલોમીટરનાં ઘાટમાર્ગમાં ખીણમાં ખાબકતા ઘટના સ્થળે ગંભીર ડબલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં બન્ને વાહનોમાં સવાર મરાઠી પરિવારોને નાની મોટી ઈજા પહોચતા સ્થળ પરથી પસાર થતા વાહનચાલકોએ રેસ્ક્યુ કરી આ તમામને તાત્કાલિક સારવારનાં અર્થે સુબિર સામુહિક કેન્દ્રમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. આ અકસ્માતનાં બનાવમાં ઈકો ગાડી સહિત સેલરીયો કારને જંગી નુકસાન થયુ હતુ.