વલસાડ: (Valsad) વલસાડ નજીકના બોદલાઇ ગામે રોડ (Road) પર કેટઆઈ લગાવવાનું કામ કરતા માર્ગ મકાન વિભાગના કામદારને એસટી બસે અડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો. જેના પગલે કોન્ટ્રાક્ટ કામદારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ.
- વલસાડમાં બસની અડફેટે માર્ગ મકાન વિભાગના કોન્ટ્રાક્ટ કામદારનું મોત
- ધરમપુર માર્ગ પર કેટઆઈ લગાડવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે બની ઘટના
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ નજીકના બોદલાઇ ગામે રોડ પર ધરમપુર માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ પર કેટાઆઈ લગાવવાનું કાર્ય ચાલી રહ્યું હતુ. એ દરમિયાન ત્યાંથી પસાર થતી એક એસટી બસના ચાલક વિજયકુમાર જીવણભાઇ પટેલે બસના સ્ટિયરીંગ પર કાબુ ગુમાવી રોડ પર કાર્યરત એવા દોલતસિંહ પ્રભાતસિંહ ચાવડા (ઉ.વ.38)ને અડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો. જેમાં મૂળ ખેડા રહેતા અને હાલ પીડબલ્યુડી ઓફિસ ધરમપુર ખાતે રહેતા દોલતસિંહનું ગંભીર ઇજાના કારણે મોત નિપજ્યું હતુ. આ ઘટનાના પગલે આરએનબી ઓફિસના હર્ષદ સોલંકીએ વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે બનાવ સંદર્ભે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કપરાડા નાશિક માર્ગ ઉપર કેમિકલ પાવડર ઠલવાયો
કપરાડા નાશિક માર્ગ ઉપર મૂળગામ ઘાટ નજીક માર્ગની બાજુમાં કોઈએ સંભવત: કેમિકલ પાવડર જેવો પદાર્થ ખાલવી જતાં અનેક તર્ક વિતર્ક ઊભા થયા છે. હવાના કારણે પાવડર દૂર દૂર સુધી પહોંચી ચૂક્યો છે. ભૂતકાળમાં પણ આ માર્ગ ઉપર કેમિકલ યુક્ત પાણી ટેન્કર દ્વારા ખાલી કરવાની ઘટના બની હતી. થોડા સમય બંધ રહ્યા બાદ ફરી આ પ્રવૃતિ શરૂ થઈ છે. ત્યારે સંબંધિત વિભાગ દ્વારા આ મુદ્દે તપાસ થાય તે જરૂરી છે.