પારડી: (Pardi) પારડી તાલુકાના તિઘરા ગામે મામી અને ત્રણ વર્ષીય ભાણેજ ઉંડી ખીણમાં (Valley) પડી જતાં મોતને ભેટ્યા હતા. દમણ મોહનગામ ફાટક ખાતે પરણેલી અનિતાબેન હળપતિનો તેના પતિ સાથે અણબનાવ બનતા તેની ત્રણ વર્ષીય બાળકી વિદિશા વિલાસ હળપતિને લઈ પારડીના તિઘરા ગામે ડુંગરી ફળિયા ખાતે પિયરમાં રહેતી હતી. મકરસંક્રાંતિનો તહેવાર હોવાથી વિદિશાના મામા-મામી (Uncle Aunty) ઘરે હતા. ત્યારે આ બનાવ બન્યો હતો.
- પારડીના તિઘરાની ખીણમાં ખાબકતાં મામી – ભાણેજના મોત
- મામી અને ભાણી ખીણની બાજુમાં સાંકડા રસ્તા પરથી પસાર થતાં ખીણમાં પડી ગયા
સાંજે પાંચેક વાગ્યે વિદિશા રડવા લાગી હતી, જેથી તેની મામી સુમિત્રાબેન વિદિશાને લઈ ગામમાં આવેલી દુકાનમાં લઈ ગયા હતા. ત્યાંથી તેઓ વડાપાઉં લઈ ઘરે આવવા ખીણની બાજુમાંથી પસાર થતાં પગપાળા રસ્તે નીકળ્યા હતા. ત્યારે આ રસ્તો સાંકડો હોવાથી મામી અને ભાણેજ ઉંડી ખીણમાં પડી ગયા હતા. મોડી સાંજ સુધી મામી-ભાણેજ ઘરે નહીં આવતા પરિવારે તેઓની શોધખોળ હાથ ધરી હતી. સવારે ખીણના પાણીમાં મામીનો મૃતદેહ મળી આવ્યો હતો અને વિદિશાની પાણીમાં શોધખોળ બાદ તેનો પણ મૃતદેહ મળી આવતા પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. આ અંગે પારડી પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
પારડી પાલિકાના સેનેટરી વિભાગના માજી હેડનું હૃદયરોગના હુમલાથી નિધન
પારડી : પારડી નગરપાલિકા સેનેટરી વિભાગના માજી હેડ ઈકબાલ ઉર્ફે અનવર મલેકનું સોમવારે સવારે હૃદયરોગના હુમલાથી નિધન થતાં પરિવાર તેમજ પારડી નગરમાં અને મુસ્લિમ સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. તેઓને સવારે અચાનક ખાસી આવતા સાથે તબિયત લથડતા તાત્કાલિક પારડી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના નિધનના સમાચાર પારડી નગરમાં વાયુ વેગે પહોંચતા પાલિકાના ભાજપ-કોંગ્રેસનાં સભ્યો, હોદ્દેદારો, કર્મચારીઓ, સમાજના અગ્રણીઓ, પારડીનાં અગ્રણીઓ વગેરેએ તેમના ઘરે પહોંચી તેમના પરિવારને સાંત્વના આપી હતી.
દમણમાં પોલીસ કર્મીઓને ગાડીથી કચડી મારી નાંખવાના પ્રયાસમાં આરોપીને 4 વર્ષની સજા
દમણ : દમણમાં ફરજ પર તૈનાત પોલીસ કર્મીઓને ગાડીથી કચડી મારી નાંખવાના પ્રયાસમાં પકડાયેલા આરોપીને કોર્ટે 4 વર્ષની સખત કેદની સજા ફટકારવાનો હુકમ કર્યો છે. ગત 27 ફેબ્રુ. 2018 ના રોજ રાત્રે રાજીવ ગાંધી સેતુ સર્કલ પાસે દમણ પોલીસના પોલીસ કર્મીએ શંકાસ્પદ ગાડીઓની તપાસ કરી રહ્યા હતા. દરમ્યાન પુરપાટ ઝડપે આવી રહેલી કાર નં. DD-03-F-1979 ને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં કારનો ચાલક નીતિન ભીમા પટેલ (રહે.પટલારા-દમણ)એ કારને હંકારીને બેરીગેટ્સ પાસે રોકી કારમાંથી ઉતરી પોલીસ કર્મચારીઓ સાથે ગાળાગાળી કરી દુર્વ્યવહાર કર્યો હતો. એટલું જ નહીં પણ પરત આરોપીએ કારમાં બેસી પોલીસ કર્મચારીઓને કારથી કચડવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં પોલીસ કર્મી હેકો. નીમેશ આહીર અને એએસઆઈ પ્રવિણ માહ્યાવંશીએ છલાંગ લગાવી દેતા તેમને નાની મોટી ઇજા સાથે બચાવ થયો હતો. ત્યારબાદ કાર ચાલક નિતીન ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓને મરવડની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરી આરોપી નીતિન પટેલ સામે મોટી દમણ કોસ્ટલ પોલીસ મથકે ગુનો દાખલ કરી ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર શોહીલ જીવાણીના નેતૃત્વમાં પોલીસ ટીમ બનાવી તપાસ શરૂ કરાવી હતી. જેમાં લગાવેલા સીસીટીવી કેમેરા ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું કે, આરોપી નિતીન પટેલ પોલીસ કર્મચારીઓ સાથે દુર્વ્યવહાર કરી રહ્યો હતો અને તેની કાર વડે પોલીસ કર્મચારીઓને મારી નાંખવાનો પ્રયાસ પણ કર્યો હતો. જે સાબિત થતાં આરોપી નીતિન પટેલની ધરપકડ કરી તેને કોર્ટમાં હાજર કર્યો હતો. તપાસકર્તા પીએસઆઈ ઇલિયાસ મન્સૂરીએ દમણ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જ્યાં આ કેસની સુનાવણી 16 જાન્યુ.2023 ના દિને થતાં કોર્ટના જજ પી.કે. શર્માએ તબીબ સહિત કુલ 9 સાક્ષીઓને સાંભળી આ મામલે આરોપી નીતિન પટેલને 2 વર્ષની તથા કલમ 186 હેઠળ 3 મહિનાની સજા તથા 6,300 રૂપિયાનો દંડ ફટકારવાનો હુકમ કર્યો છે. સમગ્ર કેસ અને સુનાવણીમાં સરકારી વકીલ હરિઓમ ઉપાધ્યાય દ્વારા ધારદાર રજૂઆત કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો.