Charchapatra

વૈષ્ણોદેવી યાત્રા – એક અનુભવ

તા.૧૧/૦૮/૨૫ – સાંજનાં પાંચ વાગ્યે તારકોટરા વાળા નવા માર્ગેમાં વૈષ્ણોદેવી પહાડ પર ચઢવાનો પ્રારંભ કર્યો અને વરસાદની શરૂઆત થઈ. અવિરત પડતા વરસાદમાં રાત્રે બાર વાગ્યે માતાજીના દર્શન કરી બાણગંગા વાળા માર્ગે ઉતરાણ કરી બીજે દિવસે મળસ્કે કટરા હોટલ પહોંચ્યા, ત્યાં સુધી વરસાદ અવિરત ચાલુ હતો. ચઢાણ દરમ્યાન માર્ગમાં બે વાર સાધારણ ભૂસ્ખલન (રસ્તાની બાજુના પહાડ પરથી નાના પથ્થર ગબડવા) નો પ્રત્યક્ષ ડરામણો અનુભવ પણ કર્યો. વૈષ્ણોદેવી યાત્રા માર્ગ (ખાસ કરીને બાણગંગા બાજુના માર્ગ) પર ચોવીસ કલાક યાત્રાળુઓનો પ્રવાહ વહેતો રહે છે અને સતત ભારે વરસાદ દરમ્યાન રસ્તાની બાજુના પહાડ પરથી માટીનું ધોવાણ થવાથી માર્ગ પરના યાત્રાળુઓ પર પથ્થર કે મોટી શીલાઓ ધસી પડવાનું જોખમ રહે છે  – તાજેતરમાં આ પહાડ પર ઘટેલી મોટી દુર્ઘટના આ બાબતનો પુરાવો છે. તેથી ચોમાસા દરમ્યાન (ખાસ કરીને જુલાઈ – ઓગસ્ટ) આ યાત્રા ટાળવી હિતાવહ છે.
છાપરા રોડ, નવસારી          – કમલેશ આર મોદી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

સોના-ચાંદીની તેજીની આગ દઝાડે છે
સોનાના ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ 400 રૂપિયા, ચાંદીના ભાવ 1 લાખ 18000 રૂા.! 27મી ઓગસ્ટના ગુજરાતમિત્ર અખબારના પહેલા પેજ પ્રકટ થયા. વાંચીને ભલભલા લોકોને આંચકો લાગ્યો છે. આ ભાવની ખરીદશક્તિ લોકોમાં સાવ ઘટી ગઇ છે. ઘરાકી પર ખાસ્સી અસર થવાથી દુકાનદારોની પણ ચિંતા વધી ગઇ છે. છતાં પ્રસંગોની ઉજવણી કરવા માટે સુખી સંપન્ન પરિવારના લોકો મર્યાદિત ખરીદી કરીને વહેવાર તહેવાર સાચવી લે છે. બાકી લોકો એ દિશામાં વિચારી પણ શકતા નથી. સમય વર્તે સાવધાન સમજીને વિચારીને સાદાઇથી દાગીના પહેરવાનો મોહ રહ્યો નથી. એ લોકો હલકા વજનવાળા દાગીના પહેરીને રાજી રહે છે. જુની પેઢીના લોકો ચોરી ચપાટીના કારણે પ્રસંગોપાત આભુષણ પહેરીને હાજરી પુરાવી દે છે. બધા દાગીના ઘરના કબાટમા, તિજોરીમાં અથવા બેંકના લોકરમાં કેદ થઇ ગયા છે.
ગોપીપુરા, સુરત – જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top