રાજપીપળા: રાજપીપળા ખાતે વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ મહારાજ ફિલ્મ સામે વિરોધ વ્યક્ત કરતું આવેદનપત્ર નર્મદા કલેક્ટરને આપી આ ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂકવા માંગણી કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતભરમાં “મહારાજ ” નામની ફિલ્મના પ્રદર્શન સામે વૈષ્ણવ સંપ્રદાયના લોકોમાં અલગ અલગ જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે. હાલ આ મુદ્દે હાઇકોર્ટે મનાઈ હુકમ આપ્યો છે. ત્યારે રાજપીપળા વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ પણ ગુરુવારે સમૂહમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને ફિલ્મ મહારાજને કાયમી ધોરણે પ્રતિબંધ મૂકવાની માંગણી કરી હતી.
ફિલ્મમાં પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો સમજ્યા વગર બ્રિટિશ શાસનમાં કોર્ટ દ્વારા એકતરફી નિર્ણય દર્શાવ્યો હોવાનો વૈષ્ણવ સંપ્રદાયોએ આરોપ લગાવ્યો છે તેમજ ઐતિહાસિક તથ્યોને તોડીમરોડી ખોટાં દૃશ્યો બતાવ્યાં હોવાનો અને વૈષ્ણવ મહારાજ વિશે ટિપ્પણી કરી હોવાનો વૈષ્ણવ સંપ્રદાયે આક્ષેપ કર્યો છે. આ ફિલ્મથી વૈષ્ણવ સંપ્રદાયની લાગણીને ઠેસ પહોંચી હોવાથી વિરોધ કરાયો હતો. અને ફિલ્મના રિલીઝ પર પ્રતિબંધ લગાવવા માંગણી કરી હતી.