કારતક માસ એટલે નૂતન વર્ષ, આનંદ નામ સંવત્સરનો પ્રથમ મહિનો અને એમાં સુદ પક્ષમાં પંદરે પંદર તિથિઓમાં તહેવારોની પવિત્રતા સમાયેલી છે. લાભ પાંચમ પછી દિવાળી થોડી ધીમી પડે છે. લાભ પાંચમ તો આ વર્ષે ક્ષય તિથિ હતી સૂર્ય છઠ, જલારામ સાતમ, દુર્ગાષ્ટમી, નારેશ્વરની રંગનાથ નોમ, પ્રબોધિની એકાદશી એટલે દેવઉઠી અગિયારસ, એ વ્રતની એકાદશી છે. લગભગ બધા જ વૈષ્ણવો આ એકાદશીનો ઉપવાસ કરે છે, એ દુ:ખ, પાપને દૂર કરનારી અને આલોકમાં સુખ આપનારી તિથિ છે. મહારાષ્ટ્રમાં પંઢરપુરમાં શ્રી વિઠ્ઠલ દેવની મોટી જગા હોય છે અને હજારોની સંખ્યામાં વારકરીપંથના ભકતો પગપાળા પંઢરપૂર ક્ષેત્રમાં જાય છે.
મહિલાઓ માથા પર તુલસીનો છોડ લઇ જઇ ભગવાનને તુલસી પત્ર ચઢાવે છે. આ એકાદશીથી તુલસી વિવાહ ચાલુ થાય છે અને ચાતુર્માસ પૂર્ણ થાય છે અને આવે છે વૈકુંઠ ચતુર્દશી અને ત્રિપુરારી પૂનમ. આ દિવસે ગગનનો રાજા ચંદ્રમાં સમશિતોષ્ણ વાતાવરણ સાથે ઉજ્જવળ પ્રકાશ કિરણો પાથરે છે. અવની પરના લોકો દેવ દિવાળી ઉત્સવમાં સર્વત્ર તેમના દીવાઓ પ્રગટાવીને રજનીનાથ ચંદ્રમાનું સ્વાગત કરે છે. વૈકુંઠ ચતુર્દશી અને ત્રિપુરારી પૂનમની સાંજ, રાત અદ્ભૂત રૂપાળી અને પરમ સુંદર અને નખશીખ રમણીય લાગે છે.
હવે આ બંને શુભ તિથિઓનું મહત્વ જાણી લઇએ. કાર્તિક સુદ અગિયારસ એટલે ‘વૈકુંઠ ચતુર્દશી’ ભગવાન શંકર અને ભગવાન વિષ્ણુની આ પ્રેરક કથા છે. શ્રી વિષ્ણુએ સંકલ્પ કર્યો હતો કે શ્રી મહાદેવનું પૂજન કરીને તેમને એક હજાર શ્વેત કમળ અર્પણ કરવા. શિવજીનું સ્મરણ કરીને કમળ ચઢાવતા ગયા ત્યારે એક કમળ ઓછું પડયું. ત્યાં કમળ પુષ્પ દેખાયું નહિ. ત્યારે પોતાનું નેત્ર કમળ કાઢીને શિવજીના ચરણે ચઢાવ્યું અને પૂનમ પૂર્ણ કરી. વિષ્ણુની શિવજી પરની નિષ્ઠા અને વિશ્વાસ તથા ભકિત જોઇને શ્રી શંકર અતિ પ્રસન્ન થયા અને સમક્ષ આવીને દર્શન આપ્યું અને શ્રી વિષ્ણુને સુદર્શન ચક્ર આપ્યું અને વરદાન આપતા કહ્યું કે હે હરિ! હું પ્રસન્ન થયો છું.
આ સુદર્શન ચક્ર તારું એવું આયુધ છે એના આધારે તું કોઇ પણ દુષ્ટ શકિત પર સહજતાથી વિજય પ્રાપ્ત કરી શકશે અને વિષ્ણુ ભગવાન ચક્રધારી થયા. શ્રી વિષ્ણુ પ્રાણી માત્રના રક્ષક અને પોષક છે. એ વૈકુંઠવાસી નારાયણ નિત્ય પ્રાત: સમયે શ્રી મહાદેવનું સ્મરણ કરતા હોય છે. આ ઘટના વૈકુંઠ ચતુર્દશીના દિવસે બની હતી. લોકો આ દિવસે ઉપવાસ રાખે છે. શિવની અને શ્રી વિષ્ણુનું પૂજન કરે છે જે હરિહરની પૂજા કહેવાય અને બંને દેવોને સફેદ કમળ પુષ્પ ચઢાવે છે. ત્રિપુરારિ પૂનમ- ત્રિપુરી પૂનમ નામે પ્રસિધ્ધ છે. પૂર્ણ ચંદ્રની પ્રભા પૃથ્વી પર પ્રસરે છે. આકાશ પ્રકાશમાન થઇ જાય છે. આ વ્રતની પૂનમ તરીકે ઉજવાય છે. એની પણ એક પૌરાણિક યુધ્ધ કથા છે.
પુર્નકાળમાં તારકાસુર નામનો એક પ્રબળ રાક્ષસ થઇ ગયો છે. તે શકિતમાન તો હતો જ પણ તપ સાધના કરનારો હતો. તેણે નિરાધાર રહીને બ્રહ્મદેવ પાસેથી વરદાન મેળવી લીધું હતું પણ વરદાનનો ઉપયોગ સારા કામ માટે ન કરતા પોતાના સ્વાર્થ માટે ઇન્દ્ર પદ મેળવવા માટે કરવા લાગ્યો. દેવોને ત્રાસ આપવા લાગ્યો. તેમનો અધિકાર છીનવવા લાગ્યો અને દેવ દાનવોનું વૈભવ લૂંટવા લાગ્યો. ત્યારે સર્વ દેવતાઓએ અને સ્વયં બ્રહ્માજીએ ભગવાન શંકરને પ્રાર્થના કરી કે તારકાસુરનો બંદોબસ્ત કરીને દેવોનું રક્ષણ કરો, તારકાસુર સ્વૈરાચારી બન્યો છે. તારકાસુરનો ઉદ્દામ સ્વભાવ, હીન વૃત્તિ અને દેવો પર કરેલો અન્યાયી ત્રાસ જોતાં શંકર ભગવાને તારકાસુર સાથે યુધ્ધ કરવાનું ઘોષિત કર્યું. એક વિધ્વંસક રાક્ષસ સાથે યુધ્ધ કરવા માટે સાંબ સદાશિવ મહાદેવ સમરાંગણમાં ઉતર્યા.
રાક્ષસ સેના અફાટ હતી. શંકર પોતાના ત્રણ સમુદાય સાથે નંદી પર બેસીને ત્રિશૂળ અને ખડગ લઇને નિકળ્યા. શંકરે અકાળ વિકરાળ રૂપ ધારણ કર્યું તો રાક્ષસો ભયભીત થઇને ભાગવા માંડયા. શંકરે ત્રણ દિવસ સુધી યુધ્ધ કરીને રાક્ષસ સેનાનો વિ:પાત કર્યો અને કારતક સુદ પૂનમે તારકાસુરનો તેજસ્વી ત્રિશુલ વડે વધ કર્યો. દેવોનું વૈભવ દેવોને આપ્યું અને બધાને ચિંતા મુકત કર્યા. દેવોને આનંદ થયો. શંકર ભગવાનની સ્તુતિ કરીને દીપોત્સવ ઉજવ્યો. આ દિવસે શંકર મંદિરમાં દીપમાળા પ્રગટાવવાની હોય છે, કોહળું અને દીપ દાનનું મહત્વ છે અને દેવ દિવાળી ઉત્સવ પ્રથા થઇ.