ભારતીય ક્રિકેટનો યુવા સેન્સેશન વૈભવ સૂર્યવંશી આ વર્ષે તેની ધોરણ ૧૦ ની બોર્ડ પરીક્ષા ચૂકી જશે. તેણે તેના આગામી ટુર્નામેન્ટ કેમ્પ શેડ્યૂલને કારણે પરીક્ષા ન આપવાનો નિર્ણય લીધો છે. વૈભવ તાજપુરમાં મોડેસ્ટી સ્કૂલમાં અભ્યાસ કરે છે અને તેની પરીક્ષાઓ ૧૭ ફેબ્રુઆરીથી ૧૧ માર્ચ સુધી યોજાવાની હતી.
પોતાની વિસ્ફોટક બેટિંગથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધૂમ મચાવી ચૂકેલો વૈભવ સૂર્યવંશી તાજેતરમાં અંડર-૧૯ વર્લ્ડ કપ જીત્યા બાદ બિહાર પરત ફર્યો છે. એવું જાણવા મળ્યું છે કે આગામી ટુર્નામેન્ટની તૈયારી માટે ગોઠવાયેલા કેમ્પને કારણે આ સ્ટાર બેટ્સમેન તેની ધોરણ ૧૦ ની બોર્ડ પરીક્ષા ચૂકી જશે. અંડર-૧૯ વર્લ્ડ કપમાં પોતાની શાનદાર બેટિંગથી બધાને પ્રભાવિત કરનાર વૈભવે તાલીમ, કેમ્પ અને ટુર્નામેન્ટના વ્યસ્ત શેડ્યૂલને કારણે આ વર્ષે તેની બોર્ડ પરીક્ષાઓ છોડી દેવાનો નિર્ણય લીધો છે.
બિહારના તાજપુરનો રહેવાસી વૈભવ તાજપુરની મોડેસ્ટી સ્કૂલમાં અભ્યાસ કરે છે અને તેની પરીક્ષા 17 ફેબ્રુઆરીથી 11 માર્ચ સુધી યોજાવાની હતી. વૈભવ સતત ક્રિકેટમાં વ્યસ્ત રહેવાને કારણે ઘર અને શાળાથી દૂર રહેતો હતો જેના કારણે તેની પરીક્ષાની તૈયારી પર અસર પડી હતી. તાજપુરની મોડેસ્ટી સ્કૂલના ડિરેક્ટર આદર્શ કુમાર પિન્ટુએ જણાવ્યું હતું કે વૈભવનું પરીક્ષા ફોર્મ સબમિટ કરવામાં આવ્યું છે અને તેનું પ્રવેશપત્ર પણ જારી કરવામાં આવ્યું છે. પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલને પરીક્ષા કેન્દ્ર તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે. જોકે વૈભવના પિતા સંજીવ સૂર્યવંશી સાથે ચર્ચા કર્યા પછી નિર્ણય લેવામાં આવ્યો કે તે આ વર્ષે પરીક્ષામાં નહીં બેસે.
સૂર્યવંશીએ અંડર-19 વર્લ્ડ કપમાં ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને હવે IPL 2026માં રાજસ્થાન રોયલ્સ માટે રમશે. અંડર-19 વર્લ્ડ કપમાં વૈભવ ટુર્નામેન્ટનો બીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે સાત મેચમાં ૬૨.૭૧ ની સરેરાશ અને ૧૬૯.૪૯ ના સ્ટ્રાઇક રેટથી ૪૩૯ રન બનાવ્યા જેમાં એક સદી, ત્રણ અડધી સદી અને ૧૭૫ ની શ્રેષ્ઠ ઇનિંગ્સનો સમાવેશ થાય છે.