વૈભવ સૂર્યવંશી આજે તા. 30 મે શુક્રવારના રોજ પટના એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો હતો. આ દરમિયાન વૈભવે પીએમ મોદીના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા હતા.
14 વર્ષના વૈભવે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રોયલ્સ (RR) માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ગુજરાત ટાઇટન્સ (GT) સામેની મેચમાં વૈભવે બેટથી તબાહી મચાવી હતી. વૈભવે તે મેચમાં માત્ર 35 બોલમાં સદી ફટકારી હતી. આ સાથે, વૈભવ IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડી બની ગયો.
પીએમ મોદીએ વૈભવના વખાણ કર્યા
આ મુલાકાત બાદ પીએમ મોદીના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર એક પોસ્ટ મુકાઈ હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈભવ સૂર્યવંશીની બેટિંગ સ્કીલના વખાણ કર્યા હતા. આખો દેશ તેમની બેટિંગ પર ફીદા હોવાનું લખ્યું. આ સાથે વડાપ્રધાન મોદીએ વૈભવને સફળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.
IPL 2025 માં વૈભવ સૂર્યવંશીનું પ્રદર્શન
વૈભવ સૂર્યવંશીએ IPL ની વર્તમાન સિઝનમાં કુલ 7 મેચ રમી. જ્યાં તેણે 252 રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન તેમની બેટિંગ સરેરાશ 36.00 નોંધાઈ હતી. સ્ટ્રાઇક રેટ 206.55 હતો. તેણે કુલ 122 બોલ રમ્યા અને 18 ચોગ્ગા અને 24 છગ્ગા ફટકાર્યા.
આઈપીએલ 2025 વૈભવ માટે યાદગાર
14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ 19 એપ્રિલ 2025ના રોજ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે આઈપીએલની વર્તમાન સીઝનમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે આ મેચના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી અને 20 બોલમાં 34 રન બનાવ્યા. આ જોઈને લખનૌનો બોલર શાર્દુલ ઠાકુર, જે આ ઓવર ફેંકી રહ્યો હતો, તે આશ્ચર્યચકિત થઈ ગયો.
વૈભવની રેકોર્ડબ્રેક સદી
28 એપ્રિલ 2025 ના રોજ તેણે ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 38 બોલમાં 101 રન બનાવ્યા. આ ઇનિંગમાં તેણે 35 બોલમાં પોતાની સદી પૂરી કરી, જે IPL ઇતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી હતી. તે IPLમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી (14 વર્ષ 32 દિવસ) પણ બન્યો. આ જ મેચમાં, તેણે માત્ર 17 બોલમાં પોતાની અડધી સદી (50 રન) પૂર્ણ કરી, જે IPL 2025 ની સૌથી ઝડપી અડધી સદી હતી. આ સાથે તે T20 ક્રિકેટમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી પણ બન્યો.