Sports

વૈભવ સૂર્યવંશી 14 વર્ષની ઉંમરે આ ટીમનો વાઈસ કેપ્ટન બન્યો

બિહાર ક્રિકેટ ટીમે 2025-26 રણજી ટ્રોફી સીઝનની પ્રથમ બે મેચ માટે તેના યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશીને ઉપ-કપ્તાન તરીકે નિયુક્ત કર્યા છે. બિહાર ક્રિકેટ એસોસિએશન (BCA) એ જાહેરાત કરી કે ટીમનું નેતૃત્વ સાકીબુલ ગની કરશે.

બિહાર 15 ઓક્ટોબરે પટનાના મોઈનુલ હક સ્ટેડિયમ ખાતે અરુણાચલ પ્રદેશ સામે તેની પ્લેટ લીગ સીઝનની શરૂઆત કરશે. છેલ્લી રણજી ટ્રોફી સીઝનમાં એક પણ જીત મેળવ્યા વિના બિહાર પ્લેટ લીગમાં બહાર થઈ ગયું હતું, પરંતુ વૈભવ સૂર્યવંશીની હાજરીથી ટીમને નવી આશા મળી છે.

વૈભવ સૂર્યવંશી ફક્ત 14 વર્ષનો છે અને ક્રિકેટ જગતમાં અનેક રેકોર્ડ બનાવી ચૂક્યો છે. તેણે 2023-24 સીઝનમાં 12 વર્ષની ઉંમરે રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ 13 વર્ષની ઉંમરે તેણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં રાજસ્થાન રોયલ્સ (RR) સાથે કરાર કર્યો.

વૈભવે ભારતની અંડર-19 ટીમના ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસોમાં પણ ભાગ લીધો છે. આ વર્ષની IPLમાં તેણે ગુજરાત ટાઇટન્સ (GT) સામે 35 બોલમાં સદી ફટકારી હતી. પુરુષ ક્રિકેટમાં T20 સદી ફટકારનાર સૌથી નાની ઉંમરના ખેલાડી (14વર્ષ)નો વિશ્વ રેકોર્ડ બનાવ્યો. આ IPLમાં બીજી સૌથી ઝડપી સદી પણ હતી.

જોકે, સૂર્યવંશી સમગ્ર રણજી સિઝનમાં બિહાર તરફથી રમતા જોવા મળશે નહીં કારણ કે તેમનું ધ્યાન આવતા વર્ષે યોજાનાર અંડર-19 વર્લ્ડ કપ 2026 પર રહેશે, જે ઝિમ્બાબ્વે અને નામિબિયામાં રમાશે.

બિહારની સંપૂર્ણ ટીમઃ પીયૂષ કુમાર સિંહ, ભાસ્કર દુબે, સકીબુલ ગની (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી (વાઈસ-કેપ્ટન), અર્ણવ કિશોર, આયુષ લોહારુકા, બિપિન સૌરભ, અમોદ યાદવ, નવાઝ ખાન, સાકિબ હુસૈન, રાઘવેન્દ્ર પ્રતાપ સિંહ, સચિન કુમાર સિંહ, હિમદાસ, અખિલેશ સિંહ, આયુષ ખાન.

Most Popular

To Top